સૌરાષ્ટ્રના યાત્રાધામોમાં અંતિમ સુર્યાસ્ત અને પ્રથમ સુર્યોદયને નિહાળવા ભક્તો-પર્યટકોની ભારે ભીડ Jan 01, 2026 વર્ષ 2025નું વિદાયઘંટ વાગી ચૂક્યું છે અને આજે ઈશુનું નૂતન વર્ષ 2026 સમગ્ર વિશ્વમાં ઉત્સાહ અને આશાઓ સાથે શરૂ થયું છે. ગઈકાલે 31 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ વર્ષના અંતિમ સુર્યાસ્તના દર્શન માટે ભક્તો અને સહેલાણીઓની વિશાળ ભીડ ઉમટી પડી હતી. લોકોએ શ્રદ્ધા-ભક્તિ સાથે 2025ને અલવિદા કહી અને નવા વર્ષનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. દ્વારકા: અંતિમ સુર્યાસ્તના સાક્ષી બન્યા હજારો ભક્તોભારતના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકામાં વર્ષ 2025ના અંતિમ દિવસે અનોખું આધ્યાત્મિક અને પ્રાકૃતિક દ્રશ્ય સર્જાયું હતું. સંધ્યા સમયે સનસેટ પોઈન્ટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પર્યટકો એકત્ર થયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ કુદરતના ખોળે ઊભા રહી વર્ષના અંતિમ સુર્યાસ્તને નિહાળવાની લ્હાણી લેવા લોકો ઉમટી પડ્યા હતા. દ્વારકાના સંગમ ઘાટ, ગાયત્રી બીચ, લાઈટ હાઉસ, ભડકેશ્વર ચોપાટી સહિતના વિસ્તારોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. લોકો સૂર્યાસ્ત સાથે સેલ્ફી લઈ યાદગાર પળોને કેદ કરતાં નજરે પડ્યા હતા. પ્રભાસપાટણ: સોમનાથ મહાદેવના સાક્ષીએ 2025નો અંતપ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં વર્ષ 2025નો અંતિમ સુર્ય અસ્ત થયો હતો. કેસરિયા રંગે રંગાયેલું આકાશ, પ્રચંડ પવનમાં લહેરાતો કૌશેય ધ્વજ અને રત્નાકર સમુદ્રમાં સમાતો સુર્ય – આ મનોહર દ્રશ્ય ભક્તોને સમયથી પર લઈ જતું અનુભવ કરાવતું હતું. ભક્તોએ અસ્ત થતા સુર્ય સાથે ગત વર્ષની નિરાશાઓ અને અપેક્ષાઓને ત્યજી, દરેક પરોઢે ઉગતા સુર્યની જેમ નવી આશા, ઉત્સાહ અને ચેતના સાથે વર્ષ 2026ને આવકારવાની પ્રેરણા મેળવી. ‘જય સોમનાથ’ના નાદ સાથે લોકોએ સર્વના કલ્યાણ અને રાષ્ટ્રહિત માટે પ્રાર્થના કરી હતી. ખંભાળીયા: વર્ષ 2026ના પ્રથમ સુર્યોદયનું ભાવભર્યું સ્વાગતવર્ષ 2025 અનેક વિટંબણાઓ અને પડકારો સાથે પૂર્ણ થયું છે. ત્યારે ખંભાળીયામાં આજે ગુરુવારે સવારે વર્ષ 2026ના પ્રથમ સુર્યોદયનો નજારો અત્યંત આહલાદક રહ્યો હતો. લોકોએ પ્રભાતે ઉગતા સુર્યને નમન કરી, આવનાર વર્ષ શાંતિપૂર્ણ, સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે તેવી કામના કરી હતી. દીવ (ઉના): દુલ્હનની જેમ શણગારાયું પર્યટન ધામનવા વર્ષની ઉજવણીને લઈ દીવ પ્રશાસન અને હોટલ ઉદ્યોગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. ઐતિહાસિક પોર્ટુગીઝ કિલ્લો, INS ખુખરી મેમોરિયલ, બ્લૂ ફ્લેગ બીચ, ગંગેશ્વર મહાદેવ સહિતના સ્થળોને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવ્યા હતા. નાગવા બીચ પર રાત્રે ભવ્ય મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વોટર સ્પોર્ટ્સ અને અહેમદપુર માંડવી બીચ પર વહેલી સવારે ડોલ્ફિન વ્યૂઇંગ બોટ રાઈડ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સુરક્ષા અને વ્યવસ્થાઓ કડકભીડ નિયંત્રણ અને સુરક્ષાના ભાગરૂપે દીવ પ્રશાસન દ્વારા વિશેષ પાર્કિંગ વ્યવસ્થા કરાઈ હતી.કાર પાર્કિંગ : ₹50ટૂ-વ્હીલર પાર્કિંગ : ₹20પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં રહ્યું હતું. ઉના-નવાબંદર પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. નશો કરીને વાહન ચલાવનારાઓ સામે બ્રેથ એનાલાઈઝર વડે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમનાથ ચોપાટી: હજારો લોકોએ સુર્યના અંતિમ કિરણોના દર્શન કર્યા 31 ડિસેમ્બર સાંજે સોમનાથ મંદિર ચોપાટી કિનારે હજારો યાત્રાળુઓએ વર્ષ 2025ના અંતિમ સુર્યાસ્તના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 1 જાન્યુઆરી 2026ના પ્રથમ સુર્યોદય સાથે લોકોએ નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે તેવી મહાદેવને પ્રાર્થના કરી હતી. અંબાણી પરિવારનું દ્વારકાધીશમાં દર્શન વર્ષ 2025ના અંતિમ દિવસે રિલાયન્સ ગ્રુપના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધુ રાધિકા અંબાણીએ દ્વારકાધીશ મંદિરે ઠાકોરજીના ઉત્થાપન સમયે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે આવનાર વર્ષ 2026 સર્વ માટે સુખ-સમૃદ્ધિભર્યું રહે તેવી કામના વ્યક્ત કરી હતી. બાદમાં તેઓએ શારદામઠમાં બ્રહ્મચારી નારાયણાનંદજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા.સૌરાષ્ટ્રના યાત્રાધામો અને પર્યટન સ્થળોએ 2025ની વિદાય અને 2026ના સ્વાગતને યાદગાર બનાવી દીધું છે. શ્રદ્ધા, પ્રકૃતિ અને ઉત્સાહના સંગમ સાથે લોકોએ નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે વર્ષ 2026માં પ્રવેશ કર્યો છે. Previous Post Next Post