સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, રાજકોટ-દ્વારકા સહિત વિસ્તારોમાં પાણી ભરાયા, ખેડૂતો ચિંતિત, ખેતી પાકને નુકસાનની ભીતિ વધી

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, રાજકોટ-દ્વારકા સહિત વિસ્તારોમાં પાણી ભરાયા, ખેડૂતો ચિંતિત, ખેતી પાકને નુકસાનની ભીતિ વધી

સૌરાષ્ટ્રમાં અચાનક વરસેલા કમોસમી વરસાદે જનજીવન અને ખેતી બંનેને અસર કરી છે. રાજકોટ, દ્વારકા, જામનગર, જુનાગઢ, પોરબંદર, મોરબી સહિતના વિસ્તારોમાં ભરશિયાળે ચોમાસાની જેમ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આખો ડિસેમ્બર મહિનો એક છાંટો પણ ન પડ્યો હોય તેવું સુકું હવામાન હતું અને છેલ્લા પોણા બે માસથી સતત શુષ્ક અને સૂર્યપ્રકાશિત વાતાવરણ વચ્ચે આજે અચાનક પાકિસ્તાન-અફઘાનિસ્તાન ઉપર સર્જાયેલા ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે પશ્ચિમી વિક્ષોભની તીવ્ર અસરથી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ નોંધાયો છે.

સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજ પડતા વરસાદ – એક જ દિવસમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુઓનો અનુભવ થયો હતો. રાજકોટ શહેરમાં અંદાજે 9 મી.મી. વરસાદ નોંધાયો છે જ્યારે જામનગર ગ્રામ્ય પંથકમાં અર્ધાથી એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જેતપુર, માળિયા, માંગરોળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદના ઝાપટાં પડ્યા હતા. કચ્છના રાપરમાં તથા બનાસકાંઠાના વાવ પંથકમાં પણ હળવા ઝાપટાં નોંધાયા છે.

રાજકોટ, દ્વારકા સહિતના શહેરોમાં ભરશિયાળે ચોમાસાની જેમ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. સ્વેટર સાથે રેઇનકોટ પહેરવાની સ્થિતિ જોવા મળી હતી. અનેક નાગરિકોને અચાનક વરસાદમાં પલળવું પડ્યું હતું. ઘરોમાં સુકાતા કપડાં ઉતારવાની દોડધામ જોવા મળી તો વેપારીઓમાં માલસામાન બચાવવા દોડધામ મચી ગઈ હતી. વિવિધ સામાજિક, ધાર્મિક અને જાહેર કાર્યક્રમો પર પણ વરસાદની અસર પડી હતી. વરસાદના પગલે મચ્છરજન્ય અને વાયરલ રોગચાળો વધવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

છેલ્લા આશરે પચાસ દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં એકધારું સુકું હવામાન રહેતા કૃષિજન્ય સોદા, વેપારી પ્રવૃત્તિઓ તેમજ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો હતો. પરંતુ ઈ.સ. 2025ના અંતિમ દિવસે પોષ સુદ-12ના રોજ તીવ્ર ઠંડી વચ્ચે અચાનક વરસેલા વરસાદે લોકઉત્સાહ પર ઠંડુ પાણી રેડી દીધું છે.

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી મળેલા અહેવાલો મુજબ જેતપુર પંથકમાં રાયડો, જીપરુ, એરંડા, ઘઉં અને ચણાના વ્યાપક વાવેતર વચ્ચે કમોસમી વાદળો ખેડૂતો માટે સંકટ સમાન સાબિત થયા છે. જામનગર શહેરમાં વરસાદી છાંટાં પડ્યા હતા જ્યારે સમાણા રોડ, નારણપુર, દડીયા, લાલપુર અને ખંભાળિયા રોડના ગામડાંમાં અર્ધાથી એક ઈંચ વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં સવારે ઠંડીમાં ગરમ વસ્ત્રો પહેરી બહાર નીકળેલા નાગરિકોને અચાનક કમોસમી વરસાદનો સામનો કરવો પડ્યો હતો અને તૈયાર પાકમાં રોગચાળાનો ભય સર્જાયો છે. પોરબંદર યાર્ડમાં માવઠાંના પગલે તા. 1 થી 3 જાન્યુઆરી દરમિયાન અનાજ વિભાગમાં આવક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વર્ષના અંતિમ દિવસોમાં યાત્રિકોની ભારે આવક વચ્ચે બપોરે બે વાગ્યાની આસપાસ તીવ્ર પવન સાથે કમોસમી વરસાદ વરસતા માર્ગો પર નદી વહેતી હોય તેમ પાણી વહેવા લાગ્યું હતું. દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના હંજડાપર, મોવાણ, સોનારડી, દાત્રાણા, જુવાનપુર સહિતના ગામોમાં માવઠાં વરસતા ધરતીપુત્રોની ચિંતા વધી છે. મોરબી જિલ્લામાં ટંકારાના ગ્રામ્ય વિસ્તાર બંગાડવડી, સાવડી, સરાયા નેસડા, સુરજી, દેવળીય તેમજ હળવદ તાલુકાના ઘનશ્યામપુર, સોયબા, ઢવાણા અને દિઘડીયામાં કમોસમી વરસાદથી ખેડૂતોના કપાળે ચિંતાની રેખાઓ દેખાઈ રહી છે. જુનાગઢ પંથકમાં માળિયા હાટીના તાલુકાના જલંધર, વડીયા સહિતના ગામોમાં તેમજ માંગરોળ વિસ્તારમાં બપોર બાદ પડેલા વરસાદે ખેડૂતોને ચિંતામાં મુકી દીધા છે. રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી સુધીના માર્ગ પર તેમજ અન્ય વિસ્તારોમાં પણ હળવા-ભારે ઝાપટાં વરસ્યાના અહેવાલો મળી રહ્યા છે.

કમોસમી વરસાદથી એક તરફ જનજીવનને વ્યાપક અસર પહોંચી છે તો બીજી તરફ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ