છેક રાત્રી સુધી સસ્પેન્સ બાદ ડો. KLN રાવ રાજ્યના નવા ઈન્ચાર્જ ડીજીપી નિમાયા, વિકાસ સહાયના અનુગામી બન્યા Jan 01, 2026 દિવસભરની કશ્મકશ અને છેક રાત્રી સુધી ચાલેલા સસ્પેન્સ બાદ ગુજરાતને નવા પોલીસ વડા મળ્યા છે. રાજ્યના નવા ઈન્ચાર્જ ડીજીપી તરીકે વરિષ્ઠ આઈપીએસ અધિકારી ડો. કે.એલ.એન. રાવને જવાબદારી સોંપવામાં આવી છે. ગઈકાલે શ્રી વિકાસ સહાય તેમના અનુગામીની રાહ જોતા મોડે સુધી પોતાની ઓફિસમાં હાજર રહ્યા હતા, પરંતુ દિલ્હીમાં યુપીએસસી તરફથી નવા પોલીસ વડાની પસંદગી અંગે કોઈ સંદેશ ન મળતા અંતે રાજ્યના ગૃહ વિભાગે રાત્રિના સમયે આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો.રાજ્યના સૌથી સીનીયર, 1992 બેચના આઈપીએસ અધિકારી એવા ડો. કે.એલ.એન. રાવને તાત્કાલિક અસરથી ડીજીપી ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગના આદેશ સાથે જ લાંબા સમયથી ચાલતો સસ્પેન્સ સમાપ્ત થયો હતો. સાથે જ સંકેતો મળ્યા છે કે ટૂંક સમયમાં તેઓને પૂર્ણ કક્ષાના પોલીસ વડા તરીકે પણ નિયુક્ત કરવામાં આવી શકે છે. ડો. રાવ ઓક્ટોબર 2027માં નિવૃત્ત થવાના હોવાથી, તેમની પાસે હજુ નોંધપાત્ર કાર્યકાળ બાકી છે.આ પૂર્વે શ્રી વિકાસ સહાયની વિદાય લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી અને ગઈકાલે પોલીસ ભવન ખાતે તેની તૈયારીઓ પણ કરવામાં આવી હતી. જોકે, છેલ્લી ઘડી સુધી તેમના અનુગામી અંગે કોઈ સત્તાવાર સંદેશ ન મળતા શ્રી સહાય સાથે સીનીયર પોલીસ અધિકારીઓને પણ રોકાવું પડ્યું હતું. અંતે, ગૃહ મંત્રાલય તરફથી રાત્રીના સમયે ડો. રાવની ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂકનો આદેશ બહાર પડતાં જ પોલીસ ભવનમાં તેમને આવકાર અને શ્રી સહાયને વિદાય આપવામાં આવી હતી.ડો. કે.એલ.એન. રાવ હાલ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના વડા તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે અને નવા આદેશ મુજબ તેઓ આ વિભાગનો વધારાનો ચાર્જ પણ યથાવત સંભાળશે. રાજ્યમાં તેઓ એક કડક, કાર્યક્ષમ પરંતુ સાથે સાથે સંવેદનશીલ અધિકારી તરીકે ઓળખાય છે. કાયદો-વ્યવસ્થા, ગુનાખોરી નિયંત્રણ અને પ્રશાસનિક કડકાઈ બાબતે તેમનો લાંબો અનુભવ પોલીસ તંત્ર માટે મહત્વનો માનવામાં આવે છે.સૂત્રો મુજબ, ડો. રાવને કાયમી ચાર્જ મળ્યા બાદ પોલીસ વિભાગમાં વ્યાપક ફેરફારો થવાની શક્યતા છે. રાજ્યમાં ગૃહ સચિવની નિમણૂક પણ હજુ બાકી છે, જેનો હાલ ચાર્જ મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ પાસે છે. આમ, નવા વર્ષની શરૂઆત સાથે જ રાજ્યના પોલીસ પ્રશાસનમાં મહત્વપૂર્ણ ફેરફારનો પ્રારંભ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. Previous Post Next Post