દુર્લભ નેઝોફેરિંક્સ ગાંઠ દૂર કરી રાજકોટ સિવિલે જન્મથી શ્વાસની તકલીફ ધરાવતા 20 દિવસના નવજાતને નવજીવન આપ્યું સફળતાપૂર્વક Jan 01, 2026 રાજકોટ સિવિલ હોસ્પિટલ અંતર્ગત કાર્યરત જનાના હોસ્પિટલ ખાતે તાજેતરમાં એક અત્યંત ગંભીર અને દુર્લભ કેસમાં સમયસર નિદાન, અદ્યતન સારવાર અને સંયુક્ત ટીમવર્કના પરિણામે માત્ર 20 દિવસના નવજાત બાળકને નવજીવન મળ્યું છે. જન્મથી જ શ્વાસની ગંભીર તકલીફ ધરાવતા આ બાળકની સફળ સારવારથી સમગ્ર તબીબી જગત અને પરિવારજનોમાં હર્ષની લાગણી પ્રસરી છે.જન્મ સમયે માત્ર 1.8 કિલોગ્રામ વજન ધરાવતા આ નવજાત શિશુને જન્મતાની સાથે જ શ્વાસ લેવામાં ભારે તકલીફ થતી હતી. શરૂઆતમાં બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં વારંવાર વેન્ટિલેટર પરથી ઉતારવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને બાળકને સતત વેન્ટિલેટર પર રાખવું ફરજિયાત બન્યું હતું. વધુ યોગ્ય અને વિશેષ સારવાર માટે બાળકને તારીખ 26 ડિસેમ્બરે રાજકોટ સિવિલ હોસ્પિટલ હેઠળની જનાના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું.જનાના હોસ્પિટલમાં વિગતવાર તપાસ દરમિયાન તબીબોએ નોંધ્યું કે બાળક રડતું ત્યારે તેના મોઢાની અંદરથી એક મોટો ગાંઠ જેવો ભાગ બહાર દેખાતો હતો, જે શ્વાસ લેવામાં અને દૂધ પીવામાં ગંભીર અવરોધ ઊભો કરતો હતો. ખાનગી હોસ્પિટલમાંથી બાળકને ઇસોફેજિયલ ફાઇબ્રો-વાસ્ક્યુલર પોલિપની શંકા સાથે એન્ડોટ્રેકિયલ ટ્યુબ મૂકેલી હાલતમાં મોકલવામાં આવ્યું હતું.જનાના હોસ્પિટલમાં ઇએનટી વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ બાળકને પીડિયાટ્રિક સર્જરી વિભાગને રિફર કરવામાં આવ્યું. આગળની તપાસ માટે સીઇસીટી નેક અને ઓરલ કેવિટી કરાવવામાં આવી, જેમાં સ્પષ્ટ થયું કે આ ગાંઠ નેઝોફેરિંક્સ વિસ્તારમાંથી ઊભી થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા અને બાળકની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઈમરજન્સી ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.પીડિયાટ્રિક સર્જન ડૉ. જયદીપ ગણાત્રા દ્વારા અત્યંત કુશળતા અને ચોકસાઈ સાથે જટિલ શસ્ત્રક્રિયા કરીને આ દુર્લભ ગાંઠને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી. શસ્ત્રક્રિયા બાદ બાળકને સાવચેતીરૂપે ૨૪ કલાક માટે મેકેનિકલ વેન્ટિલેશન પર રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ સફળતાપૂર્વક વેન્ટિલેટર દૂર કરવામાં આવ્યું અને હાલ બાળક વેન્ટિલેટર વિના સ્વતંત્ર રીતે શ્વાસ લઈ રહ્યું છે. બાળકને હવે ફીડિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે અને તેની હાલત સંપૂર્ણપણે સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.આ સમગ્ર સફળ સારવારમાં જનાના હોસ્પિટલની બહુવિધ તબીબી ટીમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. એનસ્થિસિયા વિભાગના ડૉ. ધ્વની અને તેમની ટીમ, પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. પંકજ બુચ, ડૉ. મનાલી વિરપરિયા, ઓપરેશન થિયેટરનો સ્ટાફ તેમજ નર્સિંગ ટીમના ઉત્તમ સહકારથી આ મુશ્કેલ સર્જરી સફળ બની હોવાનું સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. હર્ષદ દૂસરાએ જણાવ્યું છે.રાજકોટ સિવિલ હોસ્પિટલ હેઠળ કાર્યરત જનાના હોસ્પિટલની અદ્યતન તબીબી સુવિધાઓ, સમયસર લેવાયેલા નિર્ણયો અને માનવતાભરી સેવાભાવનાના કારણે નવજાત બાળકને નવું જીવન મળ્યું છે. બાળકના સ્વસ્થ થવાથી તેના પરિવારજનોમાં આનંદ અને રાહતની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે જનાના હોસ્પિટલની મેડિકલ ટીમ માટે આ કેસ એક નોંધપાત્ર સફળતા તરીકે જોવામાં આવી રહ્યો છે. Previous Post Next Post