યાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની વેકેશનમાં ભાવિકોની ભારે ભીડ, તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા

યાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની વેકેશનમાં ભાવિકોની ભારે ભીડ, તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા

નાતાલના તહેવાર તથા શાળા-કોલેજોમાં શરૂ થયેલા મીની વેકેશનના માહોલને પગલે યાત્રાધામ દ્વારકામાં ભાવિકો અને પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી છે. ગુરુવારથી શરૂ થયેલા નાતાલના તહેવારો સાથે જ દ્વારકાનગરી ધમધમવા લાગી છે. જગતમંદિરમાં વહેલી સવારથી જ દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ભાવિકોને સરળ અને સુવ્યવસ્થિત રીતે દર્શન મળી રહે તે માટે મંદિર પ્રશાસન તથા સ્થાનિક તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જગતમંદિર ઉપરાંત દ્વારકા દર્શન સર્કિટના મહત્વના તીર્થસ્થાનો જેમ કે બેટ દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, રૂક્ષ્મણી મંદિર, હનુમાન દાંડી તેમજ શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ અને મોમાઈ બીચ જેવા પર્યટન સ્થળોમાં પણ ભાવિકો તથા સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. નાતાલના મીની વેકેશન શરૂ થતાં જ પ્રવાસીઓ, ભાગવત સપ્તાહના યજમાનો અને દર્શનાર્થે આવનાર ભાવિકોના કારણે દ્વારકાનગરીમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે.
 

25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી વિશેષ ઘસારો

યાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની ફેસ્ટિવલની ગઈકાલથી સત્તાવાર શરૂઆત થઈ છે. તા.25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધીના દસ દિવસ દરમિયાન લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓ દ્વારકા આવનાર હોવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી વિદ્યાર્થીઓના ટુર, પરિવારજનો સાથે પ્રવાસે આવતા લોકો અને ધાર્મિક કાર્યક્રમો માટે આવનારા ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

દ્વારકામાં આવેલી હોટલો, ધર્મશાળા અને વિવિધ સમાજોના અતિથિગૃહોમાં બુકિંગ મોટા પ્રમાણમાં થઈ ચૂક્યા છે. હાલ દ્વારકામાં અંદાજિત 3500 જેટલા રૂમ ઉપલબ્ધ છે, જેના કારણે રહેવાની સુવિધાઓ હવે બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ બની છે. દિવાળી બાદ જ નાતાલના વેકેશન માટે બુકિંગ શરૂ થઈ ગયા હતા.
 

શિયાળાનું અનુકૂળ વાતાવરણ પ્રવાસીઓને આકર્ષે છે

હાલ શિયાળાની ઋતુ અનુકૂળ હોવાથી અને કુદરતી વાતાવરણ મનોહર બન્યું હોવાથી લોકો પ્રવાસન સ્થળો અને યાત્રાધામોમાં આવવા માટે નીકળ્યા છે. ખાસ કરીને દ્વારકાનો સમુદ્ર કિનારો સહેલાણીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. નાતાલના આ વેકેશન દરમિયાન દ્વારકામાં દેશના વિવિધ પ્રાંતોમાંથી યાત્રિકો દ્વારા 5 થી 6 સ્થળોએ ભાગવત સપ્તાહના કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે.
 

ધનુર્માસ ઉત્સવની ઉજવણી

હાલ ચાલી રહેલા ધનુર્માસને અનુસંધાને બેટ દ્વારકામાં સમગ્ર માસ દરમિયાન શ્રીજીના ઉત્સવક્રમમાં ફેરફાર સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકા યાત્રાધામમાં આવેલા દ્વારકાધીશ મંદિરમાં વ્યાપક ભીડને ધ્યાનમાં રાખી દર વર્ષની જેમ ધનુર્માસની ચાર વિશિષ્ટ તિથિઓમાં ધનુર્માસ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ અનુસંધાને તા.25 ડિસેમ્બર, 2025ના રોજ ગુરુવારના દિવસે જગતમંદિરમાં તૃતીય ધનુર્માસ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ દિવસે દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીની મંગળા આરતી સવારે 5.30 કલાકે યોજાઈ હતી. મંગળા આરતીથી લઈ સવારના નિત્યક્રમ દરમિયાન સવારે 10.30 કલાકે અનોસર (મંદિર બંધ) થાય ત્યાં સુધી મોટી સંખ્યામાં ભાવિકોએ ઠાકોરજીના દર્શનનો લાભ લીધો હતો.
 

ટ્રાફિક નિયંત્રણ માટે સુદર્શન સેતુ પર પ્રતિબંધ

નાતાલના તહેવારો દરમિયાન વધતી ભીડને કારણે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33(1)(ખ) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરી તા.31 ડિસેમ્બર, 2025 (રાત્રિના 12 વાગ્યા સુધી) સુદર્શન સેતુ પર ઓખા તરફ આવેલા છેડેથી શ્રી દ્વારકાધીશ મંદિર બેટ સુધી ભારે સરકારી એસ.ટી. બસ સિવાયના વાહન, ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકાની કચેરી દ્વારા પરવાનગી આપવામાં આવેલા વાહનો તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે સંકળાયેલા સરકારી વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. આ આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ