નલિયા ફરી ઠર્યું: 9.5 ડિગ્રી લઘુતમ તાપમાન, સૌરાષ્ટ્રભરમાં શિતલહેરોથી તીવ્ર ઠંડીનો અહેસાસ Dec 26, 2025 ચાલુ શિયાળુ મોસમ દરમિયાન કચ્છના નલિયા ખાતે ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થયો છે. આજે નલિયામાં લઘુતમ તાપમાન 9.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ શિયાળામાં બીજી વખત સિંગલ ડિજીટમાં પહોંચ્યું છે. વહેલી સવારથી જ નલિયાવાસીઓએ ઠારનો અહેસાસ કર્યો હતો અને લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. ઠંડીના આ વધતા પ્રમાણને કારણે જનજીવન પર પણ તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે.નલિયા ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે શિતલહેર સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ડિસા અને વડોદરા સહિત પાંચ સ્થળોએ લઘુતમ તાપમાન 13 ડિગ્રી આસપાસ નોંધાતા લોકોમાં તીવ્ર ઠંડીની લાગણી જોવા મળી હતી. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ઘટ્યોઆજે સવારે નોંધાયેલા આંકડાઓ મુજબ રાજકોટમાં લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી, અમરેલીમાં 13.2 ડિગ્રી અને જુનાગઢમાં પણ 13.2 ડિગ્રી નોંધાયું હતું. વડોદરામાં 13.6 ડિગ્રી અને ડિસામાં 13.6 ડિગ્રી તાપમાન રહેતા વહેલી સવારે ઠંડા પવન સાથે ઠંડી વધુ અનુભવી હતી. અનેક શહેરોમાં લોકો વહેલી સવારે અને રાત્રીના સમયે ખાસ કરીને ઠારનો અનુભવ કરી રહ્યા છે.અમદાવાદમાં આજે લઘુતમ તાપમાન 15.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ભાવનગરમાં 16.2 ડિગ્રી, ભુજમાં 14.1 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી અને કંડલામાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત દમણમાં 17 ડિગ્રી, દિવમાં 15.5 ડિગ્રી, દ્વારકામાં 17.1 ડિગ્રી અને સુરતમાં 16.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. વેરાવળમાં 18.4 ડિગ્રી અને ઓખામાં સૌથી વધુ 20.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગિરનાર પર વધુ ઠંડી, પર્વતીય વિસ્તારોમાં ઠારજુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા નોંધાયેલા આંકડાઓ અનુસાર આજે જુનાગઢમાં મહત્તમ તાપમાન 15.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું. ગિરનાર પર્વત પર તો ઠંડી વધુ તીવ્ર બની હતી, જ્યાં લઘુતમ તાપમાન 8.2 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું હતું. પર્વતીય વિસ્તારોમાં ઠંડા પવન અને નીચા તાપમાનને કારણે ઠારનો અહેસાસ વધુ થયો હતો. ભેજ અને પવનથી ઠંડીનો અહેસાસ વધ્યોડિસેમ્બર માસના અંત તરફ આગળ વધી રહ્યા હોવા છતાં આ વર્ષે અત્યાર સુધી ઠંડીનો માહોલ ખાસ કડક જોવા મળતો ન હતો. જોકે છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઘટાડો અને પવનની ગતિ વધતા ઠંડીનો અહેસાસ વધી ગયો છે. વાતાવરણમાં સરેરાશ ભેજનું પ્રમાણ 78 ટકા નોંધાયું હતું, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક આશરે 2.7 કિલોમીટર રહી હતી. આ કારણે વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડા પવનથી લોકો ઠાર અનુભવતા રહ્યા હતા. જામનગરમાં પારો થોડો વધ્યો, છતાં ઠંડી યથાવતજામનગર શહેરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો નોંધાયો હતો અને પારો 15 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તેમ છતાં ઉત્તર ભારતમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં થયેલી હિમવર્ષાના કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે.જામનગર કલેક્ટર કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ શહેરમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 4 કિલોમીટર નોંધાઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ઝાકળ છવાયેલી જોવા મળી હતી અને શહેરની તુલનામાં ત્યાં વધુ ઠંડી અનુભવાઈ હતી. આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેવાની શક્યતાહવામાન નિષ્ણાતોના મતે ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનોના કારણે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રીના સમયે લોકો ગરમ કપડાં અને સાવચેતી રાખવાની જરૂરિયાત છે. નલિયા સહિતના વિસ્તારોમાં તાપમાન ફરી સિંગલ ડિજીટમાં પહોંચે તેવી સંભાવનાને નકારી શકાય તેમ નથી. Previous Post Next Post