રાજકોટમાં ગેસ નિયમોમાં મોટો ફેરફાર: LPG અને PNGમાંથી એક જ કનેક્શન રાખવાનું ફરજિયાત Mar 17, 2026 રાજકોટ જિલ્લામાં ઘરેલુ ગેસ પુરવઠાને વધુ સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) અને PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) સંબંધિત નવી માર્ગદર્શિકાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિક સુધી ગેસનો યોગ્ય અને સમયસર પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે.આ નવી માર્ગદર્શિકા અનુસાર, હવે રાજ્યના નાગરિકો LPG અને PNG પૈકી માત્ર એક જ ગેસ કનેક્શન રાખી શકશે. એટલે કે, જે લોકો પાસે PNG કનેક્શન છે તેઓ LPG કનેક્શન રાખી શકશે નહીં અને જે લોકો LPGનો ઉપયોગ કરે છે તેઓ PNG કનેક્શન લઈ શકશે નહીં. બંને ગેસ કનેક્શન સાથે રાખવાની મંજૂરી હવે નહીં મળે. આ નિયમનો અમલ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા “લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (પુરવઠા અને વિતરણનું નિયમન) સુધારા આદેશ, ૨૦૨૬”ના આધારે કરવામાં આવી રહ્યો છે.જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાપડાએ બેઠક દરમિયાન આ સુધારા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી ગેસના વિતરણમાં પારદર્શિતા આવશે અને ગેરવપરાશ તેમજ બિનજરૂરી સંગ્રહ પર નિયંત્રણ મળશે. ખાસ કરીને, PNG કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે હવે નવા LPG કનેક્શન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેથી PNG વપરાશકર્તાઓ હવે નવા ગેસ સિલિન્ડર માટે અરજી કરી શકશે નહીં. વધુમાં, જે લોકો પાસે પહેલેથી જ PNG અને LPG બંને કનેક્શન છે, તેમને હવે LPG કનેક્શન પરત કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે અને નાગરિકોને આ નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત, જિલ્લામાં LPGના બિનજરૂરી સંગ્રહ અને કાળાબજારીને રોકવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ગેસ એજન્સીઓ અને વિતરકો સાથે સતત સંપર્ક રાખીને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન હોટલ, રેસ્ટોરન્ટ અને હાઈવે પરના ઢાબાઓ પર દરોડા પાડીને અંદાજે 150 જેટલી ઘરેલુ LPG સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઘરેલુ ગેસનો વ્યાપારી ઉપયોગ રોકવાનો છે.રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગાંધીનગર દ્વારા મળતી સૂચનાઓના આધારે તમામ ગેસ એજન્સીઓ અને તેમના ગોડાઉનમાં પણ કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. દરેક ગેસ એજન્સી અને ગોડાઉન ખાતે એક રેવન્યુ કર્મચારી અને એક પોલીસ કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે જેથી ગેસના વિતરણમાં કોઈ ગેરરીતિ ન થાય. આ વ્યવસ્થા દ્વારા ગેસનું વિતરણ નિયમ મુજબ થાય છે કે નહીં અને કોઈ પણ પ્રકારનો બિનજરૂરી સંગ્રહ કે કાળાબજારી ન થાય તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.આ સાથે જ, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) અને PNG કંપનીઓના અધિકારીઓ સાથે દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવી રહી છે. ગેસ પુરવઠાની સ્થિતિ, માંગ અને વિતરણ અંગે નિયમિત મોનીટરીંગ કરવામાં આવે છે જેથી કોઈ પણ પ્રકારની અછત ઊભી ન થાય.આ સમગ્ર પગલાંનો હેતુ ગેસના સમાન અને યોગ્ય વિતરણ સાથે નાગરિકોને સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આ નિર્ણય લાંબા ગાળે ગેસ પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.જિલ્લા કલેકટરશ્રીએ રાજકોટ શહેર અને જિલ્લાના તમામ નાગરિકોને આ નવી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે, જેથી ગેસની અછત, કાળાબજારી અને ગેરવપરાશ જેવી સમસ્યાઓને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય. Previous Post Next Post