ગિરનારની ગોદમાં ‘મિની કુંભ’નો મંગલ પ્રારંભ: ડેપ્યુટી CMની હાજરીમાં ભવનાથમાં ભવ્ય ડમરુ યાત્રા, કડક સુરક્ષા અને વ્યાપક તૈયારીઓ

ગિરનારની ગોદમાં ‘મિની કુંભ’નો મંગલ પ્રારંભ: ડેપ્યુટી CMની હાજરીમાં ભવનાથમાં ભવ્ય ડમરુ યાત્રા, કડક સુરક્ષા અને વ્યાપક તૈયારીઓ

જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે ‘મિની કુંભ’ તરીકે ભવ્યતાપૂર્વક શરૂ થયો છે. પ્રથમ જ દિવસે ભવનાથ ખાતે રવેડી જેવો માહોલ સર્જાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાધુ-સંતો સાથે ભવનાથ પહોંચ્યા અને ડમરુ યાત્રામાં સહભાગી બનતા ભક્તિનો જુવાર છલકાયો હતો. ગિરનારની ગોદમાં ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદ ગુંજી ઉઠ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે કેશોદ એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો અને પદાધિકારીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું. તેમની સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજા તથા ઉર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા પણ ઉપસ્થિત રહ્યા. એરપોર્ટથી તેઓ ભવનાથ તરફ રવાના થયા અને ભરડાવાવથી પગપાળા પદયાત્રા કરીને ભવનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા. આ પદયાત્રામાં સ્થાનિક ધારાસભ્યો, સાંસદ, જિલ્લા પંચાયત અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયા.
 


ભવનાથ મહાદેવના શિખર પર 55 કિલોના મજબૂત ધ્વજદંડ પર ધર્મધજા ચડાવીને પાંચ દિવસીય મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના બાદ સાધુ-સંતોએ ધૂણી ધખાવી ‘અલખ નિરંજન’ના નાદ સાથે શિવભક્તિનો આરંભ કર્યો. નાયબ મુખ્યમંત્રીએ ભવનાથ મહાદેવ તથા પવિત્ર મૃગીકુંડ ખાતે સાધુ-સંતો સાથે પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા.

પ્રથમ જ દિવસે મેળામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આહિર અને મહેર સમાજના લોકો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ભવ્ય સ્વાગત માટે હાજર રહ્યા, જેનાથી મેળામાં લોકસંસ્કૃતિની ઝલક જોવા મળી. ડમરુના તાલે નાચતા ભક્તો અને સાધુ-સંતોની ભવ્ય ટોળીઓએ સમગ્ર તળેટીને મિની કુંભ જેવી ભવ્યતા આપી દીધી.
 


મેળાના મુખ્ય આકર્ષણ સમાન નાગા સાધુઓએ પોતાની ધૂણી ધખાવી શિવમય વાતાવરણ સર્જ્યું છે. મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળતી સાધુ-સંતોની ભવ્ય ‘રવેડી’ અને મૃગીકુંડમાં થતું શાહી સ્નાન મેળાનો આધ્યાત્મિક શિખરબિંદુ માનવામાં આવે છે. દેશ-વિદેશથી આવેલા લાખો શ્રદ્ધાળુઓ માટે આ મેળો આસ્થાનું કેન્દ્ર બન્યો છે.

આગામી પાંચ દિવસ સુધી ભવનાથ તળેટીમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે. જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે 11થી 14 ફેબ્રુઆરી સુધી દરરોજ બે સત્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પ્રખ્યાત ગાયિકા મૈથિલી ઠાકોર સહિત જાણીતા કલાકારો ભક્તિરસ પીરસશે. લોકગાયક કિર્તીદાન ગઢવીએ જણાવ્યું કે તેઓ છેલ્લા 25 વર્ષથી ભવનાથના મેળામાં આવે છે અને આ વખતે ‘મિની કુંભ’ તરીકેના દરજ્જાથી મેળાને વિશેષ ગૌરવ મળ્યું છે.
 


વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવાઈ છે. કુલ 3500 જેટલો પોલીસ સ્ટાફ ફરજ પર તહેનાત છે, જેમાં 1 ASP, 9 DySP, 38 PI, 135 PSI, 1582 પોલીસ જવાનો, 125 ટ્રાફિક પોલીસ, SRPની 2 કંપની, 600 હોમગાર્ડ અને 651 GRDનો સમાવેશ થાય છે. સમગ્ર મેળા વિસ્તારને દામોદર કુંડ, રૂપાયતન, ભવનાથ, ગિરનાર અને સિટી એમ 5 મુખ્ય ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. 570 સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. 5 સ્પેશિયલ સર્વેલન્સ ટીમ, 4 BDDS ટીમ, ડોગ સ્ક્વોડ અને 6 QR ટીમો પણ સજ્જ રાખવામાં આવી છે.

મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે SHE ટીમ કાર્યરત છે. પ્રથમવાર 800 સ્વયંસેવકો પોલીસ સાથે ટ્રાફિક અને ભીડ નિયંત્રણમાં જોડાયા છે. ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. પાર્કિંગ માટે અગાઉના 8ની જગ્યાએ 24 પોઈન્ટ ઉભા કરાયા છે. યાત્રિકોની સુવિધા માટે 5 સ્થળે 108 એમ્બ્યુલન્સ, 15 મેડિકલ ટીમો અને 6 ફાયર ફાઈટર ટીમો તહેનાત છે.

એસ.ટી. વિભાગ દ્વારા 400 વધારાની બસો દોડાવવામાં આવી રહી છે, જેમાં રાજકોટ, જામનગર અને અમરેલી રૂટ પર ખાસ વ્યવસ્થા છે. ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ અને દત્ત ચોક માહિતી કેન્દ્ર યાત્રિકોને માર્ગદર્શન આપશે.
 


આમ, ગિરનારની પવિત્ર ગિરિમાળામાં શરૂ થયેલો મહાશિવરાત્રીનો મિની કુંભ મેળો ભક્તિ, ભજન અને ભોજનનો મહાસંગમ બની રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી જૂનાગઢ ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના જયઘોષથી ગુંજતો રહેશે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન