કનેસરા અને પાટિયાળીમાં 8.61 કરોડના ખર્ચે બે નવી માધ્યમિક શાળાનું મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લોકાર્પણ કર્યું રાજ્ય સરકાર Jan 03, 2026 રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કનેસરા ગામ ખાતે રૂ. 4.42 કરોડના ખર્ચે નિર્મિત તથા વીંછિયા તાલુકાના પાટિયાળી ગામે રૂ. 4.19 કરોડના ખર્ચે નિર્મિત નવી બે માધ્યમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું. કુલ રૂ. 8.61 કરોડના ખર્ચે બનેલી આ શાળાઓથી વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે.લોકાર્પણ પ્રસંગે નવી શાળાની તકતીનું અનાવરણ કર્યા બાદ મંત્રી શ્રી બાવળીયાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, નવનિર્મિત માધ્યમિક શાળાઓમાં ભવિષ્યની પેઢી એવા બાળકોના જીવનનું ઘડતર થશે અને તેના માધ્યમથી સમગ્ર પરિવાર તથા સમાજનો વિકાસ થશે. તેમણે પોતાના શાળાકીય જીવનના અનુભવો શેર કરતા કહ્યું હતું કે, પાંચ-છ દાયકા પહેલા આ વિસ્તારને પછાત ગણવામાં આવતો હતો, પરંતુ રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે સતત પ્રયાસો કરીને આ વિસ્તારની ઓળખ બદલી છે.મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જસદણ-વીંછિયા પંથકમાં જિલ્લામાં સૌથી વધુ માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે અને રાજ્યમાં પણ મોટી સંખ્યામાં સીમ શાળાઓ શરૂ કરીને ગ્રામ્ય વિસ્તારના બાળકોને શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા, શિસ્તબદ્ધ જીવન જીવવા તથા ઉચ્ચ શિક્ષણ મેળવી ભવિષ્યમાં અધિકારી કે ઉજ્જવળ કારકિર્દી ઘડી સમાજ માટે ઉપયોગી બનવા પ્રેરણા આપી હતી.વાલીઓને અપીલ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સંસ્કાર, શિક્ષણ અને ચારિત્ર્ય એ સાચી મૂડી છે. બાળકોને શિક્ષણ સાથે સારા સંસ્કાર મળે તો તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ, પીવાનું પાણી, માર્ગો, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ મજબૂત બનાવ્યા બાદ હવે ઉદ્યોગો અને ધંધાના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી વધુમાં વધુ યુવાનોને રોજગારી મળી શકે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત” અને “સ્કીલ ઇન્ડિયા મિશન”નો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, યુવાનો ઉદ્યોગો અને બજારની જરૂરિયાત મુજબની સ્કીલ શીખીને માત્ર રોજગાર મેળવનાર નહીં પરંતુ રોજગારદાતા બને તે માટે રાજ્ય સરકારે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. ઉદ્યોગોની માંગને ધ્યાનમાં રાખીને ITIમાં નવા કોર્સ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.જસદણ પંથકની કારીગરી અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારની બહેનો દ્વારા બનાવાતી બંગડીઓ અને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ રાજ્યભરમાં જાણીતી છે. આ ઉત્પાદનો માટે સ્થાનિક સ્તરે માર્કેટ ઊભી થાય અને બહારના ખરીદદારો અહીં આવે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, જેથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળે.લોકાર્પણ પ્રસંગે નવનિર્મિત શાળાઓને વિદ્યાર્થીઓ દ્વારા ફૂલોથી શણગારવામાં આવી હતી. ફૂલ-પાનના તોરણો અને રંગોળી વિદ્યાર્થીઓના ઉત્સાહને પ્રતિબિંબિત કરતા હતા. આ અવસરે તેજસ્વી વિદ્યાર્થીઓ તથા ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોનું મંત્રી શ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.કનેસરા ખાતેના કાર્યક્રમમાં શિક્ષક શ્રી રીંકલ રૈયાણીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું જ્યારે શાળાના આચાર્ય શ્રી નિરેનભાઈ ભટ્ટીએ આભારવિધિ કરી હતી. પાટિયાળી ખાતે શિક્ષક સુશ્રી પૂજા દોંગાએ સ્વાગત પ્રવચન અને આચાર્યા સુશ્રી જયાબેન નંદાણીયાએ આભારવિધિ કરી હતી.કાર્યક્રમમાં કનેસરામાં અગ્રણી શ્રી સંકિતભાઈ રામાણી, શ્રી ભાવેશભાઈ વેકરીયા, મોઢુકા શાળાના આચાર્ય શ્રી અભયસિંહ બારડ, જિલ્લા પ્રોજેક્ટ એન્જિનિયર શ્રી ભરતભાઈ પરમાર, જસદણ ITIના આચાર્યા સુશ્રી રીનાબેન તેમજ પાટિયાળીમાં અગ્રણી શ્રી અશ્વિનભાઈ સાંકળીયા, વીંછિયા મામલતદાર શ્રી યુ.વી. કાનાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી કડવાભાઈ જોગરાજીયા, સરપંચ શ્રી જેન્તીભાઈ તાવિયા સહિત આસપાસના ગામોના સરપંચો, અધિકારીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. Previous Post Next Post