સુરક્ષા અને દુર્ઘટનાઓની ચિંતાને કારણે વિશ્વના અનેક શહેરોમાં નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો રદ કરાયા Dec 29, 2025 વિશ્વભરના લોકો 2026ના નવા વર્ષની ઉજવણી માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, પરંતુ નવા વર્ષની ખુશીઓ વચ્ચે અનેક દેશોમાં ચિંતા અને સતર્કતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જાહેર સુરક્ષા, આતંકી ખતરા અને તાજેતરની દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને પેરિસ, સિડની, બાલી, હોંગકોંગ અને ટોકિયો સહિત વિશ્વના અનેક શહેરોમાં નવા વર્ષની ઉજવણીના મોટા કાર્યક્રમો રદ કરાયા છે અથવા તેમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે.ઘણા શહેરોમાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થતા હોવાથી ભીડ નિયંત્રણ, નાસભાગ અને અશાંતિના જોખમોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યા છે. કેટલાક સ્થળોએ તાજેતરમાં થયેલી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોના સન્માનમાં પણ આતશબાજી અને મનોરંજક કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે.અમેરિકામાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક છે. એફબીઆઈએ તાજેતરમાં લોસ એન્જલસમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ થનારા સંભવિત બોમ્બ વિસ્ફોટના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. આ ઘટનાએ અમેરિકામાં નવા વર્ષની ઉજવણીને લઈને ચિંતા વધારી છે અને અનેક શહેરોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.બીજી તરફ તુર્કીમાં અધિકારીઓએ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન આતંકી હુમલાની શક્યતા વચ્ચે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા હોવાના આરોપસર 115 લોકોની ધરપકડ કરી છે. તુર્કી સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે નાગરિકોની સલામતી માટે કોઈપણ જોખમ લેવામાં નહીં આવે.ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં પણ નવા વર્ષની ઉજવણીમાં મોટા ફેરફાર કરાયા છે. કુદરતી આપત્તિથી પ્રભાવિત લોકોના સન્માનમાં ડેનપાસર શહેર સત્તાવાળાઓએ આતશબાજી અને મોટા કોન્સર્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાને જાળવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે.હોંગકોંગમાં પણ આ વર્ષે પરંપરાગત નવા વર્ષની આતશબાજી નહીં થાય. તેના બદલે કાઉન્ટડાઉન ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. હોંગકોંગ સરકારનું માનવું છે કે આ પગલું સકારાત્મક ઉર્જા, શાંતિ અને એકતા પ્રસરાવશે. નોંધપાત્ર છે કે તાજેતરમાં હોંગકોંગની એક બહુમાળી ઇમારતમાં થયેલી ભીષણ આગમાં 160 લોકોના મોત થયા હતા, જેના કારણે સરકાર આ પ્રકારનો સંવેદનશીલ નિર્ણય લેવા મજબૂર બની હોવાનું માનવામાં આવે છે.યુરોપના દેશોમાં પણ સુરક્ષા ચિંતા કેન્દ્રસ્થાને છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં ચેમ્પ્સ-એલિસીસ પર યોજાતો પરંપરાગત નવા વર્ષની પૂર્વ સંધ્યાનો કોન્સર્ટ રદ કરવામાં આવ્યો છે. આ સ્થળે સામાન્ય રીતે લાખોની સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે, જેના કારણે નાસભાગ અને અશાંતિનો ખતરો રહે છે.ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં બોન્ડી બીચ પર યોજાતો ભવ્ય આતશબાજી કાર્યક્રમ પણ રદ કરાયો છે. તાજેતરમાં બોન્ડી બીચ પર યહૂદીઓ પર થયેલા આતંકવાદી હુમલાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં 15,000થી વધુ લોકો હાજર રહેવાની ધારણા હતી.જાપાનની રાજધાની ટોક્યોમાં પણ શિબુયા સ્ટેશન સામે યોજાતો નવા વર્ષની પૂર્વ સંધ્યાનો કાઉન્ટડાઉન કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. શિબુયા વિસ્તાર ભૂતકાળમાં ભીડ અને અકસ્માતોના કારણે સંવેદનશીલ માનવામાં આવે છે.નવા વર્ષની ઉજવણી પહેલા થયેલા આતંકી હુમલાઓનો ઇતિહાસ પણ વહીવટીતંત્રને સતર્ક રહેવા માટે મજબૂર કરે છે. 14 ડિસેમ્બરે સિડનીના બોન્ડી બીચ પર ISISના હુમલામાં 15 લોકોના મોત થયા હતા. 2024માં જર્મનીના મેગ્ડબર્ગ ક્રિસમસ માર્કેટમાં કાર હુમલામાં 5 લોકોના મોત અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. પેરિસ, માન્ચેસ્ટર અને સ્ટ્રાસબર્ગમાં પણ ભૂતકાળમાં નવા વર્ષ અને ક્રિસમસ દરમિયાન ઘાતક હુમલાઓ થઈ ચૂક્યા છે.આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને વિશ્વભરના દેશો નવા વર્ષની ઉજવણીમાં આનંદ કરતાં વધારે સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે. વહીવટીતંત્રનું માનવું છે કે થોડી મર્યાદિત ઉજવણી જીવન બચાવવા માટે જરૂરી છે, કારણ કે સલામતી વિના કોઈ પણ ઉત્સવ સાચી ખુશી આપી શકતો નથી. Previous Post Next Post