અમેરિકા-ઈરાન યુદ્ધ બાદ ક્રૂડ અને ગેસના ભાવ ધરાશાયી થશે : ટ્રમ્પની  ભવિષ્યવાણી

અમેરિકા-ઈરાન યુદ્ધ બાદ ક્રૂડ અને ગેસના ભાવ ધરાશાયી થશે : ટ્રમ્પની ભવિષ્યવાણી

નવી દિલ્હી ,

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ ૯૭ ડૉલરને પાર

અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા તણાવના કારણે મિડલ ઈસ્ટની ભૌગોલિક-રાજકીય સ્થિતિ અત્યંત તંગ બની છે. આ સંઘર્ષની સીધી અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ઊર્જા બજાર પર જોવા મળી રહી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. વર્તમાન સમયમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ૯૭ ડૉલર પ્રતિ બેરલને વટાવી ગઈ છે, જ્યારે મોંઘવારીનું જોખમ વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બન્યું છે.

આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, ઈરાન સામેના વર્તમાન સંઘર્ષમાં અમેરિકાનો વિજય નિશ્ચિત છે અને આ યુદ્ધ પૂર્ણ થયા બાદ વૈશ્વિક બજારમાં તેલ અને ગેસના ભાવમાં મોટો કડાકો બોલશે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે, યુદ્ધ જીત્યા બાદ ગેસની કિંમત ઘટીને ૩ ડૉલર પ્રતિ ગેલન અને ત્યારબાદ ૨ ડૉલર પ્રતિ ગેલનથી પણ નીચે આવી જશે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, અમેરિકા ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર વિકસાવવાની મંજૂરી નહીં આપે.

એક તરફ અમેરિકા સાથેનો તણાવ અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે ઈરાન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ઈરાન સરકારે તેના નાગરિકો અને મોટા ગેસ ગ્રાહકો માટે ઇંધણના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈરાન દ્વારા માસિક ક્વોટા (૧૧૦ લીટર અથવા ૨૯ ગેલન) કરતાં વધુ ઇંધણ ખરીદવા પર પ્રતિ લીટર ૧,૦૦,૦00 રિયાલ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે અગાઉના દર કરતાં લગભગ બમણો છે.

હાલમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ આશરે ૯૩ ડૉલર પ્રતિ બેરલ જ્યારે મરબાન ક્રૂડ ૩.૪૦ ટકાના ઉછાળા સાથે ૧૦૭ ડૉલર પ્રતિ બેરલ આસપાસ વેપાર કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે, જો મિડલ ઈસ્ટનો આ સંઘર્ષ લાંબો સમય ચાલશે તો વૈશ્વિક સ્તરે ઇંધણની કિંમતો વધુ ઉછળી શકે છે, જેની સીધી અસર સામાન્ય પ્રજાના ખિસ્સા પર પડશે.