સુશાસન દિવસ નિમિત્તે આયુષ્માન યોજનાથી રાજકોટમાં કરોડોની નિઃશુલ્ક સારવાર, લાખો પરિવારોને આરોગ્ય સુરક્ષા મળતી સફળ સરકાર નીતિ Dec 20, 2025 ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીની 100મી જન્મજયંતીના નિમિત્તે ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સમગ્ર દેશમાં ‘સુશાસન દિવસ: અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’ની થીમ સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. અટલજીના સુશાસન, પારદર્શક વહીવટ અને જનહિતને પ્રાથમિકતા આપવાના વિચારો આજે પણ દેશ માટે પ્રેરણારૂપ છે. આ વિચારધારાને આગળ વધારતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રજાલક્ષી અને કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવ્યા છે, જેના પરિણામે સમાજના દરેક વર્ગના સશક્તિકરણ સાથે લોકોની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે.સુશાસનનો મૂળ ભાવ એ છે કે સરકારની યોજનાઓ અને સુવિધાઓ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે. આ દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દેશવાસીઓને અનેકવિધ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવા માટે સક્રિય ભૂમિકા ભજવવામાં આવી છે. ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે કોઈ પણ નાગરિક માત્ર આર્થિક તંગી કારણે યોગ્ય સારવારથી વંચિત ન રહે, તે સરકારની મુખ્ય પ્રાથમિકતા રહી છે. આ વિચારસરણીને સાકાર કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશી નેતૃત્વ હેઠળ વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી કલ્યાણકારી યોજના ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ અમલી બનાવવામાં આવી છે.આ યોજના અંતર્ગત આપવામાં આવતું આયુષ્માન કાર્ડ આજે ગરીબ અને મધ્યવર્ગીય પરિવારો માટે આશાનું પ્રતીક બની ગયું છે. ગંભીર બીમારીના સમયે સારવારના ભારે ખર્ચથી બચાવીને આ કાર્ડ પરિવારને આર્થિક સુરક્ષા આપે છે. આયુષ્માન કાર્ડ માત્ર એક ઓળખપત્ર નથી, પરંતુ નિઃશુલ્ક અને ગુણવત્તાયુક્ત સારવારની ખાતરી આપતું સુરક્ષા કવચ છે, જે લાખો પરિવારોના જીવનમાં રાહત લાવી રહ્યું છે.સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે આવે છે. વર્ષ 2025 દરમિયાન આ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ કુલ 13,991 દર્દીઓની સારવાર માટે ક્લેઇમ કરવામાં આવ્યા હતા. આ સારવારનો કુલ ખર્ચ રૂ. 17 કરોડ 30 લાખથી વધુ થયો હોવાનું હોસ્પિટલના આર.એમ.ઓ. દ્વારા જણાવવામાં આવ્યું છે. આ આંકડો એ દર્શાવે છે કે આયુષ્માન યોજના કેટલી વ્યાપક અને અસરકારક રીતે અમલમાં છે.ઉલ્લેખનીય છે કે આ દર્દીઓમાંથી મોટા ભાગે ડાયાલિસીસના દર્દીઓનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન માત્ર ડાયાલિસીસ માટે જ 11,728 દર્દીઓની સારવાર કરવામાં આવી હતી, જેના માટે રૂ.2.59 કરોડથી વધુનો ખર્ચ થયો છે. ડાયાલિસીસ જેવી ખર્ચાળ અને લાંબા સમય સુધી ચાલતી સારવાર નિઃશુલ્ક મળવાથી અનેક પરિવારોને મોટી આર્થિક રાહત મળી છે અને તેમના જીવનમાં આશાનો સંચાર થયો છે.માત્ર રાજકોટ સિવિલ હોસ્પિટલ પૂરતી જ નહીં, પરંતુ સમગ્ર રાજકોટ જિલ્લામાં આયુષ્માન કાર્ડનો લાભ વ્યાપક રીતે જોવા મળે છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજકોટ જિલ્લા હોસ્પિટલ તેમજ વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં કુલ 2,44,092થી વધુ દર્દીઓએ આયુષ્માન કાર્ડનો લાભ લીધો છે. આ તમામ દર્દીઓને રૂ. 40 કરોડથી વધુના ખર્ચે નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી છે. આ આંકડાઓ સરકારની આરોગ્યલક્ષી પ્રતિબદ્ધતા અને સુશાસનના દ્રઢ સંકલ્પને સ્પષ્ટ રીતે દર્શાવે છે.રાજકોટની પદ્મકુંવરબા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ આયુષ્માન કાર્ડ દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો છે. ખાસ કરીને પ્રસુતિ અને ડાયાલિસીસ સેવાઓમાં આ યોજના અત્યંત ઉપયોગી સાબિત થઈ છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન અહીં કુલ ૬,૮૫૫ ક્લેઇમ કરવામાં આવ્યા હતા, જેમાં દર્દીઓને રૂ. 1 કરોડ 88 લાખ જેટલી મૂલ્યની સારવાર આપવામાં આવી હતી. જ્યારે વર્ષ 2025-26 દરમિયાન 4,653 ક્લેઇમ દ્વારા રૂ. 1 કરોડ 28 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર દર્દીઓને પૂરી પાડવામાં આવી છે.રાજકોટ સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ અને જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં આયુષ્માન કાર્ડના કારણે જરૂરિયાતમંદ દર્દીઓની સારવારથી અનેક પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. સારવારના ખર્ચની ચિંતા દૂર થતાં લોકો સરકાર પ્રત્યે વિશ્વાસ અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરે છે. સમગ્ર ગુજરાતમાં આજદિન સુધીમાં 57 લાખથી વધુ દર્દીઓએ આયુષ્માન કાર્ડ હેઠળ નિઃશુલ્ક સારવારનો લાભ મેળવી લીધો છે.સુશાસન દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી નથી, પરંતુ સરકારની નીતિઓ અને યોજનાઓ દ્વારા લોકોના જીવનમાં થતા વાસ્તવિક પરિવર્તનનું પ્રતિબિંબ છે. આયુષ્માન ભારત યોજના અટલજીના સુશાસનના વિચારો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનું જીવંત ઉદાહરણ બનીને દેશને આરોગ્ય સુરક્ષાની દિશામાં સતત આગળ ધપાવી રહી છે. Previous Post Next Post