પાણીપુરીની લક્ઝરી દુકાનોમાં દરોડા, રાજકોટ મનપાના ફૂડ વિભાગે વિવિધ પાણીના 50 નમૂના લીધા, 2 મહિના બાદ આવશે રિપોર્ટ!

પાણીપુરીની લક્ઝરી દુકાનોમાં દરોડા, રાજકોટ મનપાના ફૂડ વિભાગે વિવિધ પાણીના 50 નમૂના લીધા, 2 મહિના બાદ આવશે રિપોર્ટ!

ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસ અને સંભવિત રોગચાળાના ભય વચ્ચે રાજકોટ મહાપાલિકાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરના નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખીને મનપા દ્વારા પાણીપુરીની લક્ઝરી દુકાનો અને લારીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન તીખું, મીઠું, જીરા, લસણ, હાજમા સહિત વિવિધ ફ્લેવરના પાણીના કુલ 50 જેટલા નમૂના લઈ તેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જોકે, આ નમૂનાઓનો રિપોર્ટ અંદાજે બે મહિના બાદ મળશે, જેના કારણે ત્યાં સુધી સંબંધિત વેપારીઓ સામે કોઈ કડક કાર્યવાહી શક્ય નહીં બને.

ફૂડ વિભાગની ટીમે શહેરના મુખ્ય અને ભીડભાડવાળા વિસ્તારોમાં તપાસ ચલાવી હતી. 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી રોડ, પુષ્કરધામ, કોટેચા ચોક, રેસકોર્સ, સર્વેશ્વર ચોક અને યાજ્ઞિક રોડ જેવા વિસ્તારોમાં આવેલી લગભગ 12 મોટી દુકાનો તેમજ અનેક લારીઓની ચકાસણી કરવામાં આવી હતી. લોકોમાં ખૂબ લોકપ્રિય એવા પાણીપુરીના વિવિધ પ્રકારો—જેમ કે જલજીરા, ફુદીના, ખજૂરનું પાણી અને રેગ્યુલર પાણી—ના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
 
આ કાર્યવાહી દરમિયાન શહેરની જાણીતી પેઢીઓ પણ તપાસના દાયરામાં આવી હતી. પંચનાથ મંદિર સામે રાજેન્દ્ર જેશવા, યાજ્ઞિક રોડ પર મમતા પાણીપુરી અને શ્રી ચાઈનીઝ-પંજાબી, સર્વેશ્વર ચોક ખાતે સંતોષ ભેળ, ક્રિષ્ના મારવાડી અને બોમ્બે સ્ટાઈલ ભેળ સહિત અનેક દુકાનોમાંથી નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાલભવન ગેટ નજીક, કોટેચા ચોક, પુષ્કરધામ રોડ અને એ.જી. ચોક હોકર્સ ઝોનમાં આવેલી અનેક પાણીપુરીની દુકાનો અને લારીઓની પણ તપાસ કરવામાં આવી હતી.

પાણીપુરી સિવાય ફૂડ વિભાગે રામનાથપરા વિસ્તારમાં આવેલી એક નોનવેજ પેઢીમાં પણ તપાસ કરી હતી. જુમ્મા મસ્જિદ મેઇન રોડ પર આવેલી પેઢીમાં વેચાણ માટે રાખવામાં આવેલ અંદાજે 5 કિલો વાસી અને અખાદ્ય પ્રિપેર્ડ ફૂડ મળતાં આરોગ્યને જોખમરૂપ હોવાથી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે પેઢીના માલિકને યોગ્ય સ્ટોરેજ રાખવા અને લાયસન્સ બાબતે નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

નાણાવટી ચોકથી રામેશ્વર મેઇન રોડ સુધીના વિસ્તારમાં કરાયેલી તપાસમાં 18 જેટલા વેપારીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 8 વેપારીઓને સ્વચ્છતા અને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ આપવામાં આવી હતી. ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓના રિપોર્ટ આવવામાં 2થી 3 મહિના જેટલો સમય લાગતો હોવાથી, ત્યાં સુધી ભેળસેળ કરનારાઓ સામે તાત્કાલિક પગલાં લઈ શકાતાં નથી. તેથી રિપોર્ટ પ્રક્રિયા ઝડપી બને તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી હોવાનું પણ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે.

You may also like

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ