રીજીયોનલ વાઈબ્રન્ટ સમિટ માટે ગાંધીનગરથી સચિવો-અધિકારીઓ રાજકોટ પહોંચ્યા, વડાપ્રધાન મોદી કાલે સોમનાથ જવાના Jan 09, 2026 સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે યોજાનારા સ્વાભિમાન પર્વ તેમજ રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ સમિટ સૌરાષ્ટ્ર-કચ્છ 2026માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાતને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બપોરે અંદાજે 3:30 વાગ્યાની આસપાસ વિશેષ ફ્લાઇટ દ્વારા રાજકોટના આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ હિરાસર એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ પર તેઓ લગભગ 10 મિનિટનું ટૂંકું રોકાણ કરશે અને ત્યારબાદ હેલીકોપ્ટર મારફતે યાત્રાધામ સોમનાથ જવા રવાના થશે.હિરાસર એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમના સ્વાગત માટે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ, રાજકોટના કલેકટર ડો. ઓમપ્રકાશ સહિત ટોચના સનદી અધિકારીઓ હાજર રહેશે. વડાપ્રધાનના આગમન સમયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મનીષાબેન વકિલ સહિત આશરે આઠ કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.રવિવારથી મારવાડી યુનિવર્સિટી ખાતે શરૂ થનારી રીજીયોનલ વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ સમિટ માટે જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશ દ્વારા 350 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. સમગ્ર આયોજન માટે 22 જેટલી વિવિધ કમિટીઓની રચના કરી, તેના વડા અને સભ્યોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.વાઈબ્રન્ટ સમિટના સ્થળ પર એસપીજી કમાન્ડોએ સુરક્ષાની જવાબદારી સંભાળી લીધી છે અને વડાપ્રધાન માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમિટ માટે 26,400 ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન યોજાશે, જેમાંથી 4,400 ચોરસ મીટરમાં વિશેષ પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છ આધુનિક ડોમ પણ બનાવવામાં આવ્યા છે.આ રીજીયોનલ વાઈબ્રન્ટ સમિટમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સ્ટોલ સાથે જામનગર વનતારાની ઝાંખી પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સમિટમાં 40 દેશોના રાજદૂતો અને ઉદ્યોગપતિઓ હાજરી આપશે, જ્યારે ભારત સહિત કુલ 23 દેશોમાંથી રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયેલ છે.વાઈબ્રન્ટ સમિટની સફળ આયોજન માટે રાજ્ય સરકારના સચિવો સહિત લગભગ 100 જેટલા ઉચ્ચ સનદી અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ અધિકારીઓનું આજથી રાજકોટમાં આગમન શરૂ થઈ ગયું છે અને શહેર સંપૂર્ણ રીતે વાઈબ્રન્ટ સમિટ માટે સજ્જ બન્યું છે. Previous Post Next Post