ગુજરાતમાં વરસાદી તાંડવ: પૂરથી 56નાં મોત, અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ યથાવત

ગુજરાતમાં વરસાદી તાંડવ: પૂરથી 56નાં મોત, અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ યથાવત

ગુજરાતના 255 માંથી 253 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો હતો. જેમાં પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 12.25 ઈંચ જ્યારે પાટણના રાધનપુરમાં 9.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે એક જ દિવસમાં 30736 સ્થળાંતર જ્યારે 3 હજારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા હજુ આવતીકાલે 7 જિલ્લામાં રેડ જ્યારે 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારે વરસાદના કારણે લોકલ નદીઓ બે કાંઠે થતાં નીચાણવાળા સોસાયટીઓ અને ગામડાંઓમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, જેના લીધે મોટી જાનહાનિ નોંધાઈ છે. મળતી તાજી સત્તાવાર વિગતો મુજબ, રાજ્યમાં વરસાદી આફત અને પૂરના લીધે અત્યાર સુધીમાં કુલ 56 લોકોના મોત નીપજ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે માત્ર છેલ્લા ચાર દિવસના ગાળામાં એટલે કે 21 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન જ રાજ્યભરમાં 31 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

છેલ્લા ચાર દિવસમાં નોંધાયેલા 31 મોતમાંથી મોટાભાગની જાનહાનિ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી અને આસપાસના વિસ્તારોમાં થઈ છે. અહીં પૂર્ણા, કાવેરી, અંબિકા અને ઓરંગા નદીઓમાં આવેલા ઘોડાપૂરમાં અનેક લોકો તણાઈ ગયા હતા, તો કેટલાંક સ્થળોએ વીજળી પડવાથી તથા કાચાં મકાનો-દિવાલો ધરાશાયી થવાથી લોકો કાળનો કોળિયો બન્યા હતા.

આ અગાઉ જ્યારે સુરત શહેર અને જિલ્લામાં મુસળધાર વરસાદ સાથે પૂરની ગંભીર કટોકટી સર્જાઈ હતી, ત્યારે જળબંબાકારના કારણે 25 લોકોના અકાળે મોત નીપજ્યા હતા. આમ, અગાઉના 25 અને આ ચાર દિવસમાં નોંધાયેલા 31 મળીને રાજ્યનો કુલ વરસાદી મૃત્યુઆંક 56 પર પહોંચ્યો છે. પૂર પીડિતો માટે કેશડોલ્સ અને મૃતકોના પરિવારજનોને સરકારી નિયમોનુસાર તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવાની તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.


કયા તાલુકામાં વધારે વરસાદ?

  1. સાંતલપુર (પાટણ) - 12.25 ઈંચ
  2. રાધનપુર (પાટણ) - 9.50 ઈંચ
  3. ભાભર (વાવ થરાદ) - 7.15 ઈંચ
  4. દાંતીવાડા (બનાસકાંઠા) - 7.00 ઈંચ
  5. દિયોદર (વાવ-થરાદ) - 6.75 ઈંચ
  6. મહેમદાવાદ (ખેડા) - 6.70 ઈંચ
  7. થાનગઢ (સુરેન્દ્રનગર) - 6.50 ઈંચ
  8. વાંકાનેર (મોરબી) - 6.50 ઈંચ
  9. નડિયાદ (ખેડા) - 5.50 ઈંચ
  10. ધનસુરા (અરવલ્લી) - 4.50 ઈંચ
  11. ખેરાલુ (મહેસાણા) - 4.50 ઈંચ
  12. હડાદ (બનાસકાંઠા) - 4.50 ઈંચ
  13. આગથળા (બનાસકાંઠા) - 4.50 ઈંચ
  14. દહેગામ (ગાંધીનગર) - 4.25 ઈંચ
  15. વિરપુર (મહીસાગર) - 4.00 ઈંચ


પાણીમાં ફસાયેલા હજારો લોકોનું રેસ્ક્યુ

છેલ્લા 24 કલાકમાં વલસાડમાંથી સૌથી વધુ 14083, નવસારીમાંથી 12367, સુરતમાંથી 2810, અમદાવાદમાંથી 417 લોકો પાણીમાં ફસાયેલા હોવાથી અન્યત્ર સ્થળાંતર કરવું પડ્યું હતું. એક દિવસમાં વલસાડમાંથી 2665 વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું હતું. 1 જૂન 2026 થી 23 જુલાઈ 2026 દરમિયાન રાજ્યના 40665 વ્યક્તિનું સ્થળાંતર કરાયું છે જ્યારે 6766નું રેસ્ક્યુ કરાયું છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું વધારે પ્રભુત્વ રહ્યું હતું. પાટણના સાંતલપુરમાં 12.25 ઈંચ, પાટણના રાધનપુરમાં 9.50, વાવ-થરાદમાં 7.15 ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો.


જનજીવન ખોરંભે, 1200થી વધુ રોડ બંધ

ભારે વરસાદને પગલે હાલ રાજ્યના 1204 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે, જેમાં વલસાડ જિલ્લાના સૌથી વધુ 461 રોડનો સમાવેશ થાય છે. હાલ જે રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે તેમાં 30 સ્ટેટ હાઈવે, 1119 પંચાયત માર્ગ, ચાર નેશનલ હાઈવે, 3 NHAI જ્યારે 48 અન્ય માર્ગનો સમાવેશ થાય છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો નવસારીમાં 248, સુરતમાં 244, તાપીમાં 190, ડાંગમાં 19, સુરેન્દ્રનગરમાં 11, અમદાવાદના 8 હાઈવેનો સમાવેશ થાય છે.


વીજળી-પાણી સંકટ

વરસાદથી 4095 ગામડામાં અંધારપટ છવાયો હતો. આ પૈકી 3762 ગામડામાં વીજપુરવઠો પૂર્વવત થયો છે અને 333માં હજુ અંધારપટ છે. 8207 ફીડર્સ, 7882 પોલ્સ અને 409 ટ્રાન્સફોર્મેશન સેન્ટરને ભારે વરસાદથી નુકસાન થયેલું છે.


ડેમ અને જળસ્તર

ગુજરાતના મોટાભાગના સ્થળે વરસાદને પગલે જળસ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. હાલ 10 જળાશયો છલોછલ છે જ્યારે 15 જળાશયો હાઈએલર્ટ હેઠળ છે. ગુજરાતના 207 જળાશયોમાં હાલ સરેરાશ 52.72 ટકા જળસ્તર છે. જેમાં દક્ષિણ ગુજરાતમાંથી પાંચ જ્યારે સૌરાષ્ટ્રમાંથી પાંચ એમ 10 જળાશયો સંપૂર્ણ 100 ટકા ભરાયા છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 39.89 ટકા, કચ્છના 20 જળાશયોમાં 23.89 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 44.80 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.72 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 38.63 ટકા જળસ્તર છે. રાજ્યના 24 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 22 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા, 50 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર છે જ્યારે 100 જળાશયમાં જળસ્તર 25 ટકાથી ઓછું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ 68.33 ટકા જળસ્તર છે.


ક્યાં કેવું એલર્ટ

રેડ એલર્ટ: મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર.

ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન