રાજકોટ-દિલ્લીમાં શરૂ થઈ ભારત ટેક્સી સેવા, ઓલા-ઉબેરને પડકાર; કમિશન વિના ડ્રાઇવરને સીધો લાભ

રાજકોટ-દિલ્લીમાં શરૂ થઈ ભારત ટેક્સી સેવા, ઓલા-ઉબેરને પડકાર; કમિશન વિના ડ્રાઇવરને સીધો લાભ

દેશમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી ખાનગી કેબ કંપનીઓના દબદબા વચ્ચે હવે એક નવી સેવા ચર્ચાનો વિષય બની રહી છે – “ભારત ટેક્સી”. સહકારી ધોરણે શરૂ કરાયેલ આ સેવા દેશના પરિવહન ક્ષેત્રમાં એક મોટો ફેરફાર લાવશે તેવી શકયતા છે. દિલ્હી તથા ગુજરાતમાં સોફ્ટ લોન્ચ થતા જ ભારત ટેક્સી ડ્રાઇવરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે આ સેવા ડ્રાઇવરોને કોઈપણ પ્રકારનું કમિશન ન લેતા સીધો આર્થિક લાભ આપશે.

ભારત ટેક્સી સેવા 26 નવેમ્બરથી સત્તાવાર રીતે દિલ્હીમાં તેમજ રાજકોટ સહિત ગુજરાતના વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે. આ તારીખે રાજકોટમાં યોજાયેલા સોફ્ટ લોન્ચિંગ કાર્યક્રમમાં સહકાર ટેક્સીના ગૌતમ ગાંગુલી, એક્ઝિક્યુટિવ સંદીપ પટેલ, તથા બોર્ડ ઓફ ડિરેક્ટર કિશનભાઈની આગેવાનીમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે રાજ્યભરના સૈંકડો ડ્રાઇવરો હાજર રહ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી બાદ કિશનપારા ચોક ખાતે પરંપરાગત પૂજા કરીને કાર્યક્રમની શરૂઆત થઈ હતી.

ભારત ટેક્સીની સૌથી મોટી વિશેષતા એ છે કે દેશમાં સૌ પ્રથમવાર આવી કેબ સેવા શરૂ થઈ છે જેમાં ડ્રાઇવરોને કોઈ કમિશન ચૂકવવાનો રહેશે નહીં. અત્યાર સુધી ઓલા અને ઉબેર જેવી કંપનીઓ દરેક ટ્રીપમાંથી 20 થી 30 ટકા સુધીનું કમિશન કાપતી હતી, જેના કારણે ડ્રાઇવરોની આવકમાં મોટો ઘટાડો થતો હતો. ભારત ટેક્સી ડ્રાઇવરોને “સારથી” તરીકે ઓળખાવશે અને તેમને રોજગાર સાથે આત્મસન્માનની નવી ઓળખ આપશે. અહીં માત્ર દૈનિક, સાપ્તાહિક અથવા માસિક સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવી પડશે અને બાકી કમાણી પૂર્ણતઃ સારથીના ખાતામાં જશે.

આ સેવાએ લોન્ચિંગ પહેલાં જ લોકપ્રિયતા મેળવી લીધી છે. માત્ર રાજકોટ શહેરમાંથી જ 1000 જેટલા ડ્રાઇવરોએ રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવ્યું છે. દિલ્હી અને ગુજરાતના સંયુક્ત આંકડા મુજબ કાર, ઓટો અને બાઇક જેવા તમામ વાહનોની શ્રેણીમાં 51,000 થી વધુ ડ્રાઇવરો આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ચૂક્યા છે. આ સંખ્યા દર્શાવે છે કે ભારત ટેક્સી ભવિષ્યમાં દેશનું સૌથી મોટું ડ્રાઇવર-માલિકી નેટવર્ક બની શકે છે.

આ સેવા હેઠળ ડ્રાઇવરોને પોતાની ગાડી હોવી જરૂરી છે. સાથે લાઈસન્સ, આધાર કાર્ડ તથા વાહનની RC બુક જેવા દસ્તાવેજોની જરૂર પડશે. ભારત ટેક્સી હેઠળ ભાડા દરો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા ધોરણો મુજબ રહેશે, જેથી મુસાફરોને પણ સસ્તું અને પારદર્શક ભાડું મળી શકે. 15 ડિસેમ્બર પછી એપ દ્વારા પેસેન્જર સેવા સત્તાવાર રીતે શરૂ થવાની શક્યતા છે.

રાજકોટમાં હાલમાં ઓલા, રેપિડો અને અન્ય કેબ એપ્સ કાર્યરત છે, પરંતુ ડ્રાઇવરોની ફરિયાદો લાંબા સમયથી વધતી રહી છે. વધારે કમિશન, પ્રોત્સાહક યોજનાઓમાં ઘટાડો, અનિયમિત પીક અવર્સ ચાર્જ અને કંપનીની એકતરફી નીતિઓને કારણે ડ્રાઇવરો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. ભારત ટેક્સીની એન્ટ્રી પછી હવે બજારમાં સ્પર્ધા વધશે એવું નિશ્ચિત છે, કારણ કે આ સેવા સંપૂર્ણપણે સહકારી મોડલ પર ચાલે છે જ્યાં સારા ભાડા સાથે ડ્રાઇવરોને સમગ્ર કમાણીનો અધિકાર મળે છે.

મુસાફરો માટે પણ આ સેવા નિરાંતભરી હશે. કારણ કે સારથીની ઓળખ, તેમના દસ્તાવેજો અને વાહન ચકાસણી સઘન પ્રક્રિયા હેઠળ કરવામાં આવશે. સાથે સેવા ત્રિ-સ્તરીય હશે – બાઇક ટેક્સી, ઓટો અને કાર. આથી દરેક વર્ગના મુસાફરોને પોતાના બજેટ મુજબ વિકલ્પ મળશે.

ભારત ટેક્સીનું ધ્યેય માત્ર પરિવહન સેવા પૂરું પાડવાનું નથી, પરંતુ લાખો ડ્રાઇવરોને આર્થિક રીતે મજબૂત બનાવવું, તેમને ન્યાયસંગત કમાણી અને ગૌરવપૂર્ણ ઓળખ આપવી પણ છે. સરકારના સહકારથી શરૂ થયેલી આ પહેલ ભવિષ્યમાં દેશવ્યાપી સ્તરે વિસ્તરણ પામશે તેવી આશા છે. હાલ તો દિલ્હીમાં અને ગુજરાતમાં આ સેવા ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી રહી છે.

આ નવી પહેલ પરિવહન ક્ષેત્રમાં પારદર્શિતા, રોજગારી અને સ્વાવલંબનનો નવી દિશાનો આરંભ છે. હવે જોવાનું એ છે કે ભારત ટેક્સી આગામી સમયમાં ખાનગી કેબ કંપનીઓના દબદબાને કેટલા પ્રમાણમાં ટક્કર આપે છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ