રાજકોટના બિલ્ડરો મુંઝવણભરી પરિસ્થિતિમાં Jan 20, 2026 રાજકોટ શહેરનો બાંધકામ ઉદ્યોગ TRP ઝોનની દુર્ઘટના પછી એવી પરિસ્થિતિમાં મુકાયો છે કે તે છેલ્લા ઘણા દાયકાઓમાં ક્યારેય ન હતું. TRP ઝોનની દુર્ઘટના પછી કમ્પલેશન સર્ટીફિકેટ મળવાના બંધ થયા હતા. તે લગભગ 1.5 વર્ષ પછી ચાલુ થયા. બિલ્ડર્સ લોકોના જનરલ મત મુજબ કમ્પલેશન સર્ટીફિકેટ મેળવવા માટે જે ચાર્જીસ લેવાનો નિર્ણય થયો છે અને જે ઠરાવ આવ્યો છે તે ચાર્જીસ અસહ્ય છે.હાલમાં અગ્રણીઓ તરફથી જણાવવામાં આવે છે કે "સરકારશ્રીમાં આ કમ્પલેશન વખતે ચાર્જીસ વસુલવાનો ઠરાવ આવ્યો છે તેમાં સુધારો કરીને ચાર્જીસ હળવા કરવા."હવે બિલ્ડરો મુંઝવણમાં એવા મુકાયા છે કે "કમ્પલેશન મેળવવાની પ્રક્રિયાનું શું કરવું?" અલગ અલગ પરિસ્થિતિની વાત કરીએ તો તાજેતરમાં થોડા કમ્પલેશન મંજૂર થયા અને તેના ચાર્જીસના લેટર નીકળ્યા. તે લેટરથી બિલ્ડર્સ લોકોને ખુબ જ આંચકો લાગ્યો છે. તે દરમ્યાન અગ્રણી વ્યક્તિઓથી આશ્વાસન મળ્યું છે કે રજૂઆતો કરવામાં આવી છે, શક્યતા મુજબ ઘટાડો થઈ શકે છે, તેથી મોટાભાગના બિલ્ડર્સ કમ્પલેશનના ચાર્જીસ ભરીને છોડાવતા નથી.અને ઘણા બિલ્ડરોએ હાલમાં કમ્પલેશન મેળવવાની પ્રક્રિયા સ્થગિત કરી દીધી છે. કંઈક નિર્ણય આવે તે પછી આગળ વધીશું તેવી માનસિક સ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે.પ્રોજેકશન ગણવાની પદ્ધતિઓમાં પણ મતમતાંતરો છે. તેમાં એકસૂત્રતા ન હોવાથી દરેક બિલ્ડરને લાગે છે કે અમારા કન્સલ્ટન્ટે પૂરું ધ્યાન આપીને ચાર્જીસ ભરવાના કેલ્ક્યુલેશન, જે વ્યવસ્થિત ફાયદો થાય તે મુજબ કરવામાં નિષ્ફળ ગયા છે. આથી બિલ્ડર્સ અને કન્સલ્ટન્ટ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાઈ ચુક્યું છે.બિલ્ડીંગ મંજૂરીની પ્રક્રિયામાં વેલિડેશન રિપોર્ટ, સર્વે રિપોર્ટ, ફાયર અને બીજા NOC અને સબમિશન ડ્રોઈંગ તથા ફોર્મ / એફિડેવિટ વગેરેમાં સંપૂર્ણ ચેન્જ આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓ નવા આવ્યા છે. તે રાજકોટની ભૂગોળ અને પ્રથાઓથી ધીમે ધીમે પરિચિત થઈ રહ્યા છે. તેથી પ્લાન પાસીંગ પ્રક્રિયા વિલંબ પૂર્વક થઈ રહી હોવાથી અનેક બિલ્ડર્સ અને કન્સલ્ટન્ટ વચ્ચે તણાવ અને વિખવાદ સર્જાઈ રહ્યા છે.કમ્પલેશન વખતે પ્રોજેકશનના ચાર્જીસ ભરવાનો ઠરાવ આવ્યા પછી સૌથી વધુ ગુંચવણભરી સ્થિતિ એ થઈ છે કે કમ્પલેશનમાં મુકાતા પ્રકરણો "રિવાઈઝડ પ્લાન + કમ્પલેશન સર્ટીફિકેટ" તરીકે મંજૂર કરવા કે "કમ્પલેશન ડ્રોઈંગ" આધારિત કમ્પલેશન સર્ટીફિકેટ મંજૂર કરવા.ઓથોરિટીમાં આ બાબતે ફાઈનલ નિર્ણય લેવાયો નથી. હવે જો "રિવાઈઝડ પ્લાન + કમ્પલેશન સર્ટીફિકેટ" મુજબ નવા કમ્પલેશનના પ્રકરણો મંજૂર થાય તો રિવાઈઝડ પ્લાનના નંબર આવે તો બિલ્ડર્સ ફરીથી રેરા નંબર લેવો પડે, તથા તે નંબર મુજબ થોડા ઘણા દસ્તાવેજો GST ભરીને ફરી આપ્યા હોય તો બધા ફરીથી કરવા પડે. આ સમસ્યા પણ ખુબ જ મોટી છે. ઓથોરિટી દ્વારા આ બાબતે ખુબ જ ઝડપથી નિર્ણય લેવો જરૂરી બને છે.એક ચર્ચા મુજબ ઓથોરિટી દ્વારા રેરાને એવો લેટર દરેક પ્રકરણમાં લખવામાં આવે કે આ રિવાઈઝડ પ્લાનમાં ફક્ત પ્રોજેકશન સિવાય કોઈ ફેરફાર નથી, અને આ ઓથોરિટી દ્વારા આગ્રહ મુજબ પ્લાન રિવાઈઝડ કરવામાં આવ્યો છે - શબ્દોની રચના કોઈપણ હોઈ શકે છે. પરંતુ આ લેટરથી બિલ્ડરને રેરા નંબર ફરીથી નહીં લેવો પડે તેવી માન્યતા છે.બીજા ઓપ્શનમાં ડબલ ચકાસણી ફી ભરીને "કમ્પલેશન ડ્રોઈંગ" ના આધારે કમ્પલેશન મંજૂર કરવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે. જાણકારો મુજબ સરકારશ્રી દ્વારા આવેલ ઠરાવમાં આ પ્રકારની સમસ્યાનો હલ થઈ શકે તેવો સુઝાવ છે જ. આથી વહેલી તકે રાજકોટની જનતાના હિતમાં આ નિર્ણય લેવાય તે અત્યંત જરૂરી છે.તાજેતરમાં જાણકાર સૂત્રો દ્વારા તમામ લોકોને એવી માહિતી મળે છે કે સરકારશ્રી દ્વારા ટૂંકા ગાળામાં જંત્રીના પૈસાની પદ્ધતિમાં સુધારો જાહેર કરવામાં આવશે. સામાન્ય સમજણ મુજબ વધારાની ગણતરીએ ન વધારાયેલ જંત્રીના હિસાબે આ વખતે ખુબ જ વધારો જમીનના ભાવમાં આવવાની શક્યતા છે. તે જ જમીનની જંત્રીનો ચાર્જ રાજકોટ શહેરના કમ્પલેશન મેળવવાના પ્રકરણોમાં પ્રોજેકશનના ચો.મીટરના 100% લેખે લગાવવામાં આવેલ હોવાથી તે ચાર્જીસ ભરવામાં કમરતોડ વધારો થવાની શક્યતા ઉભી થઈ છે.હવે સૌથી મોટું ટેન્શન બિલ્ડર્સને એ આવ્યું છે કે જો નવી જંત્રી દર લાગુ થાય અને તે વધારો હોવાની પૂરી શક્યતા છે, તો કમ્પલેશન સર્ટીફિકેટ મેળવવામાં...ઓથોરિટી દ્વારા જુની કે નવી કઈ જંત્રીનો દર લાગુ પાડવામાં આવશે? પ્લાન વખતે મંજૂર અપાયેલ જંત્રી દર કે નવો જંત્રી દર?ઓથોરિટી દ્વારા અલગ અલગ અભિપ્રાયો એ છે કે "જુના પ્લાન અને કમ્પલેશન મુકાયેલા હોય તેમાં જુના જંત્રી દર લગાડવા" અને બીજો અભિપ્રાય એ છે કે "નવો જંત્રી દર સરકારશ્રી તરફથી લાગુ કરવામાં આવે તો નવા જંત્રી દર લગાડવા". આ બાબતે બિલ્ડરોમાં ઘણી ચિંતા જોવા મળે છે.ચાર્જીસ ઘટવાની રજૂઆતોની રાહ જોવામાં જો નવા જંત્રી દર લાગુ પડી જાય તો કમ્પલેશન વખતે ભરવાના ચાર્જીસનો આંકડો કલ્પના બહારનો થઈ શકે. જેથી નફામાં નુકસાનની વાત તો થોડો... બિલ્ડર્સ ઘરની રકમ નાખવી પડે.આવી પરિસ્થિતિ છેલ્લા કેટલાય દાયકાઓમાં ક્યારેય જોવા મળી નથી. બિલ્ડરો આશાનું તાંતણું બાંધીને બેઠા છે કે કંઈક સારું થશે અને ગાડી પાટે ચડશે. પણ આવું કંઈ ન થતા બિલ્ડરો ઘેરી નિરાશામાં ડૂબી ગયા છે અને અસહાય પરિસ્થિતિ અનુભવે છે. આમાંથી તાત્કાલિક કંઈક રસ્તો બધા જ અગ્રણીઓએ કાઢવો જરૂરી છે. Next Post