રાજકોટ નશીબવંતુઃ માંજરેકર, મોંગિયા, ચામિંદાવાસ જેવા ક્રિકેટરોનું ડેબ્યૂ-પ્લેસ Jan 10, 2026 રાજકોટ ક્રિકેટપ્રેમીઓ માટે હંમેશા ખાસ રહ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 14 જાન્યુઆરીએ રમાનારી વન-ડે મેચને લઈને શહેરમાં ક્રિકેટફિવર છવાઈ ગયો છે. ભલે આ મેચમાં કોઈ નવા ખેલાડીનું આંતરરાષ્ટ્રીય પદાર્પણ ન થવાનું હોય, પરંતુ રાજકોટની ધરતીનો ઇતિહાસ જોઈએ તો અહીંથી અનેક નામી ક્રિકેટરોની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આરંભ થયો છે.રાજકોટના જૂના માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ હાલના નિરંજન શાહ (ખંઢેરી) ક્રિકેટ ગ્રાઉન્ડને ક્રિકેટનું લકી વેન્યૂ માનવામાં આવે છે. અહીં ભારત, શ્રીલંકા, વેસ્ટઇન્ડિઝ, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમોના અનેક ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી બાદમાં વિશ્વ ક્રિકેટમાં પોતાનું મોટું નામ બનાવ્યું છે.આંકડાઓ મુજબ રાજકોટ ખાતે સૌથી વધુ શ્રીલંકાના ત્રણ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે, જ્યારે ભારતના ચાર, વેસ્ટઇન્ડિઝના બે અને ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા તથા ઓસ્ટ્રેલિયાના એક-એક ખેલાડીએ અહીંથી પોતાના કરિયરની શરૂઆત કરી છે.વર્ષ 1988માં રવિ શાસ્ત્રીની કપ્તાની હેઠળ માધવરાય સિંધિયા ગ્રાઉન્ડમાં રમાયેલી ભારત-વેસ્ટઇન્ડિઝ વન-ડે મેચમાં કેરેબિયન ટીમના ડેવિડ વિલિયમ્સ અને ભારત તરફથી સંજય માંજરેકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. માંજરેકરે પોતાની પ્રથમ મેચમાં 19 બોલમાં 19 રન બનાવી હતી.1994માં મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાની હેઠળ શ્રીલંકા સામેની વન-ડે મેચમાં ભારતના વિકેટકીપર નયન મોંગિયા અને શ્રીલંકાના દિગ્ગજ બોલર ચામિંદા વાસ તેમજ નિશલ ફર્નાન્ડોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.1999માં ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડે મેચ દરમિયાન કિવી ઓલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે રાજકોટથી ક્રિકેટ કારકિર્દી શરૂ કરી હતી અને બાદમાં પોતાને એક સફળ ઓલરાઉન્ડર તરીકે સ્થાપિત કર્યો હતો. 15 ડિસેમ્બર 2009માં સિંધિયા ગ્રાઉન્ડમાં રમાયેલી ભારત-શ્રીલંકા મેચમાં શ્રીલંકાના ચનાકા વેલેગેડરાએ બે વિકેટ મેળવી પોતાની આંતરરાષ્ટ્રીય સફર શરૂ કરી હતી.ત્યારબાદ ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ અનેક ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે. વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય ટી-20માં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન નિક મેડિસને અહીંથી શરૂઆત કરી હતી. 4 નવેમ્બર 2017ના ભારત-શ્રીલંકા ટી-20માં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે રાજકોટથી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી.17 જાન્યુઆરી 2022ના ભારત-દક્ષિણ આફ્રિકા ટી-20માં મહેમાન ટીમના માર્કો જેન્સને પણ રાજકોટને ડેબ્યૂ પ્લેસ બનાવ્યું હતું. એટલું જ નહીં, ભારત-ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના હસિબ હમીદે અહીંથી ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.વર્ષ 2015માં ભારત-વેસ્ટઇન્ડિઝ ટેસ્ટ મેચમાં ભારત તરફથી પૃથ્વી શોએ રાજકોટમાં જ ટેસ્ટ ડેબ્યૂ કરી પોતાની પહેલી ઇનિંગમાં શાનદાર 134 રનની સદી ફટકારી હતી, જ્યારે વેસ્ટઇન્ડિઝ તરફથી સિરમોન લિવિસે પણ ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી.આ રીતે રાજકોટ માત્ર એક ક્રિકેટ શહેર નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અનેક સુપરસ્ટારો માટે શુભ આરંભનું સાક્ષી બનેલું નશીબવંતુ મેદાન છે. 14 જાન્યુઆરીની મેચ સાથે ફરી એકવાર રાજકોટ ક્રિકેટના રંગે રંગાવા જઈ રહ્યું છે. Previous Post Next Post