સુરત એરપોર્ટ પરથી 6 કરોડના હિરા અને 30 હજાર ડોલર સાથે બેની ધરપકડ, DRIની મોટી કાર્યવાહી

સુરત એરપોર્ટ પરથી 6 કરોડના હિરા અને 30 હજાર ડોલર સાથે બેની ધરપકડ, DRIની મોટી કાર્યવાહી

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશી ચલણ અને ડાયમંડની ગેરકાયદેસર હેરાફેરીના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)એ મોટી કાર્યવાહી કરતા અંદાજે રૂપિયા 6 કરોડના ડાયમંડ અને 30 હજાર અમેરિકન ડોલર સાથે બે યુવકોને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા બંને યુવકો સુરતના મોટાવરાછા અને કામરેજ વિસ્તારના રહેવાસી છે. બંને સુરતથી બેંગકોક જવાની તૈયારીમાં હતા ત્યારે DRIને મળેલી ચોક્કસ બાતમીના આધારે એરપોર્ટ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમના સામાનમાંથી મોટી માત્રામાં કિંમતી હિરા તેમજ અમેરિકન ડોલર મળી આવતા તરત જ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

DRI દ્વારા હાલ બંને યુવકોની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ ડાયમંડ અને ડોલર કોણે આપ્યા, ક્યાં પહોંચાડવાના હતા અને આ હેરાફેરી પાછળ કયું નેટવર્ક કાર્યરત છે તે બાબતો અંગે તપાસ તેજ કરવામાં આવી છે. અધિકારીઓને શંકા છે કે હવાલા મારફતે નાણા મોકલવાને બદલે હવે ડાયમંડ અને વિદેશી ચલણ મારફતે નાણાં વિદેશ મોકલવાના નવા રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયગાળામાં સુરત એરપોર્ટ પરથી આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. થોડા સમય પહેલા પણ DRIએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશી ચલણની હેરાફેરી સાથે જોડાયેલું એક મોટું રેકેટ ઝડપી પાડ્યું હતું. તે સમયે પાલ વિસ્તારના એક દંપતીને 1.34 લાખ અમેરિકન ડોલર સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ દંપતી સુરતથી દુબઈ જતી ફ્લાઈટમાં સવાર થવાનું હતું, પરંતુ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ રીતે રાખેલા ડોલર મળી આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરતમાંથી વિદેશ હિરા અને ચલણ લઈ જવાના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખી હવે સુરત એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. આવનારા સમયમાં DRI અને અન્ય એજન્સીઓ દ્વારા તપાસ વધુ કડક કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You may also like

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ