ચાંદીમાં 8,600 અને સોનામાં 1,300 રૂપિયાનું જોરદાર ઉછાળું, બજારમાં ફરી તેજીનું તોફાન Jan 10, 2026 સોના-ચાંદીના ભાવોમાં ફરી એક વખત તેજીનું તોફાન જોવા મળ્યું છે. આજે રાજકોટ બજારમાં સોનાં અને ચાંદી બંનેમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે, જેના કારણે વેપારીઓ અને રોકાણકારોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. વિશ્વબજારમાં રાત્રે ભાવોમાં ભારે વધઘટ થતાં તેની સીધી અસર સ્થાનિક બજાર પર જોવા મળી છે.આજે રાજકોટમાં હાજર સોનાનો ભાવ રૂપિયા 1,42,900 પર પહોંચ્યો હતો, જેમાં રૂપિયા 1,300નો ઉછાળો નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ રૂપિયા 2,57,200 રહ્યો, જેમાં રૂપિયા 8,600નો મોટો ઉછાળો જોવા મળ્યો. વિશ્વબજારમાં સોનાનો ભાવ 4,510 ડોલર અને ચાંદીનો ભાવ 39.92 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો.વેપારીઓના જણાવ્યા મુજબ અમેરિકામાં ટેરિફ સંબંધિત કાયદેસરતા અંગે હજુ સુધી અદાલતનો સ્પષ્ટ ચુકાદો ન આવતા માર્કેટમાં અનિશ્ચિતતા છે. આ અનિશ્ચિતતા વચ્ચે રાત્રે એકાએક સોના-ચાંદીના ભાવ તેજીના માર્ગે દોડવા લાગ્યા હતા. ઉપરાંત ટેરિફ વોર, વૈશ્વિક રાજકીય તણાવ, મેક્સિકો અને ઈરાન સામે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ધમકીઓ જેવી પરિસ્થિતિઓને કારણે પણ સેફ હેવન તરીકે સોના-ચાંદીમાં રોકાણ વધ્યું હોવાનું નિષ્ણાતો માને છે.કોમોડિટી માર્કેટના જાણકારોનું કહેવું છે કે હાલની વૈશ્વિક સ્થિતિ જોતા સોના અને ચાંદીમાં તેજી આગળ પણ જારી રહી શકે છે. કેટલાક નિષ્ણાતો આ તેજીને લાંબા ગાળાની ગણાવી રહ્યા છે, જ્યારે એક વર્ગ સટ્ટાકીય પ્રવૃત્તિઓના કારણે ભાવોમાં અચાનક ઉછાળો આવ્યો હોવાનું માને છે.આગામી દિવસોમાં વૈશ્વિક રાજકીય અને આર્થિક પરિસ્થિતિ તેમજ અમેરિકી નીતિઓ પર બજારની દિશા આધાર રાખશે. હાલ તો સોના-ચાંદીમાં આવેલા આ ભારે ઉછાળાને કારણે બજારમાં તેજીનો માહોલ છવાયેલો છે. Previous Post Next Post