બગદાણા હુમલા કેસમાં SITની મોટી કાર્યવાહી: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ, તપાસ વધુ તેજ

બગદાણા હુમલા કેસમાં SITની મોટી કાર્યવાહી: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ, તપાસ વધુ તેજ

ભાવનગર જિલ્લાના બગદાણામાં કોળી સમાજના અગ્રણી અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હિંસક હુમલા કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસ વધુ ગતિશીલ બની છે. આ કેસમાં જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની આજે (24 જાન્યુઆરી, 2026) ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી ઝીણવટભરી પૂછપરછ બાદ SIT દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેને કારણે સમગ્ર જિલ્લામાં રાજકીય અને સામાજિક હલચલ જોવા મળી રહી છે.

બગદાણા હુમલા કેસની તપાસ માટે રાજ્ય સરકારના આદેશથી IPS અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરવામાં આવી હતી. ટીમ શરૂઆતથી જ દરેક કડીને ગંભીરતાથી તપાસી રહી છે. અગાઉ પણ જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ આજે ફરીથી સમન્સ પાઠવી તેમને આઈજી કચેરીમાં હાજર થવા જણાવવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન મળેલા પુરાવા અને નિવેદનોને આધારે SITએ નિષ્કર્ષ પર પહોંચી જયરાજ આહીરની ધરપકડ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
 


જયરાજ આહીર આઈજી કચેરીએ હાજર થવા પૂર્વે મીડિયાને સંક્ષિપ્ત નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “મને ન્યાયતંત્ર અને કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ છે. તપાસમાં જ્યાં જ્યાં મારી જરૂર પડશે ત્યાં હું સહયોગ આપીશ. કાયદાકીય પ્રક્રિયા મુજબ જે પણ નિર્ણય આવશે તે મને સ્વીકાર્ય રહેશે.” જોકે, પૂછપરછ બાદ તેમની ધરપકડ થતા મામલો વધુ ગંભીર બન્યો છે.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પ્રવેશ-નિષેધ ઝોન બનાવવામાં આવ્યો હતો અને સતત નજર રાખવામાં આવી રહી હતી, કારણ કે આ કેસને લઈને કોળી સમાજમાં પહેલેથી જ ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં અત્યાર સુધીમાં કુલ 13થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા અને પંકજ મેર સહિતના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. SITની આગળની તપાસમાં કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ પણ થઈ ચૂકી છે. તાજેતરમાં વધુ બે આરોપીઓ – ઉત્તમ ભરતભાઈ બાંભણીયા (રતનપર નવાગામ) અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા (બગદાણા) –ને પણ પોલીસએ પકડી લીધા છે.

જો સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિ જોઈએ તો તેની શરૂઆત મુંબઈમાં આયોજિત માયાભાઈ આહીરના એક લોકડાયરાથી થઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહીરે યોગેશ સાગરને બગદાણા આશ્રમના “મેનેજિંગ ટ્રસ્ટી” તરીકે ઓળખાવ્યા હતા. આ નિવેદનને લઈને નવનીત બાલધિયાએ ફોન દ્વારા સ્પષ્ટતા કરી હતી કે આશ્રમમાં આવું કોઈ પદ અસ્તિત્વમાં નથી. બાદમાં માયાભાઈ આહીરે પોતાની ભૂલ સ્વીકારી જાહેરમાં માફી પણ માંગી હતી.

પરંતુ આ ઘટનાના થોડા જ દિવસો બાદ, 29 ડિસેમ્બર 2025ની રાત્રે નવનીત બાલધિયા પર આઠ જેટલા અજાણ્યા શખસોએ પાઈપ અને ધોકા વડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. નવનીત બાલધિયાએ આ હુમલા પાછળ ષડયંત્ર હોવાનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે માયાભાઈએ માફી માગી તે તેમના પુત્ર જયરાજને પસંદ ન પડતાં તેણે આ હુમલાની યોજના ઘડી હતી.

આ હુમલા બાદ ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ન્યાયની માંગ સાથે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન, રેલીઓ અને આત્મવિલોપનના પ્રયાસો સુધીની ઘટનાઓ સામે આવી હતી. મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે SITની રચના કરી તપાસ IPS અધિકારીને સોંપી હતી.

હાલ જયરાજ આહીરની ધરપકડ બાદ SIT વધુ પૂછપરછ અને કડીઓ જોડવાની પ્રક્રિયામાં લાગી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યની નજર હવે SITની આગળની કાર્યવાહી અને કોર્ટની પ્રક્રિયા પર કેન્દ્રિત થઈ છે.
 

You may also like

બગદાણા હુમલા કેસમાં SITની મોટી કાર્યવાહી: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ, તપાસ વધુ તેજ

બગદાણા હુમલા કેસમાં SITની મોટી કાર્યવાહી: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ, તપાસ વધુ તેજ

જય શ્રી રામના નારા સાથે અમિત શાહનું નિવેદન, યોગી સરકારથી ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક પરિવર્તન વિકાસ અને સુરક્ષા

જય શ્રી રામના નારા સાથે અમિત શાહનું નિવેદન, યોગી સરકારથી ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક પરિવર્તન વિકાસ અને સુરક્ષા

25 થી 31 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

25 થી 31 જાન્યુઆરીના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

અંડર-19 વર્લ્ડ કપમાં વૈભવ સૂર્યવંશી સામે ઇતિહાસની તક, સરફરાઝનો રેકોર્ડ તૂટે તે શક્ય

અંડર-19 વર્લ્ડ કપમાં વૈભવ સૂર્યવંશી સામે ઇતિહાસની તક, સરફરાઝનો રેકોર્ડ તૂટે તે શક્ય