બર્ફીલા પવનથી સૌરાષ્ટ્ર કંપ્યું, નલિયા 6.4 ડિગ્રી સૌથી ઠંડુ, રાજકોટ-ભુજ-જામનગરમાં પણ 10 ડિગ્રી ટાઢોડુ

બર્ફીલા પવનથી સૌરાષ્ટ્ર કંપ્યું, નલિયા 6.4 ડિગ્રી સૌથી ઠંડુ, રાજકોટ-ભુજ-જામનગરમાં પણ 10 ડિગ્રી ટાઢોડુ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આજે પણ બર્ફીલા પવનો અને કડકડતી ઠંડીનો પ્રભાવ યથાવત રહ્યો હતો. સવારથી જ ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા અને તીવ્ર પવનને કારણે જનજીવન ઠુંઠવાઈ ગયું હતું. સામાન્ય રીતે દરિયાઈ વિસ્તારોમાં જ્યાં હળવી ઠંડી અનુભવાય છે ત્યાં પણ આજે અસાધારણ ટાઢોડુ છવાઈ ગયું હતું, જેના કારણે લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈ બહાર નીકળતા જોવા મળ્યા હતા.

આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયા ખાતે નોંધાઈ હતી, જ્યાં લઘુતમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું હતું. આ સાથે અમરેલી 8.4 ડિગ્રી સાથે બીજા ક્રમે રહ્યું હતું. આ બંને વિસ્તારોમાં બર્ફીલા પવનના સુસવાટા સાથે હાજા ગગડાવતી ઠંડી અનુભવાઈ હતી.

રાજકોટ શહેરમાં પણ ઠંડીનો પ્રભાવ યથાવત રહ્યો હતો. સવારના સમયે અંદાજે 12 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે કાતીલ ઠંડો પવન ફૂંકાતો રહ્યો હતો. લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાતા શહેરના નગરજનો ઠંડીથી કંપી ઉઠ્યા હતા. વહેલી સવારમાં રસ્તાઓ સુમસાંમ રહ્યા હતા અને લોકો સૂર્યોદય પછી જ બહાર નીકળવાનું પસંદ કરતા જોવા મળ્યા હતા.

જુનાગઢમાં પણ ઠંડી અને પવનની અસર સ્પષ્ટ જોવા મળી હતી. શહેરમાં લઘુતમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગિરનાર પર્વત ઉપર તાપમાન વધુ ઘટીને 6.5 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ ઊંચું રહેતા ઠંડીની તીવ્રતા વધુ અનુભવી હતી. પવનની ગતિ 6.8 કિ.મી. પ્રતિ કલાક નોંધાઈ હતી.

જામનગરમાં પોષ માસના અંતિમ દિવસોમાં ઠંડીની જમાવટ શરૂ થઈ હોવાનું જણાયું હતું. શિયાળાની સિઝનમાં પ્રથમ વખત લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી પહોંચતા શહેરમાં ઠંડીનું જોર વધ્યું હતું. પરિણામે નાગરિકો ઘરમાં પણ ગરમ કપડાંમાં લપેટાઈ ગયા હતા. સવારના 9 વાગ્યા સુધી રસ્તાઓ પર ચહલપહલ ઓછી રહી હતી. એટલું જ નહીં, સૂર્યનારાયણના તાપ હોવા છતાં લોકો તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા.

જામનગર જિલ્લામાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ લઘુતમ તાપમાન 10 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા અને પવનની ગતિ 5.7 કિ.મી. પ્રતિ કલાક રહી હતી. છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં સીધો ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાતા ઠંડીનો પ્રભાવ વધુ તીવ્ર બન્યો હતો. ઠંડીની અસર માનવજીવન ઉપરાંત પશુ-પક્ષીઓ પર પણ જોવા મળી હતી. બજારોમાં સવારના સમયે લોકોની અવરજવર ખૂબ ઓછી રહી હતી.

ભાવનગર અને ગોહિલવાડ પંથકમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ભાવનગર શહેરમાં સિઝનમાં પ્રથમ વખત લઘુતમ તાપમાન ઘટીને 13.4 ડિગ્રી નોંધાયું હતું. સવારના સમયે પવનની ઝડપ 10 કિ.મી. પ્રતિ કલાક રહેતા ઠંડીની તીવ્રતા વધુ અનુભવી હતી. હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું હતું. રાત્રિના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર પણ પ્રમાણમાં ઓછી રહી હતી.

કચ્છના ભુજમાં આજે 10.2 ડિગ્રી સાથે તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. અન્ય શહેરોમાં પણ ઠંડીનો પ્રભાવ યથાવત રહ્યો હતો. અમદાવાદમાં લઘુતમ તાપમાન 12.1, ગાંધીનગરમાં 10.5, વડોદરામાં 13.6, ડિસામાં 10.4, કંડલામાં 12.6, પોરબંદરમાં 11.1 અને વેરાવળમાં 14.9 ડિગ્રી નોંધાયું હતું. દરિયાઈ વિસ્તારોમાં દમણમાં 16, દીવમાં 14.5, દ્વારકામાં 13.8 અને ઓખામાં 17.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાંથી આવતી ઠંડી હવા અને ખુલ્લા આકાશને કારણે આગામી એક-બે દિવસ સુધી ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી લોકોને જરૂરી સાવચેતીઓ રાખવા અને ખાસ કરીને બાળકો, વૃદ્ધો તથા બીમાર વ્યક્તિઓનું ખાસ ધ્યાન રાખવા સૂચન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બર્ફીલા પવનો સાથે છવાયેલી આ ઠંડીના માહોલે જનજીવનને ધીમી ગતિએ ધકેલી દીધું છે અને લોકો ગરમ વસ્ત્રો તથા તાપણાનો સહારો લઈને શિયાળાનો સામનો કરી રહ્યા છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ