સોમનાથ સ્વાભિમાન પર્વે ઇતિહાસમાં પ્રથમવાર સાધુ-સંતોની ભવ્ય રવેડી, પ્રભાસ તીર્થ ભક્તિમય વાતાવરણમાં ગરકાવ

સોમનાથ સ્વાભિમાન પર્વે ઇતિહાસમાં પ્રથમવાર સાધુ-સંતોની ભવ્ય રવેડી, પ્રભાસ તીર્થ ભક્તિમય વાતાવરણમાં ગરકાવ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન આજે અને કાલે સોમનાથ ખાતે રોકાણ કરવાના છે. વડાપ્રધાન આજે સાંજે સોમનાથ પહોંચશે અને સોમનાથ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ બાદ કાલે સવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરશે. વડાપ્રધાનના આ પ્રવાસને લઈ સોમનાથ સમગ્ર રીતે ઉત્સવમય બની ગયું છે અને સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઐતિહાસિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથ ખાતે યોજાનારા બે દિવસીય કાર્યક્રમોને લઈને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તા. 11 જાન્યુઆરી સુધી સોમનાથ મંદિરે સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી ચાલી રહી છે, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર બે કિ.મી. લાંબો ભવ્ય રોડ-શો યોજાવાનો છે. આ રોડ-શો દરમિયાન 108 અશ્વો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વાભિમાન યાત્રામાં સામેલ થશે, જે ભારતના સાંસ્કૃતિક ગૌરવ અને શૌર્યનું પ્રતીક બનશે.

આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતીમાં સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટની ડિઝાઈન ફાઈનલ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી સ્થિત ત્રણ અલગ-અલગ એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા કોરિડોરના મોડલ અને પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ કરાશે. આ ત્રણમાંથી એક ડિઝાઈનને મંજૂરી મળ્યા બાદ સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટની વિધિવત કામગીરી શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને વડાપ્રધાન મોદીના ‘ડ્રીમ પ્રોજેક્ટ’ તરીકે જોવામાં આવી રહ્યો છે અને તે સોમનાથને વૈશ્વિક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવશે.

આજ રાત્રે સોમનાથ મંદિરમાં ભવ્ય ડ્રોન શો યોજાનાર છે, જે આ ઉજવણીનું વિશેષ આકર્ષણ રહેશે. સાથે સાથે દરિયામાં માછીમારો દ્વારા 108 બોટને શણગારીને વિશેષ બોટ શો પણ યોજાશે. આ કાર્યક્રમોથી સોમનાથનું આકાશ અને દરિયો બંને ઉત્સવના રંગોમાં રંગાઈ જશે.

 


રવિવારે વહેલી સવારે વડાપ્રધાન સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિષેક, ધ્વજાપૂજા તથા સોમેશ્વર મહાપૂજા સહિતની વૈદિક વિધિઓમાં ભાગ લેશે. આ ધાર્મિક અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી ભવ્ય સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર યોજાઈ રહી છે, જેમાં અંદાજે બે કિ.મી. લાંબી યાત્રામાં 108 અશ્વો સામેલ થશે. યાત્રાના મધ્યમાં વડાપ્રધાન મોદી અને આગળ-પાછળ અશ્વો હશે, જે શૌર્ય અને સંસ્કૃતિના સંગમને દર્શાવશે.

યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. આ સભામાં સ્વાભિમાન, સંસ્કૃતિ અને વિકાસને કેન્દ્રમાં રાખી દેશને નવી દિશા આપતી મહત્વપૂર્ણ જાહેરાતોના સંકેત મળી રહ્યા છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સોમનાથથી રાજકોટ જવાના છે.

વડાપ્રધાનના આ પ્રવાસનું વિશેષ ઐતિહાસિક મહત્વ છે. ઈ.સ. 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર કરેલા આક્રમણને વર્ષ 2026માં એક હજાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક પ્રસંગને સ્મરણરૂપ સોમનાથ ખાતે અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યભરમાંથી પોલીસ માઉન્ટેડ દળના 108 અશ્વોને એકત્ર કરવામાં આવશે. આ આયોજન સોમનાથના પુનરુદ્ધાર અને અડગ અસ્મિતાનું પ્રતીક બનશે.

વડાપ્રધાનના કાર્યક્રમોને લઈ સુરક્ષાની દ્રષ્ટિએ પણ કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ આશરે 3500 પોલીસ જવાનો ખડકાયા છે. રાજ્યના મંત્રીઓ, મુખ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વ્યવસ્થાઓનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સમગ્ર તીર્થધામને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. દીવાલો પર ચિત્રો, રોશની અને શોભાયમાન સજાવટથી સોમનાથ દિવ્ય રૂપ ધારણ કરી ચૂક્યો છે. આ પર્વ માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક નથી, પરંતુ ભારતના હજારો વર્ષ જૂના સ્વાભિમાન, અખંડ આસ્થા અને અડગ આત્મવિશ્વાસનું પુનર્જાગરણ છે.

સોમનાથ મંદિરમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપનો વિચાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે. વિશ્વ કલ્યાણ અને માનવજાતિના મંગળ માટે ઋષિકુમારો દ્વારા સતત ઓમકાર જાપ ચાલી રહ્યો છે, જે આ પવિત્ર પર્વને આધ્યાત્મિક ઊંચાઈ આપે છે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વ ઐતિહાસિક બનશે અને દેશભરમાં આ પર્વની ગુંજ લાંબા સમય સુધી સંભળાશે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ