પારંપરિક વેશમાં 1000 આહીરાણીઓ મહારાસથી કરશે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત, ત્રણ દિવસથી જોરશોરે તૈયારી Jan 10, 2026 પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ની ભવ્ય ઉજવણી આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાનના આગમન સાથે બે દિવસીય વિવિધ કાર્યક્રમોનો આરંભ થશે. આ મહાપર્વને લઈને સમગ્ર સોમનાથ પરિસરમાં અનેરો ઉત્સાહ અને ઉત્સવમય માહોલ સર્જાયો છે, ત્યારે વડાપ્રધાનના સ્વાગત માટે જનસમૂહ ઉત્સુક બની રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાજરમાન સ્વાગત માટે આહીર સમાજ દ્વારા અનોખી અને ભવ્ય તૈયારી કરવામાં આવી છે. આ સ્વાગત પ્રસંગે આશરે એક હજાર આહીરાણીઓ મહારાસ કરીને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરશે. આહીર સમાજની મહિલાઓ પોતાના પારંપારિક વેશભૂષામાં સજ્જ થઈ મહારાસ રજૂ કરશે, જે સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્યતામાં ચાર ચાંદ લગાવશે.આ ભવ્ય સ્વાગત કાર્યક્રમ માટે છેલ્લા ત્રણ દિવસથી આહીર સમાજની મહિલાઓ દ્વારા સતત અભ્યાસ ચાલી રહ્યો છે. સવારથી જ મહિલાઓ પોતાના પારંપારિક વેશમાં રાસની પ્રેક્ટિસમાં લાગી જાય છે. આહિરાણીઓમાં વડાપ્રધાનના સ્વાગતને લઈને વિશેષ ઉત્સાહ અને ગર્વની લાગણી જોવા મળી રહી છે. આ સ્વાગત માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ આહીર સમાજની પરંપરા, સંસ્કૃતિ અને ઐતિહાસિક ગૌરવનું પ્રતિબિંબ બનશે.ઈતિહાસમાં નજર કરીએ તો ઈ.સ. 1026માં મહમુદ ગઝવીએ સોમનાથ પર કરેલું આક્રમણ આજે એક હજાર વર્ષ પૂર્ણ થવાના મોખરે છે. સાથે જ આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અને જીર્ણોધારને પણ 75 વર્ષ પૂર્ણ થયા છે. આ બંને ઐતિહાસિક ઘટનાઓના સ્મરણાર્થે ચાર દિવસીય સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગને અનુલક્ષીને એક હજાર આહીરાણીઓ દ્વારા મહારાસ રજૂ કરીને વડાપ્રધાનનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પ્રતિકાત્મક સંખ્યા સોમનાથ પર થયેલા આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવાનો સંદેશ પણ પ્રગટ કરે છે. આ સ્વાગત કાર્યક્રમ સોમનાથ સ્વાભિમાન પર્વના આયોજનને વધુ અર્થસભર અને ભવ્ય બનાવશે.આહીર સમાજ માટે આ પહેલો પ્રસંગ નથી. વર્ષ 2023માં આહીરાણીઓએ બહોળી સંખ્યામાં મહારાસ રજૂ કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. એ જ પરંપરાને આગળ વધારતાં હવે સોમનાથની પવિત્ર ધરા પર વડાપ્રધાનના સ્વાગત માટે ફરી એક વખત મહારાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારી આહીરાણીઓએ જણાવ્યું હતું કે, દ્વારકામાં ભવ્ય રાસ રજૂ કર્યા બાદ હવે સોમનાથમાં રાસ રજૂ કરવાનો તેમને પરમ આનંદ અને ગૌરવ અનુભવાય છે.આ આયોજનની વિશેષતા એ છે કે તેમાં નાની દીકરીઓથી લઈને વૃદ્ધ માતાઓ સુધી તમામ વયજૂથની મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ રહી છે. આહીર સમાજની મહિલાઓએ જણાવ્યું હતું કે, તેઓ કૃષ્ણની ગોપી બની દ્વારકાથી સોમનાથ આવી છે. જ્યાં હરી અને હરનું મિલન થાય છે, ત્યાં કૃષ્ણની ગોપીઓ રૂપે આહીરાણીઓ મહારાસ રજૂ કરીને આ ઐતિહાસિક પર્વને યાદગાર બનાવશે.આ ભવ્ય મહારાસ કાર્યક્રમ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વમાં લોકસંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક ગૌરવની સુંદર ઝલક જોવા મળશે. વડાપ્રધાનના આગમનને લઈને સમગ્ર સોમનાથ વિસ્તાર ભક્તિ, ઉત્સાહ અને સંસ્કૃતિના રંગોમાં રંગાઈ ગયો છે અને આહીરાણીઓનું મહારાસ આ પર્વનું વિશેષ આકર્ષણ બનશે. Previous Post Next Post