સોમનાથ સ્વાભિમાન પર્વે ભારતીય સંસ્કૃતિનો બુલંદ પરચમ, શિવરાત્રીના મેળા જેવો હર હર મહાદેવથી ગુંજ્યો માહોલ

સોમનાથ સ્વાભિમાન પર્વે ભારતીય સંસ્કૃતિનો બુલંદ પરચમ, શિવરાત્રીના મેળા જેવો હર હર મહાદેવથી ગુંજ્યો માહોલ

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથની પવિત્ર ધરા પર ભક્તિ, પરંપરા અને શૌર્યનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાની તર્જ પર સોમનાથના શંખચોકથી સોમનાથ મંદિર સુધી સાધુ-સંતોની ભવ્ય રવાડી નીકળી હતી. આ રવાડી દરમિયાન સમગ્ર સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજતું બન્યું હતું અને ભારતીય સંસ્કૃતિની મહાન પરંપરાનો બુલંદ પરચમ લહેરાયો હતો.

સાધુ-સંતોની આ ભવ્ય રવાડીમાં દિગંબર સાધુઓ દ્વારા રજૂ કરાયેલા દિલધડક કરતબોએ યાત્રિકો અને શ્રદ્ધાળુઓને અચંબામાં મૂકી દીધા હતા. તલવારબાજી, લાઠીદાવ અને વિવિધ શૌર્યકલા સાથેના પ્રદર્શનોએ ભક્તિ સાથે શૌર્યની ઝલક રજૂ કરી હતી.
 

સાધુ-સંતોની ભવ્ય રવાડી, ભાવિકોની ભારે ઉપસ્થિતિ

સોમનાથના શંખચોકથી શરૂ થયેલી રવાડી સોમનાથ મંદિર સુધી પહોંચી હતી. રવાડીમાં અગ્નિ આહ્વાન અખાડા, જૂના અખાડા સહિતના વિવિધ અખાડાઓના સાધુ-સંતો જોડાયા હતા. ગિરનાર તીર્થક્ષેત્રના શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી મહેન્દ્રાનંદગીરી બાપુ, હરીહરાનંદ બાપુ સહિતના અગ્રણી સાધુ-સંતોની વિશેષ ઉપસ્થિતિ આ રવાડીમાં જોવા મળી હતી.
 


રવાડી દરમિયાન વીર હમીરજી ચોક ખાતે ભારે જનમેદની ઉમટી પડી હતી. અહીંથી સાધુઓ ધ્વજા સાથે સોમનાથ મંદિરમાં પહોંચ્યા હતા અને ભગવાન સોમનાથ મહાદેવને ધ્વજા અર્પણ કરી હતી. સમગ્ર માર્ગ પર ભાવિકોએ પુષ્પવર્ષા કરીને સાધુ-સંતોનું અભિવાદન કર્યું હતું.
 

દિગંબર સાધુઓના કરતબો આકર્ષણનું કેન્દ્ર

આ રવાડીનું વિશેષ આકર્ષણ દિગંબર સાધુઓ દ્વારા રજૂ કરાયેલા શૌર્યસભર કરતબો રહ્યા હતા. સાધુઓએ તલવારબાજી, અંગકસરત અને પરંપરાગત યુદ્ધકલા દ્વારા પોતાની અદભૂત શારીરિક ક્ષમતા અને સાધનાનો પરિચય આપ્યો હતો. તેમની શિસ્તબદ્ધ રજૂઆત અને આત્મવિશ્વાસભર્યા પ્રદર્શનથી દર્શકોમાં તાળીઓ અને જયઘોષ ગુંજી ઉઠ્યા હતા.

રવાડી દરમિયાન સર્જાયેલો માહોલ જૂનાગઢમાં શિવરાત્રીના મેળા દરમિયાન નીકળતી પરંપરાગત રવાડી જેવો અનુભવ કરાવતો હતો. ધાર્મિક ઉત્સવ સાથે લોકસંસ્કૃતિની જીવંત ઝલક સોમનાથમાં સ્પષ્ટ રીતે જોવા મળી હતી.
 

પરંપરાગત વાદ્યો અને ઢોલના તાલે સર્જાયો દિવ્ય માહોલ

સાધુ-સંતોની રવાડીમાં ભગવાન શિવજીના પ્રિય વાદ્ય ડમરૂના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજાયો હતો. સાથે જ સિદ્ધિ વિનાયક ઢોલ ગ્રુપ દ્વારા 75 જેટલા ઢોલ વાદકોની તાલબદ્ધ પ્રસ્તુતિએ સોમનાથમાં ભવ્ય અને દિવ્ય વાતાવરણ સર્જ્યું હતું. શિવભક્તિમય સંગીત અને પરંપરાગત વાદ્યોના સંગમથી સમગ્ર શહેર આધ્યાત્મિક ઊર્જાથી છલકાયું હતું.
 

રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરી

આ ભવ્ય સ્વાભિમાન પર્વમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિતના અનેક પદાધિકારીઓ અને અગ્રણીઓ ભાવભેર જોડાયા હતા.
 

વડાપ્રધાનના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ગિરનાર તીર્થક્ષેત્ર સહિત વિવિધ સ્થળોના સાધુ-સંતોએ સોમનાથના શંખચોકથી પદયાત્રા કરીને ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

આ પદયાત્રા દરમિયાન સાધુ-સંતો અને મહાનુભાવોની પુષ્પવર્ષાથી ભવ્ય આગવાણી કરવામાં આવી હતી. સમગ્ર સોમનાથ મંદિર પરિસર ભક્તિ, પરંપરા અને શૌર્યથી ઓતપ્રોત બની ગયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ સાધુ-સંતોના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત નીકળેલી આ ભવ્ય રવાડી અને પદયાત્રાએ સોમનાથની પવિત્ર ભૂમિ પર ભારતીય સંસ્કૃતિની અખંડ પરંપરા અને આધ્યાત્મિક વૈભવને વધુ ઉજાગર કર્યો હતો.
 

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ