શિવ મંત્રોચ્ચાર સાથે રાજકોટથી સોમનાથ બીજી ટ્રેન રવાના, 18 કોચમાં કાર્યકરો-ભક્તોની વિશાળ હાજરી

શિવ મંત્રોચ્ચાર સાથે રાજકોટથી સોમનાથ બીજી ટ્રેન રવાના, 18 કોચમાં કાર્યકરો-ભક્તોની વિશાળ હાજરી

રાજકોટથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે ભાવિક ભક્તો અને કાર્યકરોની બીજી ખાસ ટ્રેન શિવ મંત્રોચ્ચાર અને “હર હર મહાદેવ”ના જયઘોષ સાથે સોમનાથ પહોંચી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કાલે સાંજે સોમનાથ આવી રહ્યા છે અને રવિવારે યોજાનારા રોડ-શો સહિતના કાર્યક્રમોને લઈ રાજકોટ શહેર ભાજપ દ્વારા સતત બીજા દિવસે ભક્તોની ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઇકાલે રાત્રે રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી ઉપડેલી આ ટ્રેન આજે સવારે સોમનાથ પહોંચી હતી.

શહેર ભાજપના આયોજન અંતર્ગત ઉપડેલી આ ટ્રેનમાં 18 કોચ હતા, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ભાવિક ભક્તો જોડાયા હતા. ટ્રેનના પ્રસ્થાન સમયે શિવ મંત્રોચ્ચાર, ઢોલ-નગારા અને ધાર્મિક જયઘોષથી સમગ્ર સ્ટેશન પર ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. આ તકે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ જાતે કાર્યકરો સાથે ટ્રેનમાં રવાના થયા હતા અને તેમણે ભક્તોને વિદાય આપી હતી.

રાજકોટ શહેર ભાજપ દ્વારા ત્રણ દિવસ સુધી સોમનાથ સ્વાભિમાન પર્વ-2026ની ઉજવણીમાં લોકો ભાગ લઈ શકે તે માટે ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. બુધવાર અને ગુરુવારની રાત્રે ટ્રેનો ઉપડી હતી અને આવતીકાલે પણ શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારો, પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સોમનાથ જવા રવાના થવાના છે. આ આયોજન દ્વારા રાજકોટ શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ પર્વમાં જોડાઈ રહ્યા છે.

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તા.11 જાન્યુઆરી સુધી ચાલનારા સોમનાથ સ્વાભિમાન પર્વ-2026 અંતર્ગત આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા અને વિરેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહાનગરના મુખ્ય ઇન્ચાર્જ તરીકે શહેર ઉપપ્રમુખ પરીમલભાઈ પરડવા અને સહ-ઇન્ચાર્જ તરીકે પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયાની જવાબદારી હેઠળ ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

તા.7 જાન્યુઆરીએ પ્રથમ ટ્રેન રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી ઉપડી હતી, જેમાં ભાવિક ભક્તો અને કાર્યકરો જોડાયા હતા. આ ટ્રેનના ઇન્ચાર્જ તરીકે વોર્ડ નં.3ના પૂર્વ પ્રમુખ હેમુભાઈ પરમાર અને સહ-ઇન્ચાર્જ તરીકે બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયે જવાબદારી સંભાળી હતી. શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેની હાજરીમાં શુભ મુહૂર્તે ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ તકે કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને શ્રીફળ વધેરી શુભ શુકન કરવામાં આવ્યું હતું.

બીજા દિવસે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, દંડક નેતા મનીષ રાડીયા, પૂર્વ મેયર વલ્લભભાઈ દુધાત્રા, શહેર ઉપપ્રમુખ મહેશ રાઠોડ, હિતેષભાઈ ઢોલરીયા, રમેશભાઈ પરમાર સહિત અનેક હોદ્દેદારો, વોર્ડ અને શહેર મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને રાજકોટ શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો અને કાર્યકરો માટે કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓને કારણે ધાર્મિક ભાવના સાથે રાજકીય અને સાંસ્કૃતિક માહોલ પણ સર્જાયો છે. આગામી દિવસોમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમોને લઈને સોમનાથમાં ભવ્ય ઉજવણી થવાની છે, ત્યારે રાજકોટથી પહોંચેલા ભક્તો આ પર્વને વધુ ભવ્ય બનાવશે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ