લાલુ પરિવારને મોટો ઝટકો: ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં લાલુ સહિત 40 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ

લાલુ પરિવારને મોટો ઝટકો: ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં લાલુ સહિત 40 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ

‘લેન્ડ ફોર જોબ’ એટલે કે જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા અને પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ તથા તેમના પરિવારને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ આ મામલે લાલુ યાદવ સહિત 40થી વધુ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરી દીધા છે. કોર્ટના આ આદેશ સાથે જ કેસ હવે ટ્રાયલના તબક્કામાં પ્રવેશી ગયો છે અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા રજૂ કરવાની પ્રક્રિયા શરૂ થવાની છે.

સીબીઆઈની વિશેષ અદાલતે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટએ પોતાના આદેશમાં અત્યંત કડક શબ્દોનો ઉપયોગ કરતા જણાવ્યું હતું કે, લાલુ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ પૂરતા પ્રાથમિક પુરાવા ઉપલબ્ધ છે. આ પુરાવાઓથી સ્પષ્ટ થાય છે કે સરકારી પદોની વહેંચણી માટે એક સુનિયોજિત ષડયંત્ર રચાયું હતું અને સમગ્ર કામગીરી એક ‘ક્રિમિનલ એન્ટરપ્રાઇઝ’ એટલે કે ગુનાહિત સાહસની જેમ ચલાવવામાં આવી હતી.

કોર્ટે લાલુ પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે, આ મામલામાં પદનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારનું ષડયંત્ર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અદાલતે માન્યું કે આ તબક્કે આરોપીઓને કેસમાંથી મુક્ત કરી શકાય નહીં, કારણ કે આગળની સુનાવણી માટે પૂરતો આધાર ઉપલબ્ધ છે. હવે ટ્રાયલ દરમિયાન સીબીઆઈ દ્વારા તમામ પુરાવા અને સાક્ષીઓ રજૂ કરવામાં આવશે.

કોર્ટના આદેશ મુજબ, આ કેસમાં કુલ 41 આરોપીઓ વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ’ની કલમ 13(2) અને 13(1)(d) હેઠળ ટ્રાયલ ચલાવવામાં આવશે. આ કલમો સરકારી પદનો દુરુપયોગ કરીને ગેરલાભ મેળવવાના ગંભીર આરોપોને લગતી છે. જોકે, આ જ કેસમાં અન્ય 52 આરોપીઓને અદાલતે મોટી રાહત આપી છે. પુરાવાના અભાવે કોર્ટએ તેમને ડિસ્ચાર્જ એટલે કે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

સીબીઆઈની ચાર્જશીટ અનુસાર, લાલુ યાદવના રેલ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રેલ્વેમાં નોકરી આપવાના બદલામાં ઉમેદવારો અથવા તેમના પરિવારજનો પાસેથી કિંમતી જમીનો લેવામાં આવી હતી. આ જમીનો લાલુ પરિવારના સભ્યો અથવા તેમના નજીકના સાથીઓના નામે ટ્રાન્સફર કરાવવામાં આવી હોવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ચાર્જશીટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાલુ યાદવના નજીકના સહયોગીઓએ સહ-સાજિશકર્તા તરીકે મુખ્ય ભૂમિકા ભજવી અને ભ્રષ્ટાચારનું આખું માળખું ઊભું કર્યું હતું.

સુનાવણી દરમિયાન અદાલતે નોંધ્યું હતું કે, વિવેકાધિકારનો દુરુપયોગ કરીને સરકારી નોકરીઓ વહેંચવામાં આવી અને તેના બદલામાં વ્યક્તિગત લાભ માટે કિંમતી જમીનો હડપવામાં આવી. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે ઉપલબ્ધ પુરાવાઓ એક સુનિયોજિત ભ્રષ્ટાચારના નેટવર્ક તરફ ઈશારો કરે છે. તેથી આ તબક્કે લાલુ યાદવ અને તેમના પરિવારને નિર્દોષ માનીને મુક્ત કરી શકાય નહીં.

કોર્ટના આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. હવે ટ્રાયલ શરૂ થતાં જ આ કેસ વધુ ગંભીર બનશે અને આવનારા દિવસોમાં લાલુ પરિવારની કાનૂની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.

You may also like

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

જી.એસ.ટી. ઘટાડાથી હેચબેક કાર સેગમેન્ટમાં ઉછાળો, મારૂતિની મિની કાર વેચાણમાં 91.8 ટકા વૃદ્ધિ પ્રથમ ખરીદદારોમાં વધતી પસંદગી

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… પતંગનો વૈશ્વિક, ઐતિહાસિક અને રંગબેરંગી પ્રવાસ, અમદાવાદમાં મ્યુઝિયમ સ્થાપનાનો વિશેષ ઉલ્લેખ