સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવ આસમાને: એક દિવસમાં 40 અને મહિનામાં 200નો વધારો, નફાખોરી સામે સરકાર નિષ્ક્રિય Jan 23, 2026 ગુજરાતમાં મગફળીનું વિક્રમજનક ઉત્પાદન થયું હોવા છતાં સૌરાષ્ટ્રના સ્થાનિક સિંગતેલની બજારમાં ભાવવધારાનો સિલસિલો અવિરત રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં એક દિવસમાં જ ડબ્બાએ રૂ. 40નો વધારો નોંધાયો છે, જ્યારે માત્ર એક મહિનામાં કુલ રૂ. 200નો તોતિંગ ભાવવધારો થયો છે. માંગ સ્થિર હોવા છતાં અને પૂરવઠામાં વધારો હોવા છતાં ભાવ વધતા નફાખોરીના આક્ષેપો ઉઠી રહ્યા છે.રાજકોટ બજારમાં આજે સિંગતેલના પ્રતિ 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ. 2735થી વધીને રૂ. 2785 સુધી પહોંચી ગયો છે. નોંધનીય છે કે ગયા પખવાડિયામાં જ ભાવમાં રૂ. 170નો વધારો થયો હતો અને 22 ડિસેમ્બરની સરખામણીએ માત્ર એક મહિનામાં રૂ. 200નો વધારો નોંધાયો છે. આ ભાવવધારા પાછળ કોઈ સ્પષ્ટ કારણ ન દેખાતાં વેપારીઓ અને ગ્રાહકો બંનેમાં નારાજગી ફેલાઈ છે.સામાન્ય રીતે કપાસિયા અથવા પામતેલના ભાવમાં વધારો થયા બાદ તેની અસરરૂપે સિંગતેલ મોંઘું બનતું હતું, પરંતુ આ વર્ષે સ્થિતિ વિપરીત છે. દિવાળી બાદ સિંગતેલની લોબીએ સરકારી તંત્રના મૌન વચ્ચે ભાવવધારાની આગેવાની લીધી હોય તેવું ચિત્ર જોવા મળે છે. મગફળીનું ઉત્પાદન આ વર્ષે અંદાજે 30 ટકા વધ્યું હોવા છતાં સિંગતેલના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે.સિંગતેલ સાથે-સાથ અન્ય ખાદ્ય તેલોમાં પણ ભાવવધારો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનામાં કપાસિયા તેલના ભાવમાં રૂ. 115નો વધારો થયો છે, જ્યારે પામતેલમાં પણ રૂ. 105નો વધારો નોંધાયો છે. જોકે, એકમાત્ર કોપરેલ તેલમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જે કોપરેલ તેલ થોડા સમય પહેલા રેકોર્ડબ્રેક ઉંચાઈએ પહોંચ્યું હતું, તેમાં છેલ્લા એક મહિનામાં રૂ. 500નો ઘટાડો નોંધાયો છે.સિંગતેલના ભાવમાં થયેલા વધારાની સીધી અસર મગફળીના બજાર પર પણ જોવા મળી રહી છે. રાજકોટ યાર્ડમાં આજે પ્રથમવાર મગફળીના ભાવ રૂ. 1500ને પાર પહોંચ્યા છે. યાર્ડમાં ન્યૂનતમ ભાવ રૂ. 1230 અને મહત્તમ ભાવ રૂ. 1530 નોંધાયો છે. સારી ગુણવત્તાની મગફળી સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવે વેચાઈ રહી છે, જે ખેડૂતો માટે રાહતરૂપ છે પરંતુ ગ્રાહકો માટે ચિંતાજનક છે.સિંગતેલ અને કપાસિયા તેલ વચ્ચેનો ભાવતફાવત પણ ઝડપથી વધ્યો છે. અગાઉ બંને તેલ વચ્ચે રૂ. 50થી 60નો તફાવત હતો, જે હવે વધીને રૂ. 460 જેટલો થઈ ગયો છે. પરિણામે ફરસાણ અને મીઠાઈના વેપારીઓ ભાવહરીફાઈમાં ટકી રહેવા માટે કપાસિયા તેલ તરફ વળી રહ્યા છે. એટલું જ નહીં, મોંઘવારીના દબાણ હેઠળ ગરીબ અને મધ્યવર્ગીય પરિવારો પણ મજબૂરીવશ સસ્તા વિકલ્પ તરીકે કપાસિયા તેલ અપનાવી રહ્યા છે.વેપારીઓનું કહેવું છે કે આ ભાવવધારો કૃત્રિમ છે અને બજારમાં પુરતો સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં ભાવ ઊંચા રાખવામાં આવી રહ્યા છે. નફાખોર તત્વો પર સરકાર દ્વારા કોઈ અસરકારક નિયંત્રણ ન મૂકાતા સામાન્ય ગ્રાહકો પર મોંઘવારીનો બોજ વધી રહ્યો છે.નેતાઓ અને મોટા નાણાંવાળા વર્ગ માટે ડબ્બાએ રૂ. 200થી 300નો અને કિલોએ રૂ. 15થી 20નો વધારો સામાન્ય લાગતો હોય શકે, પરંતુ નિશ્ચિત અને મર્યાદિત આવકમાં ઘર ચલાવતા સામાન્ય પરિવારો માટે આ ભાવવધારો ભારે ચિંતા અને અસંતોષનું કારણ બની રહ્યો છે.હવે જોવાનું એ રહેશે કે સરકાર અને નિયામક તંત્ર સિંગતેલના ભાવવધારા સામે ક્યારે અને કેવી રીતે પગલાં લે છે, કે પછી નફાખોરી સામે ફરી એકવાર સામાન્ય જનતાને જ મોંઘવારીનો માર સહન કરવો પડશે. Previous Post Next Post