શાસ્ત્રો અને પરંપરા મુજબ માગીને લેવાયેલી કેટલીક શુભ ચીજવસ્તુઓ જીવનમાં લાભ અને સકારાત્મકતા લાવે Dec 29, 2025 સામાન્ય રીતે કહેવાય છે કે કોઈની પાસે કંઈ માગવું નહીં જોઈએ, કારણ કે આત્મનિર્ભરતા જીવનનું મહત્વપૂર્ણ ગુણ છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં એવી કેટલીક વિશેષ પરિસ્થિતિઓ અને ચીજવસ્તુઓનું વર્ણન છે, જે પ્રેમ, આદર અને શ્રદ્ધા સાથે માગવામાં આવે તો તે વ્યક્તિ માટે લાભદાયી સાબિત થાય છે. આવી ચીજવસ્તુઓ ભૌતિક કરતાં વધારે આધ્યાત્મિક અને ઊર્જાત્મક મહત્વ ધરાવે છે. આશીર્વાદરૂપી સિક્કોજો કોઈ મહત્વપૂર્ણ અથવા શુભ કાર્ય માટે બહાર જવાનું હોય, જેમ કે ઇન્ટરવ્યુ, પરીક્ષા, વ્યવસાયિક બેઠક અથવા કોઈ નવું કાર્ય શરૂ કરવાનું હોય, તો ઘરના વડીલ કે તમારા માટે નસીબદાર વ્યક્તિ પાસેથી આશીર્વાદ લઈને એક સિક્કો માગવો અત્યંત શુભ માનવામાં આવે છે. આ સિક્કો ગજવામાં કે પર્સમાં રાખવો જોઈએ.આ માન્યતા મુજબ એ સિક્કો માત્ર પૈસાનો ટુકડો નથી, પરંતુ વડીલોના આશીર્વાદ, શુભેચ્છા અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. અગાઉ જન્મદિવસ, દિવાળી અથવા અન્ય શુભ પ્રસંગે વડીલો આશીર્વાદમાં પૈસા આપતા, જે પરંપરા હવે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. આશીર્વાદમાં મળેલો સિક્કો સાચવી રાખવો શુકનવંતું માનવામાં આવે છે. સફળ વ્યક્તિની પેનજો કોઈ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ખૂબ સફળ, જ્ઞાની અને પ્રતિષ્ઠિત હોય, તો તેની પેન માગીને વાપરવી શુભ ગણાય છે. આ પેનને તેમની બૌદ્ધિક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આવું માનવામાં આવે છે કે સતત વપરાશમાં રહેલી પેનમાં એ વ્યક્તિની વિચારશક્તિ અને એકાગ્રતાનો પ્રભાવ રહેલો હોય છે.મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ હંમેશાં સામાન્ય પેન વાપરતા. તેમની આસપાસના લોકો ઘણીવાર તેમની પાસેથી પેન માગતા અને તેઓ ખુશીથી આપી દેતા. શાસ્ત્ર મુજબ માગેલી પેન ઓછામાં ઓછું એક અઠવાડિયું તે વ્યક્તિએ વાપરેલી હોવી જોઈએ. જેટલો વધુ ઉપયોગ, એટલી વધુ બૌદ્ધિક ઊર્જા તેમાં રહેલી હોય છે. સુખી દાંપત્ય ધરાવતા કપલ પાસેથી સોપારીશાસ્ત્રોમાં માન્યતા છે કે જેમનાં લગ્નનો યોગ ન બનતો હોય અથવા વિલંબ થતો હોય, તેમણે સુખી દાંપત્ય જીવન ધરાવતા પરિણીત યુગલ પાસેથી પાન કે સોપારી માગીને ગ્રહણ કરવી જોઈએ. આ પાન અથવા સોપારી એ વ્યક્તિએ જ લેવાની હોય છે, જેના લગ્ન માટે યોગ સર્જવાનો હોય.માન્યતા અનુસાર, આથી જીવનમાં મંગળકાર્યના યોગ શરૂ થાય છે. શાસ્ત્રોમાં આવા અનેક પ્રસંગોનો ઉલ્લેખ મળે છે, જ્યાં આ રીતે લગ્નના યોગ સર્જાયા હોવાનું માનવામાં આવે છે. સાત્ત્વિક વ્યક્તિનું અન્નસાત્ત્વિક, આધ્યાત્મિક અને શુદ્ધ વિચારધારા ધરાવતી વ્યક્તિના ઘરેથી મળેલું અન્ન પ્રસાદરૂપે ગ્રહણ કરવાથી મન અને જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે એવી માન્યતા છે. ગુરુજી, સાધુ-સંત અથવા ધર્મગુરુ દ્વારા આપવામાં આવેલો પ્રસાદ પણ અત્યંત ફળદાયી ગણાય છે.પહેલાંના સમયમાં ગુરુના આશ્રમમાંથી અનાજની એક મુઠ્ઠી લાવીને ઘરના ધાન સાથે ભેળવવામાં આવતી, જેથી ઘરમાં અન્નપૂર્ણાના આશીર્વાદ સતત રહે. જો કે, આ અનાજના બદલામાં યથાશક્તિ દાન કરવું પણ એટલું જ જરૂરી માનવામાં આવે છે. સફળ વ્યક્તિની સંપત્તિજો તમે ઘર, ફ્લેટ અથવા ઑફિસ જેવી પ્રોપર્ટી ખરીદતા હો, તો એ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ સંપત્તિ વેચનાર વ્યક્તિ માટે કેટલી સફળ સાબિત થઈ છે. જો એ પ્રોપર્ટી સફળ વ્યક્તિની હોય અથવા એ જગ્યાએ રહીને તેને પ્રગતિ મળી હોય, તો વધુ કિંમતે પણ એ સંપત્તિ લેવી શુભ ગણાય છે.માન્યતા મુજબ, સફળ વ્યક્તિની સંપત્તિમાં સકારાત્મક ઊર્જાનો વાસ હોય છે, જે નવા માલિક કે ભાડૂતના જીવનમાં પણ પ્રગતિ અને સુખ લાવી શકે છે.માગીને લેવી જોઈએ એવી આ ચીજવસ્તુઓ ભૌતિક લાભ કરતાં વધારે માનસિક અને આધ્યાત્મિક શક્તિ આપે છે. જો આ વસ્તુઓ શ્રદ્ધા, આદર અને સકારાત્મક ભાવના સાથે લેવાય, તો તે જીવનમાં શુભ પરિણામ લાવી શકે છે. જોકે, દરેક બાબતમાં અંધવિશ્વાસ નહીં પરંતુ સમજદારી અને સકારાત્મક વિચારધારા રાખવી સૌથી મહત્વપૂર્ણ છે. Previous Post Next Post