વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ, આજથી મુસાફરો માટે ટિકિટ બુકિંગ પ્રક્રિયા શરૂ Jan 22, 2026 વેરાવળથી બાન્દ્રા ટર્મિનસ વચ્ચે મુસાફરોની વધતી ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ખાસ ભાડે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેન માટેની ટિકિટ બુકિંગ આજથી એટલે કે 22 જાન્યુઆરી, 2026 ગુરૂવારથી શરૂ કરવામાં આવી છે. રેલવેના આ નિર્ણયથી સૌરાષ્ટ્ર વિસ્તારના મુસાફરોને મુંબઈ તરફ મુસાફરી માટે મોટી રાહત મળશે.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ટ્રેન નંબર 09017/09018 વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ ટ્રેન તરીકે ચલાવવામાં આવશે. આ ટ્રેન ખાસ કરીને રવિવાર અને સોમવારના દિવસોમાં બંને દિશામાં સંચાલિત કરવામાં આવશે, જેથી પ્રવાસીઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓને વધુ સગવડતા મળી રહે.ટ્રેન નંબર 09017 બાન્દ્રા ટર્મિનસથી વેરાવળ માટે સ્પેશિયલ ટ્રેન તરીકે 25 જાન્યુઆરી, 2026 થી 22 ફેબ્રુઆરી, 2026 સુધી દર રવિવારે ચલાવવામાં આવશે. આ ટ્રેન બાન્દ્રા ટર્મિનસથી બપોરે 14:40 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08:05 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 25 જાન્યુઆરી, 1 ફેબ્રુઆરી, 8 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી અને 22 ફેબ્રુઆરી, 2026 ના રોજ સંચાલિત કરવામાં આવશે.તે જ રીતે, ટ્રેન નંબર 09018 વેરાવળથી બાન્દ્રા ટર્મિનસ માટે સ્પેશિયલ ટ્રેન તરીકે 26 જાન્યુઆરી, 2026 થી 23 ફેબ્રુઆરી, 2026 સુધી દર સોમવારે ચલાવવામાં આવશે. આ ટ્રેન વેરાવળથી સવારે 11:05 કલાકે રવાના થશે અને બીજા દિવસે વહેલી સવારે 04:55 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 26 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 9 ફેબ્રુઆરી, 16 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી, 2026 ના રોજ દોડશે.આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર જંક્શન, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો પર રોકાશે. જેના કારણે સૌરાષ્ટ્રથી મુંબઈ અને મુંબઈથી સૌરાષ્ટ્ર જવા ઇચ્છતા મુસાફરોને સીધી અને અનુકૂળ મુસાફરીનો લાભ મળશે.ટ્રેનની રચનાની વાત કરીએ તો, આ સ્પેશિયલ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ તેમજ જનરલ ક્લાસના કોચ સામેલ રહેશે. જેથી તમામ વર્ગના મુસાફરો પોતાની સુવિધા અને બજેટ અનુસાર મુસાફરી કરી શકે. ખાસ કરીને તહેવારો, લગ્ન સીઝન અને પરીક્ષા સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં થતો વધારો આ ટ્રેનથી સંભાળી શકાય તેવી આશા છે.ટ્રેન નંબર 09017 અને 09018 માટે ટિકિટ બુકિંગ 22 જાન્યુઆરી, 2026 થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ કરવામાં આવ્યું છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે વધતી માંગને ધ્યાનમાં રાખીને સમયસર ટિકિટ બુક કરાવી લે, જેથી છેલ્લી ઘડીએ મુશ્કેલી ન પડે.રેલવે દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રેનના સમયપત્રક, સ્ટોપેજ, કોચ રચના અને અન્ય વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર જઈને તપાસ કરી શકે છે. આ સ્પેશિયલ ટ્રેન શરૂ થવાથી સૌરાષ્ટ્રના યાત્રીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મુંબઈ સાથેનો રેલ સંપર્ક વધુ મજબૂત બનશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. Previous Post Next Post