આજે ઠંડીમાં મહદ અંશે રાહત, નલિયામાં 10.4 ડિગ્રી; આવતીકાલથી ફરી ક્રમશઃ તાપમાન ઘટવાની આગાહી Jan 22, 2026 રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આજે પણ ઠંડીના તીવ્રતા માં મહદ અંશે રાહત જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી કડક શિયાળાની પકડ બાદ આજે મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં રહેતા લોકોમાં થોડી હળવાશ અનુભવાઈ હતી. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ રાહત તાત્કાલિક છે અને આવતીકાલથી ફરીથી ઠંડી ધીમે ધીમે વધવાની શક્યતા છે.આજે સવારે રાજ્યમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે દર્શાવે છે કે કચ્છ વિસ્તારમાં હજુ પણ ઠંડીનો પ્રભાવ યથાવત છે. રાજકોટમાં લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું, જે ગત સપ્તાહની તુલનામાં થોડી રાહતરૂપ ગણાય છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તાપમાન સામાન્ય કરતાં થોડું વધુ રહ્યું હતું. વેરાવળમાં 18 ડિગ્રી, પોરબંદરમાં 16 ડિગ્રી અને દિવમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 16.8 અને વડોદરામાં 19 ડિગ્રી સાથે શિયાળાની તીવ્રતા ઓછી જણાઈ હતી.અમરેલીમાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 17.2 ડિગ્રી અને ભુજમાં 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 15.3, દમણમાં 18.2, દ્વારકામાં 17.8, કંડલામાં 16.5 અને ઓખામાં 19 ડિગ્રી તાપમાન નોંધાતા સમગ્ર રાજ્યમાં આજે ઠંડીમાં સામાન્ય રાહત અનુભવાઈ હતી. જો કે, હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ફરી સક્રિય થતી ઠંડી હવાના પ્રવાહના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાન ફરી ઘટી શકે છે.જુનાગઢ જિલ્લામાં આજે ઠંડીનું જોર થોડું ઘટેલું જોવા મળ્યું હતું. કૃષિ યુનિવર્સિટી ખાતે નોંધાયેલા આંકડા મુજબ મહત્તમ તાપમાન વધીને 15 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જ્યારે લઘુતમ તાપમાન 13.9 ડિગ્રી નોંધાયું હતું. જોકે ગીરનાર પર્વત પર ઠંડીની અસર હજુ પણ સ્પષ્ટ રહી હતી, જ્યાં પારો 8.8 ડિગ્રી સુધી નીચે ઉતર્યો હતો. આ ઉપરાંત ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 4.8 કિમી નોંધાતા સવાર અને સાંજના સમયે બર્ફીલા પવનથી ઠંડીનો અહેસાસ યથાવત રહ્યો હતો.જામનગર જિલ્લામાં પણ લઘુતમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો નોંધાયો હતો અને તાપમાન 13 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહેતા બપોરના સમયે થોડી રાહત મળી હતી, પરંતુ સવાર અને સાંજના સમયે ઠંડક યથાવત રહેતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી. લોકો સવાર-સાંજ ગરમ કપડાંમાં જ જોવા મળ્યા હતા અને ખુલ્લા વિસ્તારોમાં અવરજવર ઘટેલી હતી.શહેર અને જિલ્લામાં શિયાળાએ આ સીઝનમાં મોડું આગમન કર્યું હતું, પરંતુ ગયા સપ્તાહમાં અચાનક તીવ્ર ઠંડી પડતાં જનજીવન ધ્રુજી ઉઠ્યું હતું. છેલ્લા બે દિવસથી રાત્રીનું તાપમાન 12 ડિગ્રી આસપાસ સ્થિર રહેતા ઠંડીનો પ્રભાવ સતત રહ્યો હતો. આજે એક ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હોવા છતાં ઠંડી સંપૂર્ણ રીતે ઓછી થઈ હોવાનું કહી શકાય તેમ નથી.આ સાથે ભેજનું પ્રમાણ 74 ટકા આસપાસ રહેતા વહેલી સવારે અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે માર્ગ પર દૃશ્યતા ઘટી ગઈ હતી. વાહનચાલકોને ધીમે ગતિએ વાહન ચલાવવું પડ્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ફરી ઉત્તર તરફથી ઠંડી પવન શરૂ થવાની શક્યતા છે, જેના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં ફરી ઘટાડો જોવા મળી શકે છે. તેથી લોકોને હજુ થોડા દિવસો સુધી શિયાળાની તૈયારી સાથે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. Previous Post Next Post