પ્રિ-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત રાજકોટમાં ક્લસ્ટર રોજગાર ભરતી મેળાનો મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રાજ્ય સરકાર દ્વારા શુભારંભ થયો Jan 05, 2026 પ્રિ-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત રાજકોટમાં ક્લસ્ટર રોજગાર ભરતી મેળાનો મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. પી.ડી. માલવિયા કોલેજ ઓફ કોમર્સના કેમ્પસમાં યોજાયેલા આ ભરતી મેળાનું દિપ પ્રાગટ્ય કરીને મંત્રીશ્રીએ ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર યુવાનો અને મહિલાઓને રોજગારી મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યુવાનોના અભ્યાસ, રોજગાર અને સર્વાંગી વિકાસ માટે વ્યાપક તકોનું નિર્માણ કરી રહ્યા છે. આગામી સમયમાં રાજકોટમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સથી યુવાનો અને મહિલાઓને અનેક નવી રોજગાર તથા વિકાસની તકો પ્રાપ્ત થશે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી “ભારત @ 2047” અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ “ગુજરાત @ 2035”ના વિઝન સાથે વિકસિત ગુજરાત બનાવવા માટે કાર્યરત છે. આ વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર યુવાનો, મહિલાઓ, ખેડૂતો તેમજ અંતિમ પંક્તિના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. “નાગરિક પ્રથમ”ના અભિગમને અપનાવતી રાજ્ય સરકાર નાગરિકોને અનેક સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. આવનારા સમયમાં ઇન્ડસ્ટ્રીઝને જરૂરી સ્કીલ્ડ મેનપાવર પૂરો પાડવા સૌરાષ્ટ્ર-કચ્છના યુવાનોને આઈ.ટી.આઈ. માધ્યમથી તાલીમ આપીને સક્ષમ બનાવાશે. અનુબંધમ પોર્ટલ પર હાલમાં 3,000થી વધુ નોકરીદાતાઓ અને 26,000થી વધુ નોકરીવાંચ્છુઓ નોંધાયા હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું.આ પ્રસંગે ધારાસભ્યશ્રી દર્શિતાબેનએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અનુસાર ગુજરાતનો યુવાન “જોબ સીકર નહીં પરંતુ જોબ ગિવર” બને તે દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આગળ વધી રહ્યું છે. દેશમાં સૌથી વધુ યુવાનો ભારતમાં હોવાથી રોજગારી સર્જન માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આવનારી વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સથી રાજકોટમાં નવી રોજગાર તકો ઊભી થશે, જે યુવાનોના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે.ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું કે રોજગારી મેળવવાની સાથે સાથે આવડતના આધારે તેને ટકાવી રાખવી પણ એટલી જ જરૂરી છે. યુવાનોને પોતાની સ્કિલ સતત અપગ્રેડ કરતા રહેવી જોઈએ. વાયબ્રન્ટ ગુજરાત જેવી ઇવેન્ટ્સથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વધુ કંપનીઓ સ્થાપિત થશે અને ઘરઆંગણે રોજગાર મળશે. તેમણે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે પણ અનુરોધ કર્યો હતો. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગર, મદદનીશ નિયામક (રોજગાર) કચેરી-રાજકોટ, જિલ્લા રોજગાર વિનિમય કચેરી જામનગર, દેવભૂમિ દ્વારકા તથા પી.ડી. માલવિયા કોલેજના સંયુક્ત ઉપક્રમે આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ કંપનીઓની કામગીરી અંગે માહિતી મેળવી હતી.આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ઉત્પલ જોશી તથા જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. પી.ડી. માલવિયા કોલેજના પ્રિન્સિપાલ શ્રી કમલેશ જાનીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને સંસ્થાની માહિતી આપી હતી.ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં 60થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો અને અંદાજે 1100 પદો માટે 1000થી વધુ ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયું હતું. કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન ઘનશ્યામભાઈ હેરભા, ટ્રસ્ટીશ્રીઓ, રોજગાર અધિકારી ચેતના મારડિયા, રાજકોટ-જામનગર-દ્વારકા જિલ્લાના આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલશ્રીઓ, કંપની પ્રતિનિધિઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. Previous Post Next Post