કોટડાસાંગાણીમાં રૂ. 3.61 કરોડે બનેલી રેફરલ હોસ્પિટલ-સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે કાર્યક્રમ યોજાયો ભવ્ય

કોટડાસાંગાણીમાં રૂ. 3.61 કરોડે બનેલી રેફરલ હોસ્પિટલ-સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે કાર્યક્રમ યોજાયો ભવ્ય

કોટડાસાંગાણી ખાતે રૂ. 3.61 કરોડના ખર્ચે નિર્મિત નવનિર્મિત રેફરલ હોસ્પિટલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી તથા ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુસર રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ પ્રસંગે સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જન આરોગ્ય માટે સતત પ્રયાસશીલ છે. સરકારના સક્રિય પ્રયત્નોના પરિણામે આજ રોજ કોટડાસાંગાણી જેવા તાલુકા મથકે અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બની છે. દરેક તાલુકા મથકે સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ કરાવવાનો સરકારનો અભિગમ છે અને દર્દી નારાયણને સમયસર તથા યોગ્ય સારવાર મળે તેની જવાબદારી આરોગ્ય સ્ટાફની હોવાનું તેમણે જણાવ્યું.
 


સાંસદ શ્રી રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત અદ્યતન બની રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો હતો, જેના કારણે અકસ્માત, હાર્ટ એટેક જેવી અણધારી પરિસ્થિતિઓમાં અનેક લોકોના પ્રાણ બચ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિના પરિણામે આયુષ્માન ભારત યોજના જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના દેશવાસીઓને મળી છે, જેનાથી ગરીબ અને મધ્યવર્ગીય પરિવારોને મોટો લાભ મળી રહ્યો છે.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવીની ચિંતા કરીને તેમની સેવા માટે કોઈપણ પ્રકારની કચાશ રાખી નથી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે આરોગ્ય સહિત તમામ ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી છે. જ્યારે ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયાએ જાહેર જીવનમાં મહિલાઓની વધતી ભાગીદારી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો તથા વધુમાં વધુ લોકોને આયુષ્માન કાર્ડ કાઢવા અનુરોધ કર્યો હતો.

લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે રીબીન કટ કરીને તક્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવોએ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રેફરલ હોસ્પિટલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર, કોટડાસાંગાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અપગ્રેડ કરવામાં આવ્યું છે. રૂ. 3.61 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ આરોગ્ય કેન્દ્રમાં 30 પથારીની વ્યવસ્થા સાથે મેલ-ફીમેલ વોર્ડ, લેબોરેટરી, એક્સ-રે વિભાગ, ઓપરેશન થિયેટર, ઇમરજન્સી વિભાગ, લેબર રૂમ, સોનોગ્રાફી રૂમ, એ.એન.સી. રૂમ, ટી.બી. વિભાગ, ડ્રેસિંગ રૂમ તથા જનરલ ઓ.પી.ડી. જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત ‘જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ’ અંતર્ગત પ્રસૂતાને રહેવા, ભોજન તથા ઘરે જવાની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવશે.

કાર્યક્રમનો આરંભ દીપપ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ક્વોલિટી મેનેજિંગ ડિરેક્ટર શ્રી પી.કે. સિંઘે શાબ્દિક સ્વાગત કર્યું હતું, અગ્રણી શ્રી કિશોરસિંહ જાડેજાએ આભારવિધિ રજૂ કરી હતી તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી સુરેશભાઈ આંબલીયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી લીલાવંતીબેન ઠુંમર, માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી એન.ડી. જાડેજા, પૂર્વ ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા સહિત હોસ્પિટલનો સ્ટાફ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ