વિરાણી હાઈસ્કૂલના છાત્રોએ બનાવી 45 ફૂટ લાંબી અને 230 ચોરસ ફૂટની 'સ્ટેશનરી રાખડી'

વિરાણી હાઈસ્કૂલના છાત્રોએ બનાવી 45 ફૂટ લાંબી અને 230 ચોરસ ફૂટની 'સ્ટેશનરી રાખડી'

રાજકોટ,
 

બાદમાં સ્ટેશનરીની તમામ વસ્તુઓ ગરીબ વિધાર્થીઓને અર્પણ કરાશે

રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાજકોટની પ્રખ્યાત વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખો અને પ્રેરણાદાયી અભિગમ અપનાવવામાં આવ્યો છે. અહીંના વિદ્યાર્થીઓએ પરંપરાગત રાખડીઓની સાથે જરૂરિયાતમંદોને ઉપયોગી થઈ શકે તેવા ઉમદા હેતુસર કલાત્મક અને વિશાળ કદની 'સ્ટેશનરી રાખડી' તૈયાર કરી છે. આ વિશેષ પહેલથી માત્ર તહેવારની ઉજવણીમાં નવો રંગ પૂર્યો છે પરંતુ સમાજસેવાનો સંદેશ પણ વહેતો કર્યો છે.

​​આ અનોખી રાખડીનું કદ અને બનાવટ સૌનું ધ્યાન ખેંચી રહી છે. વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભારે જહેમત અને ઉત્સાહ સાથે મળીને આશરે 45 ફૂટ લંબાઈ અને 230 સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આકર્ષક સ્ટેશનરી રાખડી તૈયાર કરી છે. આ રાખડીમાં નોટબુક, પેન, પેન્સિલ, કંપાસ અને અન્ય શૈક્ષણિક સામગ્રીઓનો સુંદર રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓની કલાત્મક સૂઝબૂઝ અને અદ્ભુત રચનાત્મકતા દર્શાવે છે.


​રાખડીની આ સજાવટમાં વપરાયેલી સ્ટેશનરી પાછળથી ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉપયોગમાં લઈ શકાય તે માટે દાન કરવામાં આવશે. આ પ્રકારે રક્ષાબંધનની ઉજવણી કરીને વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સમાજમાં માનવતા, પરોપકાર અને શિક્ષણના પ્રસારનો ઉત્તમ સંદેશ આપ્યો છે, જે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.