સુભાષ ફાઉન્ડેશન જુનાગઢ દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ.41 લાખનું અનુદાન, કેપ્ટન યોગેંદ્ર યાદવ ઉપસ્થિત Jan 01, 2026 દેશની સુરક્ષા માટે સરહદ પર અડીખમ ઊભા રહેનારા વીર જવાનો અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે સમાજ દ્વારા મળતો સહયોગ સાચા અર્થમાં રાષ્ટ્રસેવાનો ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. આવા જ એક પ્રેરણાદાયક કાર્ય હેઠળ જુનાગઢ સ્થિત સુભાષ ફાઉન્ડેશન દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂપિયા 41.00 લાખનું માતબર અનુદાન આપવામાં આવ્યું છે.દેશના જવાનો ઘર-પરિવારની ચિંતા કર્યા વિના માતૃભૂમિની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. અનેક સૈનિકો શહાદત વહોરે છે, તો કેટલાંક યુદ્ધ, આતંકવાદી હુમલા કે ફરજ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થાય છે. આવા સમયે તેમના પરિવારજનોના કલ્યાણ માટે સહાય કરવી દરેક નાગરિકની નૈતિક ફરજ બને છે. આ ભાવનાને કેન્દ્રમાં રાખીને દર વર્ષે 7 ડિસેમ્બરને ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન’ તરીકે ઉજવવામાં આવે છે.રાજકોટ જિલ્લાના કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ દ્વારા તાજેતરમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ માટે ઉદાર દાન આપવા અપીલ કરવામાં આવી હતી, જેને ઝીલી લઈને રાજકોટ શહેર અને જિલ્લામાં નાગરિકો ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ આગળ આવી રહી છે. આ જ અનુક્રમમાં જુનાગઢની સુભાષ ફાઉન્ડેશને સમાજ માટે ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે.વર્ષ 1976 માં સ્થાપિત સુભાષ ફાઉન્ડેશનના 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં તા. 25 ડિસેમ્બર, 2025 ના રોજ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફાઉન્ડેશનના ચેરમેન શ્રી જવાહર ચાવડા અને શ્રી રાજભાઈ ચાવડા દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂપિયા 41.00 લાખનું અનુદાન ચેક સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની વિશેષતા તરીકે દેશના એકમાત્ર હયાત પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન યોગેંદ્ર યાદવની ઉપસ્થિતિ રહી હતી. તેમણે સૈનિકોની વીરતા, શૌર્ય અને દેશપ્રેમના પ્રસંગો વર્ણવી ઉપસ્થિત સૌને ભાવવિભોર કર્યા હતા. કાર્યક્રમમાં એન.સી.સી. ગ્રુપ હેડક્વાર્ટર રાજકોટના બ્રિગેડીયર બિશ્વાસ, બ્રિગેડીયર રાયજાદા તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારી શ્રી પવન કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.આ અનુદાનમાંથી શહીદ સૈનિકોના ધર્મપત્નીઓને માસિક આર્થિક સહાય, યુદ્ધ કે ફરજ દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકોને સહાય, સૈનિકોની પુત્રીઓના લગ્ન પ્રસંગે દીકરી લગ્ન સહાય, સૈનિકોના અવસાન સમયે મરણોત્તર સહાય તેમજ સૈનિકો અને સ્વ. સૈનિકોના સંતાનોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે તેમ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી શ્રી પવન કુમારે જણાવ્યું હતું.તેમણે ઉમેર્યું હતું કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 50 લાખથી વધુનું દાન પ્રાપ્ત થયું છે અને હજુ પણ વધુ લોકો ઉદાર હાથે ફાળો આપે તેવી અપીલ કરી હતી, જેથી રાજ્યમાં સૈનિક કલ્યાણની પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવી શકાય.સુભાષ ફાઉન્ડેશન દ્વારા કરાયેલું આ અનુદાન માત્ર આર્થિક સહાય પૂરતું નથી, પરંતુ સમાજમાં દેશભક્તિ, કૃતજ્ઞતા અને જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવતું પ્રેરણાદાયક કાર્ય બની રહ્યું છે. Previous Post Next Post