SIR દરમિયાન BLOના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટની ગંભીર ચિંતા, રાજ્ય સરકારે વધારાનો સ્ટાફ તૈનાત કરવા ફરજિયાત Dec 04, 2025 સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર વધતા કામના બોજ અને આ દરમ્યાન થયેલા મોતના કેસોને લઈને સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચૂંટણી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવનારા BLOના કામકાજ અને તેમની પરના દબાણ અંગે અનેક ફરિયાદો અને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે કડક વલણ અપનાવી રાજ્ય સરકારોને સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી અને જણાવ્યું કે અદાલત આ મુદ્દે શિયાળાની રજાઓ પહેલાં અંતિમ નિર્ણય આપવા ઈચ્છે છે, કારણ કે આ સીધી રીતે કર્મચારીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો મુદ્દો છે.સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલો દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓએ અદાલતને પણ ઝંઝોળી નાખ્યા હતા. અદાલત સામે દલીલ કરવામાં આવ્યું કે SIR દરમિયાન 35-40 BLOના મોત થયા છે, અને BLO પર લક્ષ્ય સમયસર પૂરું ન કરવા બદલ નોટિસ, ધમકીઓ અને કેસ કરવાની ચેતવણીઓ આપવામાં આવી રહી છે. BLOમાં મોટા પ્રમાણમાં શિક્ષકો, આંગણવાડી કાર્યકર્તાઓ અને અન્ય સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમને દિવસ દરમિયાન તેમની મૂળ નોકરી પણ સંભાળવી પડે છે અને ત્યારબાદ સાંજે SIRનું ભારે કામકાજ કરવું પડે છે. ઘણા વિસ્તારોમાં નેટવર્ક નબળું હોવાથી BLOને રાત્રિના છેલ્લા વહેલાં સુધી દસ્તાવેજ અપલોડ કરવા માટે જાગવું પડે છે, કેટલીક વાર તો રાત્રે 2 થી 3 વાગ્યા સુધી કામ કરવું પડતું હોવાનું અરજદારોએ અદાલતને જણાવાયું.સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે ચૂંટણી પંચની દલીલ પર સવાલ ઉઠાવ્યો હતો. ચૂંટણી પંચ તરફથી દલીલ કરવામાં આવી કે BLOને એક બૂથમાં 1200 ફોર્મ 30 દિવસમાં ભરી દેવાના હોય છે, જે વધારાનો બોજ નથી. આ પર CJIએ પ્રતિપ્રશ્ન કર્યો — “દિવસના 10 ફોર્મ પણ શું બોજ ગણાય?” પરંતુ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે વાસ્તવિક સ્થિતિ અલગ છે. ઘણા BLOને રોજના 40 ફોર્મ ભરવા પડતા હોય છે, અને બહુમાળી ઇમારતો, દૂરદૂરના વિસ્તારોમાં જઈને દરેક ઘરની માહિતી એકત્ર કરવી એ અત્યંત કઠિન અને સમયખાઉ પ્રક્રિયા છે. લોકસભા–વિધાનસભાની ચૂંટણીમાં ખામી ન રહે તે માટે BLOનું કાર્ય અતિ મહત્વનું હોવાથી એમનું શોષણ ન થવું જોઈએ — એવી દલીલ અદાલતમાં કરવામાં આવી.કેટલાક કિસ્સામાં BLO પર એટલો દબાણ કરવામાં આવ્યો છે કે તેઓ માનસિક રીતે તૂટી પડ્યા છે. સુનાવણી દરમિયાન એક હ્રદયસ્પર્શી ઉદાહરણ રજૂ થયું જેમાં એક BLOને લગ્ન માટે રજા ન મળતા તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવાયું હતું. ઉપરાંત યુપીમાં 50 જેટલા FIR BLO પર નોંધાવાઈ હોવાની જાણકારી પણ અદાલત સમક્ષ આવી, જેને લઇને કોર્ટ ચિંતિત થઇ હતી.આ તમામ પરિસ્થિતિને ધ્યાને લઇને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને તાત્કાલિક વધારાનો સ્ટાફ તૈનાત કરવા માટે વચગાળાના નિર્દેશો કર્યા છે જેથી BLO પરનો કામનો દબાણ ઓછો થાય. અદાલત સ્પષ્ટપણે કહ્યું કે જો કોઈ BLO વ્યક્તિગત પરિસ્થિતિઓ, સ્વાસ્થ્ય, ગર્ભાવસ્થા અથવા પરિવારિક કારણોસર SIRનું કામકાજ કરી ન શકે તો તેમની અરજી કેસ-ટુ-કેસ આધારે સ્વીકારવી જોઈએ. BLOના મોતના કિસ્સામાં તેમના પરિવારજનોએ વળતર માટે વ્યક્તિગત અરજી કરી શકે તે બાબતને પણ કોર્ટએ માન્યતા આપી.કોર્ટએ વધુમાં કહ્યું કે ચૂંટણી પંચ પાસે રાજ્ય પોલીસ પર સદ્દાન્તર નિયંત્રણ નથી, પરંતુ રાજ્ય સરકારો પાસે પૂરતા માનવીય સંસાધન ઉપલબ્ધ છે. તેથી વધારાના લોકોને તાત્કાલિક કામે લગાડવાની ફરજ રાજ્ય સરકારોની છે. ચૂંટણી સુધારણા જેવી અભિયાનાત્મક પ્રક્રિયામાં BLO પર અસંગત દબાણ ન આવે તે રાજ્યોએ સુનિશ્ચિત કરવું પડશે.કપિલ સિબ્બલે આ મુદ્દે સવાલ કર્યો કે જ્યારે ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણી 2027માં છે, ત્યારે માત્ર બે મહિનામાં SIR પૂર્ણ કરવાની આટલી ઉતાવળ રાજ્યો અને BLO પર અતિરીક્ત દબાણ ઊભું કરે છે. જોકે ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ ન થાય તે અનિવાર્ય છે અને તેથી નોટિસ મોકલવાની પ્રક્રિયા જરૂરી બની છે.કોર્ટની આ સુનાવણી અને નિવેદનો દર્શાવે છે કે SIR જેવી પ્રક્રિયામાં BLOની ભૂમિકા કેટલી અગત્યની છે અને તેમના જીવન તથા કાર્ય પરિસ્થિતિઓ પ્રત્યે ગંભીર ધ્યાન આપવાની સમયની જરૂર છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી સુધારણા દેશના લોકતંત્ર માટે મહત્વપૂર્ણ છે, પરંતુ તેમાં સંકળાયેલા કર્મચારીઓનું શોષણ કે અવગણના કદી પણ માન્ય નથી. Previous Post Next Post