અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરના પોતાના આદેશ પર સ્ટે મૂક્યો, તમામ ભલામણો અને ટિપ્પણીઓ રદ Dec 29, 2025 અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલા મહત્વના પર્યાવરણીય વિવાદમાં સુપ્રીમ કોર્ટે મોટો અને ચોંકાવનારો વળાંક આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે પોતાના જ 20 નવેમ્બરના અગાઉના આદેશ પર હાલ પૂરતી રોક લગાવી છે અને તે આદેશ સાથે જોડાયેલી તમામ ભલામણો તેમજ ટિપ્પણીઓને સ્થગિત કરી દીધી છે. આ નિર્ણય સાથે જ અરવલ્લી બચાવો આંદોલન સાથે જોડાયેલા પર્યાવરણપ્રેમીઓ માટે મોટી રાહત મળી છે.સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સહિત તમામ સંબંધિત રાજ્ય સરકારોને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે વિશેષજ્ઞ સમિતિ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટ અને તેના આધારે કોર્ટે કરેલી ટિપ્પણીઓનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં કોઈ પણ ભલામણને તરત અમલમાં મૂકવી યોગ્ય નથી.ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું કે અરવલ્લી જેવા અતિ સંવેદનશીલ પર્યાવરણીય વિસ્તારમાં કોઈપણ નિર્ણય લેવાતા પહેલા નિષ્પક્ષ, સ્વતંત્ર અને વિસ્તૃત મૂલ્યાંકન જરૂરી છે. તેથી આગામી આદેશ સુધી સમિતિની કોઈ પણ ભલામણ લાગુ નહીં થાય. સમગ્ર મામલે હવે આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ યોજાશે.ઉલ્લેખનીય છે કે આ વિવાદની શરૂઆત 20 નવેમ્બરના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ થઈ હતી, જેમાં અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા સ્વીકારી લેવામાં આવી હતી. આ વ્યાખ્યા અનુસાર 100 મીટર અથવા તેથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડોને જ અરવલ્લી ગિરિમાળા માનવામાં આવશે. આ નિર્ણય બાદ દેશભરમાં, ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. પર્યાવરણપ્રેમીઓ અને સામાજિક કાર્યકર્તાઓએ આશંકા વ્યક્ત કરી હતી કે આ વ્યાખ્યા બદલાવથી અરવલ્લીના મોટા વિસ્તારને ‘બિન-અરવલ્લી’ ગણાવીને ખાણકામ માટે ખુલ્લો મૂકવામાં આવશે.આજના આદેશ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેસને વધુ સ્પષ્ટ બનાવવા માટે કુલ પાંચ મહત્વપૂર્ણ સવાલો ઊભા કર્યા છે. કોર્ટએ પૂછ્યું છે કે શું અરવલ્લીની મર્યાદાને માત્ર 500 મીટરના વિસ્તાર સુધી સીમિત રાખવાથી સંરક્ષણનો વ્યાપ ઘટી રહ્યો છે? શું વ્યાખ્યામાં ફેરફાર થવાથી બિન-અરવલ્લી વિસ્તારોનો વિસ્તાર વધ્યો છે અને આવા વિસ્તારોમાં નિયંત્રિત ખાણકામને મંજૂરી આપવી યોગ્ય છે? ઉપરાંત, બે અરવલ્લી ક્ષેત્રો વચ્ચે જો ખાલી જગ્યા હોય તો ત્યાં ખાણકામને છૂટ આપવી જોઈએ કે નહીં, તે બાબત પર પણ કોર્ટએ સ્પષ્ટતા માગી છે.કોર્ટએ પર્યાવરણીય દૃષ્ટિએ સૌથી મહત્વના મુદ્દા તરીકે અરવલ્લીની ‘ઇકોલોજિકલ કન્ટિન્યુટી’ પર ભાર મૂક્યો છે. કોર્ટનું માનવું છે કે પર્વતમાળાની પર્યાવરણીય નિરંતરતા જળવાઈ રહે તે માટે કોઈપણ પ્રકારના અવરોધને ગંભીરતાથી જોવાની જરૂર છે. સાથે જ, જો હાલના કાયદા કે નિયમોમાં ખામીઓ હોય તો અરવલ્લી પર્વતમાળાને સુરક્ષિત રાખવા માટે ફરી એકવાર વિગતવાર સર્વેક્ષણ કરવાની જરૂરિયાત પણ કોર્ટએ વ્યક્ત કરી છે.વિશ્વાસુ સ્ત્રોતોના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારની પર્યાવરણ સમિતિની ભલામણ બાદ ખાણકામ માફિયાઓને ફાયદો થઈ શકે તેવી ચિંતા લોકોએ વ્યક્ત કરી હતી. ભારે વિરોધ વધતા જોઈ કેન્દ્ર સરકારે 24 ડિસેમ્બરે નવો આદેશ જાહેર કરીને સ્પષ્ટ કર્યું હતું કે અરવલ્લી વિસ્તારમાં નવા ખાણકામને મંજૂરી આપવામાં આવશે નહીં.સુપ્રીમ કોર્ટના આજના આદેશથી સ્પષ્ટ થાય છે કે અરવલ્લી પર્વતમાળાનું ભવિષ્ય હજુ અંતિમ રીતે નક્કી થયું નથી. કોર્ટ સમગ્ર મુદ્દાને પર્યાવરણ, વિકાસ અને કાયદાકીય સંતુલન સાથે જોવાનું ઇચ્છે છે. આગામી સુનાવણીમાં લેવાતા નિર્ણયો અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે મહત્વના સાબિત થશે. Previous Post Next Post