રાજકોટમાં સ્વામિત્વ યોજના: 573 ગામોમાં ડ્રોન સર્વે 100% પૂર્ણ, 56,882 પ્રોપર્ટી કાર્ડ તૈયાર

રાજકોટમાં સ્વામિત્વ યોજના: 573 ગામોમાં ડ્રોન સર્વે 100% પૂર્ણ, 56,882 પ્રોપર્ટી કાર્ડ તૈયાર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ટેક્નોલોજીના અસરકારક ઉપયોગ દ્વારા શાસન વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને જનહિતલક્ષી બનાવવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે. આવી જ એક મહત્ત્વાકાંક્ષી અને ક્રાંતિકારી યોજના એટલે ‘સ્વામિત્વ’ યોજના. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુશાસનમાં આ યોજનાનો વ્યાપક અને અસરકારક અમલ થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લો આ યોજનાના અમલમાં રાજ્યભરમાં અગ્રેસર બનીને ઊભરી આવ્યો છે.

‘અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’ની ભાવનાને સાકાર કરતી સ્વામિત્વ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના તમામ 11 તાલુકાઓના કુલ 573 ગામોમાં ડ્રોન સર્વેની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટ, પડધરી, લોધિકા, જસદણ, વિંછીયા, જામકંડોરણા, ધોરાજી, ગોંડલ, કોટડાસાંગાણી, જેતપુર અને ઉપલેટા તાલુકાઓમાં આ કામગીરી પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત અધિકારની દિશામાં ઐતિહાસિક પગલું ભરાયું છે. જિલ્લા નિરીક્ષક, જમીન દફતર કચેરી, રાજકોટના શ્રી નૈમેષ પટેલના જણાવ્યા અનુસાર, સર્વે ઓફ ઈન્ડિયા તરફથી અત્યાર સુધીમાં 514 ગામોના નકશા પ્રાપ્ત થયા છે, જેમાંથી ૫૦૬ ગામોમાં ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.

ડ્રોન સર્વે બાદ નિયમિત પ્રક્રિયાઓ પૂર્ણ કરીને જિલ્લામાં કુલ 500 ગામોમાં પ્રમોલગેશનની કાર્યવાહી સંપન્ન કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં ગ્રામજનોને કાયદેસર રીતે તેમની મિલકત અંગે સ્પષ્ટતા અને અધિકાર મળ્યો છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 56,882પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ 10,129 પ્રોપર્ટી કાર્ડ રાજકોટ તાલુકામાં તૈયાર થયા છે, જ્યારે ઉપલેટા તાલુકામાં 7,142 પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે જિલ્લામાં સ્વામિત્વ યોજનાનો વ્યાપ અને અસર બંને નોંધપાત્ર છે.

સ્વામિત્વ યોજના દ્વારા ગ્રામ્ય નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ રૂપે તેમની રહેણાંક મિલકતના કાયદેસર અધિકાર મળે છે. આ કાર્ડના આધારે હવે ગ્રામજનો બેન્કમાંથી લોન લઈ શકે છે, વ્યવસાય શરૂ કરી શકે છે તેમજ અન્ય કાયદેસર કામગીરી સરળતાથી કરી શકે છે. અગાઉ ગ્રામ્ય વિસ્તારોમાં મિલકતના સ્પષ્ટ દસ્તાવેજોના અભાવે અનેક વિવાદો અને મુશ્કેલીઓ ઊભી થતી હતી, જે સ્વામિત્વ યોજનાના અમલથી હવે નોંધપાત્ર રીતે ઘટશે.

ઉલ્લેખનીય છે કે ‘સ્વામિત્વ’ (SVAMITVA) એટલે Survey of Villages Abadi and Mapping with Improvised Technology in Village Areas. આ કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજના છે, જેમાં આધુનિક ડ્રોન ટેક્નોલોજી દ્વારા ગામડાની આબાદી વિસ્તારમાં આવેલી મિલકતોનું સચોટ સર્વેક્ષણ કરવામાં આવે છે. આ સર્વેના આધારે દરેક ગામ માટે GIS આધારિત નકશા તૈયાર થાય છે, જે ભવિષ્યના ગ્રામ્ય આયોજન માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ નકશાઓના ઉપયોગથી જમીન રેકોર્ડ વધુ સચોટ બનશે, મિલકત વેરો નક્કી કરવામાં સરળતા રહેશે અને અન્ય સરકારી વિભાગો પણ આ માહિતીનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે કરી શકશે.

સ્વામિત્વ યોજના દ્વારા ગામડામાં મિલકત સંબંધિત વિવાદો અને કાનૂની કેસોમાં ઘટાડો થશે, જેના કારણે સમય અને ખર્ચ બંનેની બચત થશે. ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં પણ આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

આ યોજનાને વધુ જનહિતલક્ષી બનાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જમીન મહેસૂલ અધિનિયમ, 1879ની જોગવાઈ મુજબ અગાઉ મિલકત ધારકો પાસેથી રૂ.200ની સર્વે ફી લઈને આપવામાં આવતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામે હવે રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડની નકલ સાથે તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી સનદ પણ વિના મૂલ્યે મળી રહી છે.

સ્વામિત્વ યોજના આજે માત્ર એક સર્વે પ્રોજેક્ટ નથી, પરંતુ ગ્રામ્ય નાગરિકોને સશક્ત બનાવતું એક મજબૂત સાધન બની છે. રાજકોટ જિલ્લામાં આ યોજનાનો સફળ અમલ ‘અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’ની વિચારધારાને સાકાર કરતો જીવંત દાખલો છે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ