ભવનાથ મેળામાં જવાબદારીથી બચવા તંત્રનો તઘલખી અભિગમ: દબાણ હટાવવાને બદલે ભાવિકોને દૂર રાખવાનો પ્રયાસ

ભવનાથ મેળામાં જવાબદારીથી બચવા તંત્રનો તઘલખી અભિગમ: દબાણ હટાવવાને બદલે ભાવિકોને દૂર રાખવાનો પ્રયાસ

ભવનાથ મહાદેવના પવિત્ર શિવરાત્રી મેળાને લઈને ફરી એકવાર તંત્રના નિર્ણયોને લઈ ભારે વિવાદ ઊભો થયો છે. મેળામાં જગ્યા ટુંકી પડતી હોવા છતાં વર્ષોથી ચાલતા દબાણોને દૂર કરવાની જવાબદારીથી બચવા માટે તંત્ર સરમુખત્યાર જેવા નિર્ણય લઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ભાવિકો, સંતો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તંત્રના આ નિર્ણયોથી મેળાનો પરંપરાગત માહોલ બગડતો હોવાની સાથે ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે.

ભવનાથ વિસ્તારમાં મેળા માટે કુલ 57 એકર જમીન રિઝર્વ જાહેર કરવામાં આવી હતી. જોકે સમય જતા આ જમીનમાં સતત ઘટાડો થયો છે. અગાઉ તંત્ર દ્વારા કરાવવામાં આવેલી માપણીમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે 57 એકરમાંથી અંદાજે 29 એકર જમીન પર દબાણ છે. આ દબાણમાં રસ્તા, આશ્રમ, હોટલ, ધર્મશાળા, મકાન તેમજ રહેણાંક અને ધંધાકીય બાંધકામોનો સમાવેશ થાય છે. હાલ પરિસ્થિતિ એવી છે કે અંદાજે માત્ર 50,000 ચોરસ મીટર જમીન જ ખુલ્લી રહી છે, જે ભવનાથ જેવા વિશાળ મેળા માટે સ્પષ્ટ રીતે અપૂરતી છે.

આ દબાણ દૂર કરાવવાની જવાબદારી તંત્રની હોવા છતાં, અધિકારીઓ તે દિશામાં પગલાં ભરવાને બદલે નવા અને વિવાદાસ્પદ નિર્ણય લઈ રહ્યા છે. ચર્ચા છે કે અધિકારીઓને ડર છે કે જો ઓછી જગ્યામાં મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર થશે અને કોઈ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી તેમની ઉપર આવશે. આ જવાબદારીથી છટકવા માટે તંત્ર એવો પ્રયાસ કરી રહ્યું છે કે મેળામાં જ ઓછી સંખ્યામાં લોકો આવે અને મેળાનો વિસ્તાર તેની મૂળ સ્થિતિને બદલે લાંબો કરી દેવાય, જેથી ભીડ વિખેરાઈ જાય અને અધિકારીઓ ‘સલામત’ બની જાય.

આ વર્ષે તો પહેલીવાર મેળા વિસ્તારમાં વાહન પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણયથી વડીલો, બાળકો, બીમાર લોકો અને દૂરથી આવનારા ભાવિકોને ભારે મુશ્કેલીમાં મુકાવું પડશે. વર્ષોથી લાખોની સંખ્યામાં યાત્રિકો ભવનાથ મેળામાં દર્શન માટે આવે છે, પરંતુ આ પ્રકારના પ્રતિબંધોથી ઘણા ભાવિકો મેળાથી અલિપ્ત રહેવા મજબૂર બનશે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.

ભાવિકો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકોનું કહેવું છે કે જો તંત્રમાં નૈતિકતા અને હિંમત હોય તો આવા તઘલખી નિર્ણય લેવાને બદલે દબાણ દૂર કરાવવાની કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ જ્યાં દબાણ હટાવવાની વાત આવે છે ત્યાં તંત્રની હિંમત કામ કરતી નથી, અને તેની સજા સીધી રીતે નિર્દોષ ભાવિકોને ભોગવવી પડી રહી છે. લોકો આ વલણને સરમુખત્યારશાહી સમાન ગણાવી રહ્યા છે અને જબરદસ્તીથી નિર્ણય અમલમાં મૂકવાના પ્રયાસો સામે ભારોભાર રોષ વ્યક્ત કરી રહ્યા છે.

મેળા સાથે સંકળાયેલા લોકોએ વધુમાં જણાવ્યું કે દર વર્ષે મેળા સમયે જો કોઈ ખામી કે ત્રુટી અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવે તો તે વ્યક્તિને ‘વિરોધી’ તરીકે ચિતરવામાં આવે છે. સાચી વાત કરનારને પણ શંકાની નજરે જોવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવી છે.

વાહન પ્રતિબંધના નિર્ણય મુદ્દે સાધુ-સંતોમાં પણ અંદરખાને અસંતોષ છે. અમુક સાધુ-સંતોને બાદ કરતાં મોટાભાગના સંતો આ નિર્ણયથી નારાજ હોવાનું નામ ન આપવાની શરતે જણાવ્યું છે. સંતોનું કહેવું છે કે જો તંત્ર કે સરકાર સામે સાચી વાત રજૂ કરવામાં આવે તો તેને વિરોધ માનવામાં આવે છે. આ કારણે ઘણા સંતો અવાજ ઉઠાવવા માંગતા હોવા છતાં મૌન રાખવા મજબૂર બન્યા છે.
 


આ નિર્ણયથી આશ્રમોના સેવકો અને અન્નક્ષેત્ર સાથે જોડાયેલા સેવાભાવી લોકો માટે પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે. મેળા દરમિયાન આ સેવાભાવી લોકો કેવી રીતે આવશે અને સેવા કરશે તે અંગે સ્પષ્ટતા નથી. શિવરાત્રીના મેળા માટે એકાદ-બે દિવસ આવનાર સંતોના સેવકો પણ હવે ગૂંચવણમાં મુકાયા છે.

એકંદરે, ભવનાથ મેળાને લઈને તંત્રનો અભિગમ જવાબદારીથી બચવાનો અને ભાવિકોને અડચણમાં મુકવાનો હોવાનું લોકો અનુભવી રહ્યા છે. જો સમયસર દબાણ હટાવવાની દિશામાં ગંભીર પગલાં નહીં લેવાય, તો ભવનાથ જેવા પવિત્ર મેળાની પરંપરા અને ભાવિકોની આસ્થાને મોટો આઘાત પહોંચે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.

You may also like

ઓસ્કર 2026ના રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો જાદુ, નિક જોનાસના હાથમાં બાંધેલા રક્ષાસૂત્રએ ખેંચ્યું સૌનું ધ્યાન

ઓસ્કર 2026ના રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો જાદુ, નિક જોનાસના હાથમાં બાંધેલા રક્ષાસૂત્રએ ખેંચ્યું સૌનું ધ્યાન

રાજકોટ AIIMS ઇન્ટર્ન ડૉક્ટર આપઘાત કેસ: જેલમાંથી પોલીસ જાપ્તામાં 5 આરોપી વિદ્યાર્થીઓએ MBBS પરીક્ષા આપી

રાજકોટ AIIMS ઇન્ટર્ન ડૉક્ટર આપઘાત કેસ: જેલમાંથી પોલીસ જાપ્તામાં 5 આરોપી વિદ્યાર્થીઓએ MBBS પરીક્ષા આપી

રાજકોટમાં જૂના મનદુઃખે યુવકની હત્યા: 6 શખ્સોનો હુમલો, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર

રાજકોટમાં જૂના મનદુઃખે યુવકની હત્યા: 6 શખ્સોનો હુમલો, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર

યુદ્ધના તણાવ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી ₹4300 તૂટી અને સોનું ₹1,56,655 પર

યુદ્ધના તણાવ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી ₹4300 તૂટી અને સોનું ₹1,56,655 પર