MH370નું રહસ્ય ખુલશે! 10 વર્ષ અગાઉ 239 મુસાફરો સાથે ગાયબ થયેલા વિમાનની ફરી શોધખોળ Dec 05, 2025 મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ MH370 માનવ ઈતિહાસની સૌથી રહસ્યમય ઉડ્ડયન દુર્ઘટનાઓમાંની એક છે. 8 માર્ચ, 2014ના રોજ કુઆલાલમ્પુરથી બેઇજિંગ જવા માટે 239 પ્રવાસીઓ અને ક્રૂ સભ્યો સાથે ઉડાન ભરીને થોડા જ કલાકોમાં આ વિશાળ બોઇંગ 777-200ER વિમાન રડાર પરથી અચાનક ગાયબ થઈ ગયું હતું. આજ સુધી વિમાનનો મોટો ભાગ કે બ્લેક બોક્સ મળી શક્યા નથી, જેના કારણે આ ઘટના દુનિયાભરના વૈજ્ઞાનિકો, એવિએશન નિષ્ણાતો અને સરકારોને હેરાન કરી રહી છે. હવે, એક દસકા બાદ MH370નું રહસ્ય ઉકેલવાની આશા ફરી જાગી છે. મલેશિયા સરકારે વિમાનને શોધવા માટે નવા અભિયાનની જાહેરાત કરી છે, જે ફરી એક વાર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે.અમેરિકાની જાણીતિ મરીન રોબોટિક્સ કંપની ‘ઓશન ઇન્ફિનિટી’ આ અભિયાન હાથ ધરશે. ખાસ વાત એ છે કે મલેશિયન સરકારે આ શોધખોળ માટે ‘નો-ફાઇન્ડ, નો-ફી’ નામની શરત સાથે કરાર કર્યો છે — અર્થાત્, જો કંપનીને વિમાનના મહત્ત્વના અવશેષ, ફ્યુઝલાજ અથવા બ્લેક બોક્સ નહીં મળે, તો તેમને કોઈ ચૂકવણી નહીં કરવામાં આવે. જો કોઈ મહત્વપૂર્ણ પુરાવા કે અવશેષ મળી આવશે, તો કંપનીને અંદાજે 580 કરોડ રૂપિયાની રકમ ચૂકવાશે. 2024માં સાઇન થેલો આ કરાર હવે આખરે કામગીરીના તબક્કે આવી રહ્યો છે.ખાસ વાત એ છે કે ઓશન ઇન્ફિનિટી પહેલાથી પણ 2018માં MH370ની શોધ કરી ચૂકી છે, પરંતુ ત્યારે કોઈ સફળતા મળી નહોતી. પરંતુ છેલ્લા છ વર્ષમાં કંપનીએ પોતાની ટેક્નોલોજી, ખાસ કરીને સોનાર મેપિંગ સિસ્ટમ, ઓટોનોમસ અંડરવોટર વાહનો અને ઊંડા મહાસાગરમાં સ્કેન કરવાની ક્ષમતામાં વિશાળ સુધારો કર્યો છે. કંપની અને મલેશિયન નિષ્ણાતોનું માનવું છે કે આ વખતનું અભિયાન પહેલાં કરતાં વધુ ચોક્કસ તથ્યો અને નવા વિશ્લેષણના આધારે આગળ વધશે. અગાઉ મળેલા સેટેલાઇટ ડેટા, સમુદ્રી પ્રવાહો અને વિમાનના શક્ય માર્ગનો પુનઃ અભ્યાસ કરીને એક ‘હાઈ પ્રોબેબિલિટી ઝોન’ નક્કી કરવામાં આવ્યું છે.ખરાબ હવામાનને કારણે વર્ષ 2025ની શરૂઆતમાં હાથ ધરાયેલી શોધખોળ મુલતવી રાખવી પડી હતી, પરંતુ હવે 30 ડિસેમ્બર, 2025થી શરૂ કરીને લગભગ 55 દિવસનું વિશાળ અભિયાન ફરી શરૂ થવાનું છે. શોધખોળ હિંદ મહાસાગરના સૌથી સંભાવિત વિસ્તારોમાં કરવામાં આવશે, જ્યાં વર્ષો પહેલાં વિમાન પડ્યું હોવાની શંકા બળવત્તર છે.યદ્દપિ MH370ને શોધવા માટેની પહેલાના સર્વેક્ષણો નિષ્ફળ રહ્યા હતા, પરંતુ વર્ષો દરમિયાન આફ્રિકાની કિનારે, ખાસ કરીને મેડાગાસ્કર, મોઝામ્બિક અને તાન્ઝાનિયા પાસે સમુદ્રમાં વિમાનના કેટલાક નાના ભાગ, જેમ કે 'ફ્લેપરોન', મળી આવ્યા હતા. આ અવશેષોએ એક વાત સ્પષ્ટ કરી હતી — વિમાન મહાસાગરમાં જ ક્રેશ થયું હતું. પરંતુ શું માટે અને કેવી રીતે? એ પ્રશ્ન આજે પણ અનઉકેલ છે.MH370 સંબંધિત અનેક સંભાવનાઓ વર્ષોથી ચર્ચામાં છે. સૌથી લોકપ્રિય થિયરી એ છે કે વિમાનને કોઈ તાલીમયુક્ત વ્યક્તિ, શક્યતઃ પાયલટએ ઈરાદાપૂર્વક માર્ગથી દૂર લઈ જઈને ક્રેશ કરાવ્યું હોય. રડાર રેકોર્ડ અને ફ્લાઇટના અંતિમ વળાંકો આ શંકાને મજબૂત કરે છે. બીજી શક્યતા એવી છે કે વિમાનમાં ટેક્નિકલ ફેલ્યર, કેબિન પ્રેશર ઓછું થવું કે વાયરિંગમાં આગ લાગવાની ઘટના બની હોય. કેટલાંક નિષ્ણાતો કાર્ગોના ભાગમાં રહેલી લિથિયમ બેટરીઓને પણ જવાબદાર માને છે. હાઇજેકિંગની શક્યતા પણ અનેક વખત ચર્ચાઈ છે, જોકે એની પુષ્ટિ કરતી કોઈ સાબિતી મળી નથી. કેટલાક લોકો તો આ ઘટનાને અનિચ્છિત સૈન્ય કાર્યવાહી અથવા મિસાઇલ હુમલા સાથે પણ જોડે છે, પરંતુ આવા દાવાઓને આધાર આપતા કોઈ પુરાવા ક્યારેય જાહેર થયા નથી.દુનિયાભરમાં થયેલી ડૉક્યુમેન્ટરીઝ, ફિલ્મો, પુસ્તકો અને વેબશ્રેણીઓ આ રહસ્યને વધુ ગૂઢ બનાવે છે. નેટફ્લિક્સની 'MH370: The Plane That Disappeared' જેવી સિરીઝોએ પણ લોકોમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. પરંતુ આ તમામ નાટકિય રજૂઆતોની વચ્ચે સૌથી વધુ પીડા તો એ 239 પરિવારોએ સહન કરી છે, જેઓ વર્ષોથી પોતાના વ્હાલાઓ અંગે એક માઇક્રો માહિતીની રાહ જોઈ રહ્યા છે.મલેશિયાએ દસ વર્ષ બાદ પણ આ શોધખોળ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે, જે પ્રશંસનીય છે. આ નવા અભિયાનથી દુનિયા અને પીડિતોના પરિવારોને ફરી આશા મળી રહી છે કે કદાચ આ વખતનું ટેકનોલોજી આધારિત સંશોધન આ રહસ્ય પરથી પડદો ઉંચકી શકશે. MH370નું સત્ય શું છે? શું આ ઘટના માનવ ભૂલ હતી, ટેક્નિકલ સમસ્યા કે કંઈ વધુ ભયાનક? કદાચ આવતા મહિનાઓમાં આ પ્રશ્નનો જવાબ દુનિયા સામે આવશે. Previous Post Next Post