આજે ઓનલાઈન ઓર્ડર કરતા પહેલા વિચારજો; લાખો ગિગ વર્કર્સની હડતાળને કારણે ડિલિવરી સેવાઓ ઠપ્પ Dec 31, 2025 નવા વર્ષની ઉજવણીના પૂર્વસંધ્યાએ જ્યારે લોકો ઓનલાઈન ફૂડ, ગ્રોસરી અને વિવિધ જરૂરિયાતોની વસ્તુઓ મંગાવવા તૈયારીમાં છે, ત્યારે દેશભરના લાખો ગિગ વર્કર્સે રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરતા ડિલિવરી સેવાઓ પર મોટો અસર પડી છે. 31 ડિસેમ્બરે દેશની મોટી ડિલિવરી એપ્સ સાથે સંકળાયેલા ફૂડ ડિલિવરી બોયઝ, ગ્રોસરી ડિલિવરી પાર્ટનર્સ અને એપ-આધારિત કામદારો એકસાથે લોગ-ઇન ‘ઓફ’ રાખીને પોતાના અધિકારો અને માંગણીઓને લઈને રસ્તા પર ઉતર્યા છે. આ હડતાળને કારણે અનેક શહેરોમાં ઓનલાઈન ઓર્ડર કેન્સલ થવાની અથવા લાંબી વિલંબથી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.ગિગ વર્કર્સના સંગઠનોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ડિલિવરી પાર્ટનર્સ પર વધતા કામના દબાણ, ઘટતા વેતન અને અસુરક્ષિત પરિસ્થિતિઓને લઈને ભારે અસંતોષ છે. ખાસ કરીને “10 મિનિટ” અથવા “20 મિનિટ”માં ડિલિવરી જેવા મોડલને કામદારો માટે જીવલેણ ગણાવવામાં આવી રહ્યા છે. ઓછા સમયમાં ડિલિવરી પૂર્ણ કરવાની ફરજને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે તેમજ માનસિક તણાવ અને શારીરિક થાકમાં પણ વધારો થયો છે.આ હડતાળનું નેતૃત્વ ‘ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ’ (IFAT) દ્વારા કરવામાં આવી રહ્યું છે. સંગઠનનું કહેવું છે કે એપ આધારિત કંપનીઓ કામદારોને સ્વતંત્ર પાર્ટનર કહીને જવાબદારીઓથી બચી જાય છે, પરંતુ હકીકતમાં કામના કલાકો, ઇન્સેન્ટિવ, રેટિંગ અને દંડ સંપૂર્ણપણે અલ્ગોરિધમથી નિયંત્રિત હોય છે. ઘણી વખત કોઈ સ્પષ્ટ કારણ વગર કામદારોના આઈડી બ્લોક કરી દેવામાં આવે છે, જેના કારણે તેમની આવક એક ઝટકામાં બંધ થઈ જાય છે.હડતાળ પાછળનું એક મોટું કારણ સેલિબ્રિટીઝ દ્વારા કરવામાં આવતી આકર્ષક જાહેરાતો પણ છે. યુનિયનોનો આક્ષેપ છે કે “બે દિવસમાં હજારો રૂપિયાની કમાણી” જેવા દાવાઓ વાસ્તવિકતાથી ખૂબ દૂર છે. આવી જાહેરાતો કામદારોને વધુ કામ કરવા પ્રેરિત કરે છે, પરંતુ તેમાં છુપાયેલું લાંબા કલાકોનું કામ, ઈંધણ ખર્ચ, મોબાઈલ ડેટા, વાહન મેન્ટેનેન્સ અને અકસ્માતનો જોખમ દેખાડવામાં આવતો નથી. આ કારણે નવા જોડાતા વર્કર્સ પણ શોષણનો ભોગ બને છે. ગિગ વર્કર્સની મુખ્ય માંગણીઓમાં યોગ્ય વેતન માળખું, સામાજિક સુરક્ષા, આરોગ્ય અને અકસ્માત વીમો, મનમાની ID બ્લોકિંગ બંધ કરવી અને ઇન્સેન્ટિવ સિસ્ટમમાં પારદર્શિતા લાવવાની માંગ સામેલ છે. કામદારોનું કહેવું છે કે આજે ઇન્સેન્ટિવ મેળવવા માટે તેમને 10 થી 12 કલાકથી પણ વધુ સમય સતત કામ કરવું પડે છે, જે તેમના સ્વાસ્થ્ય અને પરિવારજીવનને અસર કરે છે.આ મુદ્દે સરકારના હસ્તક્ષેપની પણ માંગ ઉઠી છે. ‘ગિગ એન્ડ પ્લેટફોર્મ સર્વિસીસ વર્કર્સ યુનિયન’ (GIPSWU) દ્વારા કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખી તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે જો લાખો ગિગ વર્કર્સની સ્થિતિ સુધારવામાં નહીં આવે તો આ ક્ષેત્રની સ્થિરતા સાથે સાથે દેશની આર્થિક વૃદ્ધિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ 25 ડિસેમ્બરે પણ ગિગ વર્કર્સ દ્વારા આવી જ હડતાળ કરવામાં આવી હતી, જેના કારણે અનેક શહેરોમાં ડિલિવરી સેવાઓ 50થી 60 ટકા સુધી પ્રભાવિત થઈ હતી. ત્યારે પણ કંપનીઓ તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ ન મળતા કામદારોમાં રોષ યથાવત રહ્યો હતો. પરિણામે નવા વર્ષની પૂર્વસંધ્યાએ ફરી એકવાર આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપે સામે આવ્યું છે.આ પરિસ્થિતિમાં ગ્રાહકોને પણ સલાહ આપવામાં આવી રહી છે કે જરૂરી વસ્તુઓ માટે વિકલ્પરૂપ વ્યવસ્થાઓ રાખે અને ઓનલાઈન ઓર્ડર કરતી વખતે વિલંબ અથવા કેન્સલેશન માટે તૈયાર રહે. સાથે જ, ગિગ વર્કર્સની આ હડતાળ તેમના હકો અને સન્માન માટેની લડાઈ તરીકે જોવામાં આવી રહી છે, જે આવનારા સમયમાં સરકાર અને કંપનીઓ માટે ગંભીર વિચારણા બનવાની શક્યતા છે. Previous Post Next Post