1000 વર્ષની શૌર્યગાથાને શ્રદ્ધાંજલિ: સોમનાથ સ્વાભિમાન પર્વમાં કાલે સાંજે PM મોદી Jan 09, 2026 ભારતની આસ્થા, ગૌરવ અને સ્વાભિમાનના પ્રતીક એવા દ્વાદશ જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પાવન ભૂમિ પર તા. 10 અને 11 જાન્યુઆરી દરમિયાન યોજાનાર **‘સોમનાથ સ્વાભિમાન પર્વ’**માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહભાગી થવા માટે પધારી રહ્યા છે. વડાપ્રધાન કાલે સાંજે સોમનાથ પહોંચશે, જ્યારે રવિવારે રોડ-શો અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહત્વપૂર્ણ કાર્યક્રમ પૂર્વે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીએ સોમનાથ પ્રવાસ દરમિયાન વડાપ્રધાનના કાર્યક્રમો, શૌર્ય યાત્રાના રૂટ તથા અન્ય વ્યવસ્થાઓની સ્થળ પર જઈને સમિક્ષા કરી હતી. તૈયારીઓની સમિક્ષા અને શૌર્ય યાત્રા રૂટ નિરીક્ષણકેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીએ સૌપ્રથમ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવ્યા બાદ સાગર દર્શન ખાતે બેઠક યોજી, જેમાં તા. 8 થી 10 જાન્યુઆરી દરમિયાન યોજાનાર ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગતના વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતિક આયોજન અને વ્યવસ્થાઓ અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી.બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રીએ શંખ સર્કલથી હમીરજી ગોહિલ પ્રતિમા અને મંદિર પરિસર સુધીના શૌર્ય યાત્રાના રૂટનું મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું. સોમનાથ અતૂટ આસ્થા અને સનાતન સંસ્કૃતિનું પ્રતિકઆ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીએ જણાવ્યું હતું કે,“બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દેશના કરોડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. સોમનાથ અવિનાશી અને શાશ્વત સનાતન સંસ્કૃતિનું પ્રતિક છે. તલવારની તાકાતે સનાતનને મિટાવવાની કોશિશ કરવામાં આવી, પરંતુ તે પ્રયાસો નિષ્ફળ રહ્યા અને સનાતનની શક્તિ વધુ મજબૂત બની.”તેમણે ઉમેર્યું કે, ગઝનવી દ્વારા કરાયેલા આક્રમણો છતાં વિદ્વંશ સામે નિર્માણની શક્તિ વિજયી બની, અને અનેક આક્રમણો પછી પણ સોમનાથ અખંડ, અવિનાશી અને અડગ રહ્યો. 1000 વર્ષ અને 75 વર્ષનો સુભગ સંયોગસોમનાથ પર ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થવાનો સુભગ સંયોગ આ સ્વાભિમાન પર્વને ઐતિહાસિક બનાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભાવિ પેઢીને સનાતન સંસ્કૃતિ, ભારતની પ્રાચીન ધરોહર અને શૂરવીરોના બલિદાનની ગાથાની ઓળખ મળે તે દિશામાં મહત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. ત્રિવેણી સંગમ ખાતે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત પ્રભાસતીર્થના પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર એક ભાવસભર ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમપુરા તીર્થ પુરોહિતોના માર્ગદર્શન હેઠળ, એક હજાર વર્ષ પૂર્વે સોમનાથની રક્ષા માટે વીરગતિ પામનાર શૂરવીર આત્માઓના મોક્ષાર્થે પિતૃ તર્પણ અને પિંડદાન વિધિ સંપન્ન કરવામાં આવી.ઇતિહાસ મુજબ, મહમદ ગઝનવીના આક્રમણ સમયે માત્ર ક્ષત્રિય વીરો નહીં પરંતુ ભૂદેવો અને સામાન્ય નાગરિકોએ પણ ધર્મ અને સ્વાભિમાનની રક્ષા માટે અદમ્ય સાહસ સાથે પ્રતિકાર કર્યો હતો. આ સંઘર્ષમાં અસંખ્ય શૂરવીરોએ વીરગતિ પામી હતી. સવા મણ જનોઈ : બલિદાનની મૌન સાક્ષીઐતિહાસિક નોંધો અનુસાર, આ યુદ્ધ પછી રણમેદાનમાંથી સવા મણ જેટલી જનોઈ એકત્રિત થઈ હતી, જે તે સમયના અસંખ્ય બલિદાનોની મૌન સાક્ષી છે. આ ઐતિહાસિક ઘટનાના સ્મરણરૂપે ત્રિવેણી સંગમ ખાતે સવા મણ જનોઈના પ્રતીકાત્મક તર્પણ સાથે પિંડદાન વિધિ યોજાઈ. ભાવસભર શ્રદ્ધાંજલિ અને ઐતિહાસિક સ્મૃતિપ્રભાસતીર્થ સોમનાથના સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી હેમલચંદ્ર ભટ્ટનીના હસ્તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરવામાં આવી. બાદમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં પિંડ પધરાવવામાં આવ્યા, જેથી સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રદ્ધા અને ગૌરવથી ઓતપ્રોત બની ઉઠ્યું.આ પ્રતીકાત્મક સવા મણ જનોઈને પછી રાણી અહલ્યાબાઈ હોલ્કર નિર્મિત જુના સોમનાથ મહાદેવ મંદિરમાં પધરાવવામાં આવી, જે સોમનાથના પુનર્નિર્માણ અને ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ઘટના બની. સમાજની વ્યાપક ઉપસ્થિતિઆ વિશેષ ધાર્મિક અનુષ્ઠાનમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાની, સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ તથા મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે શૂરવીર બલિદાનીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી સોમનાથના ગૌરવશાળી ઇતિહાસને નમન કર્યું હતું. ઇતિહાસ, આસ્થા અને સ્વાભિમાનનું જીવંત સંમિલન આ અનુષ્ઠાન માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, આસ્થા અને સ્વાભિમાનની જીવંત ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ બની રહ્યું. શૂરવીરોના બલિદાનને સ્મરણ કરી સોમનાથના ગૌરવને ફરી એકવાર નવા ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યું હતું. Previous Post Next Post