વાયબ્રન્ટ ગુજરાત રિજીયોનલ સૌરાષ્ટ્ર-કચ્છ સમિટ–2026: 23 દેશોની ભાગીદારી, કરોડો રૂપિયાનાં MOU અને વડાપ્રધાનનો ભવ્ય રોડ-શો Jan 01, 2026 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી તા.11 અને 12 જાન્યુઆરી, 2026ના રોજ રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજીયોનલ સૌરાષ્ટ્ર-કચ્છ સમિટ–2026નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરની સમિટ અંગેની સત્તાવાર માહિતી રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી હતી. સમિટમાં યુક્રેન, જાપાન, કોરિયા સહિત કુલ 23 દેશોની ભાગીદારી રહેશે અને આ દરમિયાન કરોડો રૂપિયાનાં મહત્વપૂર્ણ એમઓયુ (MOU) થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.આ સમિટની તૈયારીઓના ભાગરૂપે આજે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેકટર ડો. ઓમપ્રકાશ, તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો તેમજ અન્ય રાજકીય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સમિટની તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સમિટનું ઉદ્ઘાટનપત્રકાર પરિષદને સંબોધતા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત રિજીયોનલ સૌરાષ્ટ્ર-કચ્છ સમિટ–2026નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 11 જાન્યુઆરીના રોજ બપોરે 3:30 વાગ્યે કરશે. આ પહેલા શહેરના જુના એરપોર્ટથી અંદાજે બે કિલોમીટર લાંબો વડાપ્રધાનનો ભવ્ય રોડ-શો યોજાશે, જેમાં જનસમૂહ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાની સંભાવના છે.આ સમિટની થીમ “રીજીયોનલ એસ્પિરેશન્સ, એમ્બિશન્સ” રાખવામાં આવી છે, જે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની ઉદ્યોગિક, આર્થિક અને વિકાસની ક્ષમતાને વૈશ્વિક સ્તરે રજૂ કરશે. 23 દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભાગીદારીજીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ સમિટમાં પાર્ટનર દેશ તરીકે યુક્રેન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા અને રિપબ્લિક ઓફ રવાન્ડા જોડાયા છે. ઉપરાંત 13 જેટલી આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝેશનો પણ સમિટમાં સહભાગી બનશે. અત્યાર સુધીમાં સમિટ માટે 6364 રજિસ્ટ્રેશન નોંધાઈ ચૂક્યા છે, જે આ સમિટની વૈશ્વિક લોકપ્રિયતા દર્શાવે છે. વિશાળ પ્રદર્શન અને અનેક આકર્ષણોમારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં કુલ 26400 ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 4400 ચોરસ મીટર વિસ્તાર ખાસ પેવેલીયન માટે ફાળવવામાં આવ્યો છે, જેમાં એમએસએમઈ, કુટીર ઉદ્યોગ અને હસ્તકલા ઉદ્યોગના ઉત્પાદનો રજૂ થશે.સમિટના મુખ્ય આકર્ષણોમાં દરરોજ યોજાનારો ડેઈલી લકી ડ્રો, કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન, રિવર્સ બાયર્સ-સેલર્સ મીટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અને જીઆઈ ટેગ ડિસ્પ્લેનો સમાવેશ થાય છે. સ્ટાર્ટઅપ અને એમએસએમઈ માટે વિશેષ પેવેલીયન પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. ઉદ્યોગજગતની દિગ્ગજ સંસ્થાઓની હાજરીઆ રિજીયોનલ વાયબ્રન્ટ સમિટમાં ડીઆરડીઓ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL), અદાણી ગ્રુપ, ટાટા કેમિકલ્સ, રિલાયન્સ સહિતની અગ્રણી સંસ્થાઓ ભાગ લેશે. સમિટ માટે 4000 લોકોની ક્ષમતા ધરાવતો વિશાળ ડોમ, ગોલ્ડ અને ગોલ્ડ એલિટ સહિતની વિવિધ બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. ઉપરાંત 20થી વધુ સેમિનાર હોલ અને વીઆઈપી માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. બે દિવસીય કાર્યક્રમોની વ્યાપક રૂપરેખાસમિટના પ્રથમ દિવસે ટ્રેડ શોનું ઉદ્ઘાટન, એગ્રી વેલ્યુ, ઓઈલ સિડ્સ, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ, ગ્રીન સ્ટાર્ટઅપ અને બ્લૂ એનર્જી પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાશે. જ્યારે બીજા દિવસે રીજીયોનલ એમએસએમઈ કોન્કલેવ, ગિફ્ટ સિટીમાં વ્યવસાયની તકો, ટેક્સટાઈલ અને જવેલરી ઉદ્યોગ પર સેમિનાર તેમજ ઊર્જા ક્ષેત્રે મિશન જીડબલ્યુ અંગે ચર્ચા કરવામાં આવશે. બંને દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.વાઈબ્રન્ટ ગુજરાત રિજીયોનલ સૌરાષ્ટ્ર-કચ્છ સમિટ–2026 રાજ્યના વિકાસ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારને વૈશ્વિક રોકાણના નકશા પર નવી ઓળખ અપાવશે. Previous Post Next Post