ફરી રીજયોનલ નહીં, સમગ્ર ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ બનશે રાજકોટ વાઈબ્રન્ટ સમિટ, નવી એરોસ્પેસ-ડિફેન્સ પોલિસી જાહેર થશે Jan 02, 2026 રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ હવે માત્ર સૌરાષ્ટ્ર પૂરતી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થવાની તૈયારીમાં છે. રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી વ્યાપક તૈયારીઓ દર્શાવે છે કે આ સમિટ 2047ના ‘વિકસિત ભારત’ના લક્ષ્યાંક તરફ ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત બનાવશે.સરકારી સૂત્રો મુજબ, રાજકોટ વાઈબ્રન્ટ સમિટમાં રાજ્યની નવી એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસીની સત્તાવાર જાહેરાત થવાની છે. નોંધનીય છે કે રાજ્યમાં પ્રથમ વખત 2016માં એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી અમલમાં આવી હતી, જેની મુદત 31 ડિસેમ્બર 2025એ પૂર્ણ થઈ છે. બદલાતા વૈશ્વિક પરિસ્થિતિ, ટેકનોલોજીકલ વિકાસ અને સુરક્ષા સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને હવે વધુ વ્યાપક અને ભવિષ્યમુખી નવી પોલિસી ઘડવામાં આવી છે, જે રાજકોટ સમિટમાં જાહેર થવાની સંભાવના છે.નવી એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી હેઠળ નાણાકીય પ્રોત્સાહન, સબસિડી, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ અને સરળ પ્રક્રિયાઓ દ્વારા દેશી તેમજ આંતરરાષ્ટ્રીય કંપનીઓને ગુજરાત તરફ આકર્ષવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રમાં કાર્યરત ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવામાં આ પોલિસી મહત્વની સાબિત થશે.આ પોલિસીનું એક વિશેષ પાસું ગુજરાતના એમ.એસ.એમ.ઈ. (લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગો) ક્ષેત્રને મુખ્ય પ્રવાહમાં જોડવાનું છે. અત્યાર સુધી એરોસ્પેસ અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં મોટા ઉદ્યોગોનું પ્રભુત્વ રહ્યું છે, પરંતુ નવી પોલિસી હેઠળ સ્થાનિક લઘુ ઉદ્યોગોને સપ્લાય ચેઇનનો મહત્વપૂર્ણ ભાગ બનાવવાની દિશામાં પગલાં લેવામાં આવશે. આથી રાજ્યમાં રોજગારની નવી તકો ઊભી થશે અને સ્થાનિક ઉદ્યોગોને ટેકનોલોજી અપગ્રેડ કરવાની તક મળશે.સરકારી અધિકારીઓનું માનવું છે કે નવી પોલિસી દ્વારા મોટા રોકાણકારોને પણ આકર્ષી શકાય તેમ છે. ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ થવાથી રાજ્યમાં સંશોધન, વિકાસ અને ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. પરિણામે ગુજરાત આ ક્ષેત્રોમાં દેશનું અગ્રણી કેન્દ્ર બની શકે છે.આ મુદ્દે એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રની એક અગ્રણી કંપનીના ડિરેક્ટરનું કહેવું છે કે ભારતમાં આ ક્ષેત્રમાં વિશાળ સંભાવનાઓ છે અને અનેક ભારતીય કંપનીઓ વિદેશી ભાગીદારો સાથે જોડાવા આતુર છે. જો કે, આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ સપ્લાય લાઇન અને એકીકૃત ઉત્પાદન સુવિધાઓના અભાવને કારણે સ્થાનિક ઉદ્યોગો પાછળ રહી જાય છે.તેમના જણાવ્યા મુજબ, આ સમસ્યાનો ઉકેલ એક મજબૂત ‘કલસ્ટર મોડલ’માં છે, જ્યાં એક જ સ્થળે ઉત્પાદન, પરીક્ષણ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય. આવી વ્યવસ્થાને ‘ડિફેન્સ પેકેજ’ અથવા ‘ડિફેન્સ ક્લસ્ટર’ કહી શકાય, જેમાં વિખરાયેલા એકમોની બદલે સંકલિત વિકાસ પર ભાર મૂકવામાં આવે. ગુજરાતની નવી પોલિસી આ દિશામાં આગળ વધશે તેવી ઉદ્યોગ જગતને આશા છે.રાજકોટ વાઈબ્રન્ટ સમિટ આ તમામ દિશાઓમાં મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે. અહીં થનારી ચર્ચાઓ, કરાર (MOU) અને નીતિ જાહેરાતો ગુજરાતને એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રમાં નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ થશે. તેથી હવે આ સમિટ માત્ર રીજનલ ઈવેન્ટ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના વિકાસ માટે નિર્ણાયક સાબિત થવાની પૂરી શક્યતા છે. Previous Post Next Post