માવઠા બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્તર-પૂર્વના બર્ફીલા પવનોથી ઠંડીનું મોજું, નલિયા 10.8 ડિગ્રી, રાજકોટ 14 લઘુતમ તાપમાન નોંધાયું આજે Jan 02, 2026 રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તારમાં કમોસમી માવઠા બાદ ફરી એકવાર ઉત્તર–પૂર્વ દિશામાંથી ફૂંકાતા બર્ફીલા પવનોએ ઠંડીનું જોર વધાર્યું છે. સવારના સમયે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં લોકો ફરી ઠેરઠેર તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને વહેલી સવાર અને રાત્રિના સમયમાં ઠંડીની તીવ્રતા વધતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે.હવામાન વિભાગના આંકડા મુજબ, આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ફરી એકવાર નલિયામાં નોંધાયું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. નલિયા ઉપરાંત અમરેલી, ભુજ અને ડિસા સહિતના વિસ્તારોમાં પણ તાપમાન 13 ડિગ્રી આસપાસ નોંધાતા ઠંડીનું મોજું વ્યાપક બન્યું છે. અમરેલીમાં 13.2 ડિગ્રી, ભુજમાં 13 ડિગ્રી, ડિસામાં 13.3 ડિગ્રી તથા ગાંધીનગરમાં 13.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.રાજકોટ શહેરમાં પણ બર્ફીલા પવનો વચ્ચે આજે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. ઠંડા પવનના કારણે શહેરમાં વહેલી સવારથી જ ઠંડીનો અહેસાસ થયો હતો. લોકો ફરી ગરમ વસ્ત્રો, શાલ, સ્વેટર અને તાપણાનો સહારો લેતા નજરે પડ્યા હતા.અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 15.3 ડિગ્રી, વડોદરામાં 16.8 ડિગ્રી, ભાવનગરમાં 17 ડિગ્રી, દમણમાં 18.6 ડિગ્રી, દિવમાં 18 ડિગ્રી, દ્વારકામાં 17.7 ડિગ્રી, કંડલામાં 15.5 ડિગ્રી, ઓખામાં 19.3 ડિગ્રી, પોરબંદરમાં 15.8 ડિગ્રી તથા વેરાવળમાં 18.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ આંકડાઓ દર્શાવે છે કે ઠંડીનું મોજું માત્ર એકાદ વિસ્તારમાં નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી વિસ્તર્યું છે.સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ જામનગર શહેર અને જિલ્લામાં કમોસમી માવઠા બાદ વાદળો છંટાઈ જતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અહીં મહત્તમ તાપમાનનો પારો પણ દોઢ ડિગ્રી ઘટીને 26.5 ડિગ્રી સુધી સરક્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા નોંધાયું હતું, જ્યારે પવનની ગતિમાં વધારો થતા પ્રતિ કલાક 5.8 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ઠંડા પવનોથી ઠંડીની અસર વધુ અનુભવી હતી.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન મથકના આંકડા મુજબ, આજે મહત્તમ તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 14.1 ડિગ્રી રહ્યું હતું. ખાસ કરીને ગિરનાર પર્વત પર ઠંડીનો કડક પ્રભાવ જોવા મળ્યો હતો. ગિરનાર ઉપર લઘુત્તમ તાપમાન 7.1 ડિગ્રી સુધી ઘટી ગયું હતું અને પવનની ગતિ પ્રતિ કલાક 4.4 કિમી રહેતા ઠંડા હીલ જેવા પવનથી પ્રવાસીઓ ઠુંઠવાયા હતા.ભારે ઠંડીના કારણે રોડ રસ્તાઓ પર સાંજના સમયે ખુલ્લા વાહનોની અવરજવર ઘટી ગઈ હતી. બાઈક અને ઓપન વાહનમાં મુસાફરી કરતા લોકો ઠંડીથી બચવા માટે વધારાના કપડાં પહેરીને નીકળતા જોવા મળ્યા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા નોંધાતા ઠંડી વધુ ચુભતી લાગતી હતી.જાન્યુઆરીના નવા વર્ષની શરૂઆત છતાં આ વર્ષે હજુ સુધી કડક શિયાળો પડ્યો નથી, પરંતુ માવઠા બાદ અચાનક વધેલી ઠંડી ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે. ખાસ કરીને રવિ પાકો પર ઠંડી અને ભેજની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પવનની દિશા અને તાપમાનમાં થતા ફેરફારો પર સૌની નજર ટકી છે. Previous Post Next Post