ડિસેમ્બર માસમાં રાજકોટ એરપોર્ટ પરથી હવાઈ મુસાફરોની સંખ્યા એક લાખને પાર, એર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો Jan 02, 2026 રાજકોટના હીરાસર સ્થિત ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવાઈ મુસાફરોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એર ફ્રિક્વન્સીમાં થયેલા વધારાના પરિણામે ડિસેમ્બર 2025 માસમાં એક લાખથી વધુ મુસાફરોએ હવાઈ સફર કરી હતી. ડિસેમ્બર માસ દરમિયાન કુલ 351 ફલાઈટમાં 1,15,340 યાત્રિકોએ આવાગમન કર્યું હોવાનું સત્તાવાર આંકડાઓમાં સામે આવ્યું છે.ડિસેમ્બર માસમાં રાજકોટ એરપોર્ટ પર 59,387 મુસાફરોનું આગમન અને 55,953 મુસાફરોનું પ્રસ્થાન નોંધાયું હતું. ગત નવેમ્બર માસની સરખામણીએ ડિસેમ્બરમાં લગભગ 7,170 મુસાફરોનો વધારો નોંધાયો છે, જે એરપોર્ટની વધતી લોકપ્રિયતા અને વધતી હવાઈ સુવિધાઓનું પ્રતિબિંબ છે.હીરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયાને બે વર્ષ પૂર્ણ થયા બાદ પણ હજુ સુધી એક પણ ઈન્ટરનેશનલ ફલાઈટનું ઉડ્ડયન શરૂ ન થવું ચર્ચાનો વિષય બન્યું છે. તેમ છતાં ડોમેસ્ટિક ફલાઈટ્સની સંખ્યામાં સતત વધારો થવાથી એરપોર્ટમાં દૈનિક ધમધમાટ જોવા મળી રહ્યો છે.ગત જુલાઈ 2025થી ડિસેમ્બર 2025 દરમિયાનના છેલ્લા છ માસમાં એરપોર્ટ પરથી કુલ 6,10,461 મુસાફરોનું આવાગમન નોંધાયું છે. જેમાં 3,14,696 મુસાફરોનું આગમન અને 2,95,765 મુસાફરોનું પ્રસ્થાન થયું હતું. દર માસે સરેરાશ એક લાખથી વધુ મુસાફરો રાજકોટ એરપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે, જે સૌરાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ વિકાસ સૂચક છે.તહેવારોના સીઝનમાં ખાસ કરીને જન્માષ્ટમી, દિવાળી, નૂતન વર્ષ અને નાતાલ પર્વની રજાઓ દરમિયાન હવાઈ મુસાફરીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન દેશ-વિદેશના પ્રવાસીઓએ હવાઈ મુસાફરીને વધુ પ્રાધાન્ય આપ્યું હતું. ઈન્ડિગો અને એર ઈન્ડિયા જેવી એરલાઈન્સે પોતાની સેવાઓનો વ્યાપ વધારતા રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 12થી 13 ફલાઈટ ઉડતી જોવા મળી હતી.ગત ઓક્ટોબર માસની 25મી તારીખ સુધી દૈનિક 9થી 10 ફલાઈટનું સંચાલન થતું હતું. પરંતુ 26મી ઓક્ટોબરથી વિન્ટર શિડ્યૂલ અમલમાં આવ્યા બાદ ફલાઈટની સંખ્યા વધીને દૈનિક 12થી 13 સુધી પહોંચી ગઈ હતી. પરિણામે સરેરાશ રોજના 4,000થી વધુ મુસાફરોનું આવાગમન થતું હોવાનું જાણવા મળે છે.હાલ રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હી માટે દૈનિક ચાર, મુંબઈ માટે પાંચ ફલાઈટ ઉડે છે. જ્યારે બેંગ્લોર, હૈદરાબાદ અને ગોવા માટે દરરોજ એક-એક ફલાઈટ ઉપલબ્ધ છે. પુના માટે સપ્તાહમાં ત્રણ દિવસ ફલાઈટ સેવા આપવામાં આવી રહી છે. આ તમામ રૂટ્સ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો, ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વેપારીઓ અને પર્યટકો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.સૌરાષ્ટ્રવાસી મુસાફરોને વિદેશ જવા માટે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, પુના અને બેંગ્લોર મારફતે કનેક્ટિંગ ફલાઈટની સુવિધા સરળ બની છે. બીજી તરફ, દેશ-વિદેશમાંથી આવતા એનઆરઆઈ અને પ્રવાસીઓને સૌરાષ્ટ્રના મુખ્ય યાત્રાધામો અને પર્યટન સ્થળો સુધી પહોંચવામાં રાજકોટ એરપોર્ટ મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યો છે.સોમનાથ, દ્વારકા, જૂનાગઢ (ગિરનાર), સાસણ ગીર સફારી પાર્ક, સત્તાધાર, વિરપુર, કનકાઈ, પોરબંદર કીર્તિમંદિર જેવા સ્થળોએ પહોંચવા માટે રાજકોટ એરપોર્ટની હવાઈ સેવા અત્યંત અનુકૂળ સાબિત થઈ છે. તેના કારણે પર્યટન ક્ષેત્રને નવી ગતિ મળી છે.એરપોર્ટ પરથી વધતી હવાઈ સેવાઓના કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વેપાર, ઉદ્યોગ અને પર્યટન ક્ષેત્રને નવી દિશા મળી છે. સાથે સાથે કાર્ગો સેવાઓના વિસ્તરણથી વેપાર-વાણિજ્ય ક્ષેત્રને પણ નોંધપાત્ર લાભ મળી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાજ્ય હવાઈ સેવા અંતર્ગત રાજકોટ-સુરત વચ્ચે વેન્ચુરા એર કનેક્ટનું 9 સીટર વિમાન દૈનિક ઉડાન ભરી રહ્યું છે. જોકે, બે વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ ન થવી સૌરાષ્ટ્ર માટે કમનસીબી સમાન માનવામાં આવી રહી છે. Previous Post Next Post