યુદ્ધથી ઓઈલ-ગેસ અને કેમિકલ્સ મોંઘા: ભારતના ટેક્સટાઈલ, પેટ્રોકેમિકલ્સ અને ખાતર ઉદ્યોગ પર અસર Mar 11, 2026 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ફરી એકવાર અનિશ્ચિતતાનો માહોલ ઉભો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ અને હુમલાઓના કારણે ઓઈલ, નેચરલ ગેસ અને વિવિધ કેમિકલ્સના ભાવમાં ભારે વધારો થયો છે. આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ ભારત સહિત અનેક દેશોના ઉદ્યોગો પર પડી રહ્યો છે. ખાસ કરીને ભારતના ટેક્સટાઈલ, પેટ્રોકેમિકલ્સ અને ખાતર ઉત્પાદન ક્ષેત્રને આ સ્થિતિથી મોટો ફટકો પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.વિશ્વમાં પહેલાથી જ કોરોનાની મહામારી અને ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અસ્થિરતા જોવા મળી હતી. હવે પશ્ચિમ એશિયામાં સર્જાયેલા નવા યુદ્ધના કારણે ફરી એકવાર મોંઘવારી વધવાની અને વૈશ્વિક અર્થતંત્ર પર નકારાત્મક અસર થવાની શક્યતા ઊભી થઈ છે. ભારત માટે આ પરિસ્થિતિ વધુ પડકારજનક છે, કારણ કે દેશ મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલ, નેચરલ ગેસ અને એલપીજી જેવી ઊર્જા સંબંધી ચીજોની આયાત પર નિર્ભર છે.યુદ્ધ દરમિયાન ઈરાને અખાતી દેશોમાં આવેલા અમેરિકન મથકો અને ઓઈલ-ગેસ ઉત્પાદન સાથે જોડાયેલા સ્થળો પર હુમલા કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. સાથે જ વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ માનાતી હોર્મુઝની ખાડી પણ બંધ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે. આ ખાડીમાંથી વિશ્વના મોટા ભાગના ક્રુડ ઓઈલ અને ગેસનું પરિવહન થાય છે. અંદાજ મુજબ વિશ્વમાં થતા ક્રુડ ઓઈલના પરિવહનનો લગભગ 20 ટકા હિસ્સો આ જ માર્ગ પરથી પસાર થાય છે.ભારત માટે આ માર્ગ ખાસ મહત્વનો છે, કારણ કે દેશની કુલ જરૂરિયાતના લગભગ 40 ટકા ક્રુડ ઓઈલ અને ગેસ આ ખાડી મારફતે આવે છે. હોર્મુઝની ખાડી બંધ થવાને કારણે પુરવઠામાં અવરોધ ઉભો થયો છે અને તેના પરિણામે ઊર્જા બજારમાં અછત અને ભાવવધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મત મુજબ જેટલો સમય સુધી યુદ્ધ ચાલુ રહેશે તેટલો સમય વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા યથાવત રહેશે. એટલું જ નહીં, યુદ્ધ સમાપ્ત થયા પછી પણ સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થવામાં લગભગ એક મહિના જેટલો સમય લાગી શકે છે.આ પરિસ્થિતિ માત્ર ઓઈલ અને ગેસ સુધી મર્યાદિત નથી. કેમિકલ્સના પુરવઠા પર પણ તેનો ગંભીર પ્રભાવ પડી રહ્યો છે. ભારત દર વર્ષે અંદાજે 30 અબજ ડોલરના કેમિકલ્સ આયાત કરે છે, જેમાંથી મોટો હિસ્સો ખાડીના દેશોમાંથી આવે છે. સોડિયમ નાઈટ્રાઈટ, સલ્ફર, હાઈડ્રોજન પેરોક્સાઈડ, સોડિયમ હાઈડ્રોસલ્ફાઈડ, એમોનિયા, પોટાશ અને ફોસ્ફોરિક એસિડ જેવી અનેક મહત્વપૂર્ણ ચીજોની આયાતમાં અવરોધ ઊભો થયો છે.આ કેમિકલ્સનો ઉપયોગ અનેક ઉદ્યોગોમાં થાય છે. ખાસ કરીને ટેક્સટાઈલ, પેઈન્ટ, પિગમેન્ટ, ફાઈબર, એક્રિલિક અને રેઝિન બનાવતી કંપનીઓ માટે આ કાચો માલ અત્યંત મહત્વનો છે. પુરવઠામાં ખલેલ અને ભાવમાં વધારા કારણે આ ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. કતાર જેવા દેશો વિશ્વમાં નેચરલ ગેસના મોટા નિકાસકારોમાંથી એક છે. યુદ્ધની પરિસ્થિતિને કારણે ત્યાં ગેસ ઉત્પાદન પર પણ અસર પડી હોવાનું જણાવવામાં આવે છે. પરિણામે વિશ્વભરમાં ગેસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે, કારણ કે દેશ એલપીજી અને નેચરલ ગેસ માટે પણ મોટા પ્રમાણમાં આયાત પર આધારિત છે.આંકડાઓ મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની એલપીજી આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે. 2012-13માં ભારતે લગભગ 63 લાખ ટન એલપીજી આયાત કરી હતી, જે 2024-25માં વધીને લગભગ 206 લાખ ટન સુધી પહોંચી ગઈ છે. હાલમાં ભારત પોતાની કુલ જરૂરિયાતના લગભગ 60 થી 70 ટકા એલપીજી આયાત દ્વારા પૂરી કરે છે. આ આયાત મુખ્યત્વે સાઉદી અરબ, આરબ અમીરાત, કુવૈત અને કતાર જેવા દેશોમાંથી થાય છે.યુદ્ધના કારણે કેમિકલ્સના બજારમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં જ અનેક કેમિકલ્સના ભાવમાં 20 થી 60 ટકા સુધીનો વધારો નોંધાયો છે. ખાસ કરીને ખાતર અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં તેની અસર વધુ જોવા મળી રહી છે. કાચા માલના વધતા ભાવ સાથે ડીઝલ અને નેપ્થાના ખર્ચમાં વધારો થતાં ઉત્પાદન ખર્ચ પણ વધી રહ્યો છે.ખાતર ઉદ્યોગ માટે પણ આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે. ખાતર બનાવવા માટે જરૂરી પોટાશ, સલ્ફર અને અન્ય રસાયણોની મોટી માત્રા આયાત કરવામાં આવે છે. વૈશ્વિક બજારમાં યુરિયાના ભાવ પણ છેલ્લા એક મહિનામાં નોંધપાત્ર રીતે વધ્યા છે. અગાઉ લગભગ 475 ડોલર પ્રતિ ટન રહેલો ભાવ હવે વધીને 600 ડોલર પ્રતિ ટન સુધી પહોંચી ગયો છે.હાલમાં ભારત પાસે ખાતરનો જથ્થો ગત વર્ષ કરતા થોડો વધારે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે તાત્કાલિક સ્થિતિ એટલી ગંભીર નથી. તેમ છતાં આયાતી કાચા માલની અછત અને વધતા ભાવને કારણે ઘણા ખાતર ઉત્પાદકો હાલમાં લગભગ 60 ટકા ક્ષમતાએ ઉત્પાદન કરી રહ્યા છે.આ રીતે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઊર્જા અને કેમિકલ્સના વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતા ભારતના અનેક ઉદ્યોગો માટે પડકાર ઉભો કરી રહી છે. જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તેના પરિણામે ઉત્પાદન ખર્ચ, મોંઘવારી અને વેપાર પર વધુ ગંભીર અસર પડી શકે છે.