ગુજરાતમાં ૨૪ કલાકમાં ૨૫૫ તાલુકાઓમાં જળબંબાકાર, અનેક જગ્યાએ ૧૦થી ૨૪ ઈંચ વરસાદ Aug 01, 2026 અમદાવાદ,લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતા રાજ્યમાં અતિભારે વરસાદની ચેતવણી: પાંચ વરસાદી સિસ્ટમ સક્રિયગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૬૮માંથી ૨૫૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેમાં અનેક વિસ્તારોમાં ૧૦થી ૨૪ ઈંચ સુધીનો અત્યંત ભારે વરસાદ નોંધાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલું લો પ્રેશર હવે વધુ મજબૂત બનીને 'ડીપ ડિપ્રેશન'માં પરિવર્તિત થઈ ગયું છે. આ સાથે રાજ્યમાં એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી સમયમાં વરસાદનું જોર વધુ તીવ્ર બનવાની પૂરી શક્યતા છે.સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ અને આણંદ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટછેલ્લા ૨૪ કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, અંબિકામાં સર્વાધિક ૨૪ ઈંચ અને ડોલવણમાં ૧૬.૭૩ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વસોમાં ૧૬.૩૮ ઈંચ, ઉમરપાડામાં ૧૪.૬૯ ઈંચ, નડિયાદમાં ૧૩.૪૩ ઈંચ અને નેત્રંગમાં ૧૩.૦૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. ધરમપુર, વઘઈ, માંગરોળ અને આણંદ સહિતના વિસ્તારોમાં પણ ૧૦ ઈંચ કરતા વધુ વરસાદ વરસતા નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, ભાવનગર અને આણંદ જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.સુરત પાણીમાં ગરકાવ! કીમ નદીમાં પૂર, તાપી કોઝવે ઓવરફ્લો અનેક ગામોનો સંપર્ક તૂટ્યોસુરત જિલ્લામાં સતત અને ધોધમાર વરસાદને પગલે સુરત પંથકની નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે. કીમ નદીમાં ઘેરા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તાપી નદીની સપાટી પણ સતત વધી રહી છે અને સુરતનો પ્રખ્યાત તાપી કોઝવે ઓવરફ્લો થઈ ગયો છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના અનેક ગામોનો મુખ્ય માર્ગો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. રસ્તાઓ જળમગ્ન થવાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને ગ્રામજનો પોતાના જ ઘર કે વિસ્તારમાં ફસાયા છે.છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર સુરત જિલ્લામાં ૧૦૦ ઈંચ વરસાદથી જળબંબાકારસુરત જિલ્લામાં કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર સુરત જિલ્લામાં મેઘરાજાએ બેફામ બેટીંગ કરી હોય તેમ આશરે ૧૦૦ ઈંચ જેટલો તોફાની વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકના સમયગાળામાં રાજ્યના કુલ ૨૬૮ તાલુકાઓમાંથી ૨૫૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લામાં નોંધાયેલા આ વિશાળ આંકડાએ તંત્રની ચિંતામાં પણ વધારો કરી દીધો છે.નવસારીના કાળિયાવાડીમાં ઘરોમાં નદીના પાણી ઘૂસતા લાખો લોકો પ્રભાવિતનવસારીના કાળિયાવાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળતા ઘરો જળમગ્ન થઈ ગયા છે. પૂરના આ પ્રકોપને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે. ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે સ્થાનિક નદીઓ અને નાળાનું પાણી અચાનક વસ્તીવાળા વિસ્તારોમાં પ્રવેશી જતાં નાગરિકોને ઘર ખાલી કરવાની ફરજ પડી છે. ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે NDRFની ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. બોટ અને અન્ય સાધનોની મદદથી પાણીમાં ફસાયેલા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવી રહ્યા છે.સુરતના અંબિકામાં ૨૪ ઈંચ ખાબકતા જળબંબાકારછેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં નોંધાયો છે, જ્યાં મેઘરાજાએ રેકોર્ડબ્રેક ૨૪ ઈંચ વરસાદ વરસાવ્યો છે. અંબિકા ઉપરાંત તાપી જિલ્લાના ડોલવણમાં ૧૭ ઈંચ, ખેડાના વસોમાં ૧૬.૫ ઈંચ, નવસારીના વાંસદામાં ૧૬.૫ ઈંચ અને સુરતના ઉમરપાડામાં ૧૫ ઈંચ જેટલો તોફાની વરસાદ ખાબક્યો છે.સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના મળીને 13 જિલ્લાઓમાં રેડ ઍલર્ટસૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના મળીને 13 જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર અને સુરતમાં રેડ ઍલર્ટ છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.વરસાદી દુર્ઘટનામાં 4 લોકોના મોતરાજ્યમાં ભારે વરસાદ વચ્ચે બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. નવસારીમાં પાણી ભરાવાના કારણે વીજળીનો કરંટ લાગતાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આણંદમાં ખુલ્લી કાંસમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં 3 બાળકો તણાયા હતા, જેમાં એક માસુમ બાળકીનું મોત થયું છે, જ્યારે 2 બાળકોને બચાવી લેવામાં સફળતા મળી હતી.24 કલાકમાં ગરુડેશ્વરમાં 8.5 ઇંચથી વધુ વરસાદછેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ગરુડેશ્વરમાં 218 મિ.મી. (8.58 ઇંચ), સાગબારામાં 201 મિ.મી. (7.91 ઇંચ), નાંદોદમાં 166 મિ.મી. (6.53 ઇંચ), તિલકવાડામાં 153 મિ.મી. (6.02 ઇંચ), દેડિયાપાડામાં 137 મિ.મી. (5.39 ઇંચ) અને ચીકદામાં 75 મિ.મી. (2.95 ઇંચ) વરસાદ નોંધાયો.સવારે 6થી 8માં તિલકવાડામાં ધોધમાર 2.76 ઇંચ વરસાદઆજે સવારે 6થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ તિલકવાડા તાલુકામાં સૌથી વધુ 70 મિ.મી. (2.76 ઇંચ) વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ગરુડેશ્વરમાં 52 મિ.મી., નાંદોદમાં 49 મિ.મી., ચીકદામાં 13 મિ.મી. અને દેડિયાપાડામાં 4 મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે સાગબારામાં આ સમયગાળા દરમિયાન શાંતિ રહી હતી.અમદાવાદ શહેરના ટોપ 10 વિસ્તારોના આંકડાશહેરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયેલા ટોપ 10 વિસ્તારોના આંકડા વિશે વાત કરીએ તો, થલતેજમાં સૌથી વધુ 4.09 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ બોપલમાં 3.90 ઇંચ, બોડકદેવમાં 3.82 ઇંચ, અસારવામાં 3.82 ઇંચ, સાયન્સ સિટીમાં 3.76 ઇંચ, ચાંદલોડિયામાં 3.72 ઇંચ, મોટેરામાં 3.64 ઇંચ, કાલુપુરમાં 3.54 ઇંચ, રાણીપમાં 3.39 ઇંચ અને દૂધેશ્વરમાં 3.37 ઇંચ વરસાદ ખાબક્યો છે.રાજ્યમાં એક જ દિવસમાં 8 હજારથી વધુ લોકોનું સ્થળાંતરરાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે એક જ દિવસમાં 8 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. સૌથી વધુ નવસારી જિલ્લામાં 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે તાપીમાં 1,300થી વધુ અને સુરતમાં 1,400થી વધુ લોકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં 914 અને વડોદરામાં 300થી વધુ લોકોને પણ સલામત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.ગુજરાતમાં 12 સ્ટેટ હાઈવે અને 252 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધભારે વરસાદના કારણે રાજ્યમાં 12 સ્ટેટ હાઈવે અને 252 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની 17, SDRFની 33 તેમજ ભારતીય સેનાની 6 ટીમોને વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.વડોદરામાં વરસાદથી હોસ્ટેલમાં પાણી ભરાયા, 150 છાત્રોને મધરાતે સ્થળાંતર કરાયાવડોદરામાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ઘૂસી ગયું હતું. પરિસ્થિતિ ગંભીર બનતા રાત્રે લગભગ 3 વાગ્યે વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમે સંકલન કરીને હોસ્ટેલમાં રહેતા 150 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. સ્થળાંતર કરાયેલા લોકોમાં 100 છાત્રાઓ, 40 છાત્રો અને 10 શ્રમિકોનો સમાવેશ થાય છે. સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.નર્મદા ડેમમાં પાણીની ધમાકેદાર આવક, પ્રથમ વખત સપાટી 130 મીટરને પારઉપરવાસમાં સતત થઈ રહેલા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાલુ સિઝનમાં પ્રથમ વખત ડેમની જળસપાટી 130 મીટરને પાર પહોંચી 130.60 મીટર નોંધાઈ છે. હાલ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના અંદાજે 74 ટકા સુધી ભરાયો છે. ઉપરવાસમાંથી હાલમાં 67 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે કેનાલમાં 1,637 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવરની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. નોંધનીય છે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં ડેમની સપાટી 126 મીટર હતી, જેની સરખામણીએ હવે પાણીના જથ્થામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. Previous Post Next Post