સૌરાષ્ટ્ર–ગુજરાતમાં હવામાન પલ્ટો: કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી Jan 23, 2026 હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે સવારથી જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. ઠંડીનું જોર ઘટતાં વાતાવરણ વાદળીયું બન્યું અને ઠંડો પવન ફૂંકાયો. સવારના સમયે તાપમાન સામાન્ય રહ્યું, પરંતુ વાદળછાયા માહોલને કારણે દિવસભર અસથિરતા અનુભવાઈ હતી.માવઠાની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભરશિયાળે કમોસમી વરસાદ વરસ્યો છે. 22 જાન્યુઆરીની સાંજ અને રાત્રિ દરમિયાન કચ્છ અને મહેસાણા જિલ્લામાં અચાનક હવામાનમાં પલ્ટો આવ્યો અને માવઠું નોંધાયું. આ કમોસમી વરસાદથી ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે તૈયાર પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન ઉપર સર્જાયેલા કોલ્ડ ફ્રન્ટ અને પશ્ચિમી વિક્ષોભના પ્રભાવથી કચ્છ તરફ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. તેના કારણે ગુરુવારે કચ્છના નારાયણ સરોવર, લખપત, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં ઝાપટાં અને હળવો વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદ સાથે ઠંડકમાં પણ વધારો થયો હતો અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હતું.કમોસમી વરસાદને કારણે કચ્છના મુખ્ય પાક એવા એરંડાને વ્યાપક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેતરોમાં તૈયાર પડેલો પાક પલળી જતાં ખેડૂતોની આર્થિક ચિંતા વધી છે. ખેતી નિષ્ણાતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહ્યો તો નુકસાનની તીવ્રતા વધે તેવી શક્યતા છે.ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની અસર જોવા મળી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ગઇકાલે સાંજના સમયે અચાનક વાતાવરણ બદલાયું હતું. શહેર તથા આસપાસના વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી રવિ પાકને નુકસાન થવાની શક્યતા છે, ખાસ કરીને ઘઉં, જીરું અને અન્ય શિયાળુ પાક માટે ચિંતા વધી છે.લખપત તાલુકાના વિસ્તારોમાં ઝાપટાં અને હળવા વરસાદના કારણે ઠંડક અને ભેજમાં વધારો નોંધાયો છે. ભરશિયાળે આવેલા આ વરસાદથી ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ છે. જીરું સહિતના શિયાળુ પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે કચ્છમાં શિયાળામાં વરસાદ ઓછો પડે છે, પરંતુ પશ્ચિમી વિક્ષોભના કારણે આ વર્ષે કમોસમી વરસાદ પડી રહ્યો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 25 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિથી સામાન્ય લોકોને ઠંડકનો અહેસાસ તો થઈ રહ્યો છે, પરંતુ ખેડૂતો અને માલધારીઓ માટે ચિંતા વધતી જઈ રહી છે.દરમિયાન, સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી મળતા અહેવાલો મુજબ રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં સવારથી ધૂપછાંયાવાળો માહોલ જોવા મળ્યો હતો. તડકા અને વાદળો વચ્ચે સૂર્યદેવતા સંતાકુકડી રમતા હોય તેમ દૃશ્ય સર્જાયું હતું.તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો, આજે સવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી, નલીયામાં 12, પોરબંદરમાં 16.2, વેરાવળમાં 18.2, ઓખામાં 16, અમરેલીમાં 14.8, અમદાવાદમાં 17.8, વડોદરામાં 17.8, ભાવનગરમાં 16.4, ભુજમાં 14, ડીસામાં 14.5, દિવમાં 15.8, દ્વારકામાં 17.1, ગાંધીનગરમાં 15 અને કંડલામાં 17.5 ડિગ્રી નોંધાયું હતું.રાજકોટ શહેર અને જિલ્લામાં ઠંડીનું જોર ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે નોંધાયેલા આંકડા મુજબ મહત્તમ તાપમાન 17.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 86 ટકા સુધી પહોંચ્યું હતું, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 4 કિમી રહી હતી.જામનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અહીં લઘુતમ તાપમાનમાં 1.6 ડિગ્રીનો વધારો નોંધાઈ 14.6 ડિગ્રી રહ્યો, જ્યારે મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાક 5.3 કિમી રહી હતી, જેના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો.આગામી દિવસોમાં હવામાનની અસ્થિરતા યથાવત રહેવાની સંભાવના હોવાથી હવામાન વિભાગે ખેડૂતોને સાવચેત રહેવાની અને પાકના સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવાની અપીલ કરી છે. Previous Post Next Post