વિશ્વ કઠોળ દિવસ: પોષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે કઠોળનું મહત્વ અદ્વિતીય

વિશ્વ કઠોળ દિવસ: પોષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે કઠોળનું મહત્વ અદ્વિતીય

દર વર્ષે 10મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં ‘વિશ્વ કઠોળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ કઠોળના પોષક મૂલ્ય, સ્વાસ્થ્યલક્ષી લાભો અને પર્યાવરણ પર તેની સકારાત્મક અસર વિશે જનજાગૃતિ ફેલાવવાનો છે. વર્ષ 2026 માટે વિશ્વ કઠોળ દિવસની થીમ ‘વિશ્વના કઠોળ – સામાન્યથી સર્વોત્તમ આહાર’ રાખવામાં આવી છે, જે કઠોળની સામાન્ય લાગતી પરંતુ અત્યંત ગુણવત્તાસભર ભૂમિકા તરફ ધ્યાન દોરે છે. આ વર્ષે વિશ્વ સ્તરની મુખ્ય ઉજવણી સ્પેનના વલ્લાડોલિડ શહેરમાં યોજાવાની છે.

ગુજરાતી લોકસાહિત્યમાં પણ કઠોળનું મહત્વ કહેવતો અને લોકવાણીમાં સ્પષ્ટ જોવા મળે છે. “ચણો કહે હું ખરબચડો, પીળો રંગ જણાય, રોજ પલાળી જો મને ખાય, તો ઘોડા જેવો થાય” અને “મગ કહે હું લીલો દાણો, મારા ઉપર ચાંદું, નિત્ય સેવન મારું કરે તો માણસ બેઠું કરું માંદું” જેવી કહેવતો કઠોળના સ્વાસ્થ્યવર્ધક ગુણોને સહજ રીતે વ્યક્ત કરે છે. કઠોળ માત્ર રસોઈમાં ઉપયોગી સામગ્રી નથી, પરંતુ તે માનવ શરીર માટે પોષણનો મજબૂત આધારસ્તંભ છે.

કઠોળમાં ચણા, મગ, અડદ, વટાણા, વાલ અને તુવેર જેવી અનેક જાતોનો સમાવેશ થાય છે. આ તમામ કઠોળ પ્રોટીનથી ભરપૂર હોય છે, જે ખાસ કરીને શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. સાથે સાથે તેમાં ફાઈબર, વિટામિન્સ અને ખનિજ તત્વો પણ પ્રચુર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. નિયમિત રીતે કઠોળનો સમાવેશ કરવાથી પાચન તંત્ર મજબૂત બને છે અને હૃદયરોગ, ડાયાબિટીસ જેવી બિમારીઓનો જોખમ પણ ઘટે છે.
 


કઠોળનું મહત્વ માત્ર માનવ સ્વાસ્થ્ય પૂરતું સીમિત નથી. ખેતી અને પર્યાવરણ માટે પણ કઠોળ અત્યંત લાભદાયી છે. કઠોળના પાક હવામાંથી નાઈટ્રોજન ખેંચીને જમીનમાં સ્થિર કરવાની કુદરતી ક્ષમતા ધરાવે છે. પરિણામે જમીન વધુ ફળદ્રુપ બને છે અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટે છે. આથી કઠોળ પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ ખેતી માટે ઉત્તમ વિકલ્પ બની રહે છે. વધુમાં, કઠોળના પાક ઓછા પાણીમાં પણ ઉગી શકે છે, જે બદલાતા હવામાન અને પાણીની અછતના સમયમાં ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

ગુજરાત સરકાર દ્વારા પણ કઠોળના મહત્વને ધ્યાનમાં રાખીને વિવિધ પોષણ યોજનાઓમાં તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. ‘પીએમ પોષણ’ (મધ્યાહન ભોજન યોજના) અંતર્ગત શાળાના બાળકોને અપાતા ભોજનમાં તુવેર દાળ, ચણા, મગ અને વટાણાનો સમાવેશ કરવામાં આવે છે. દાળ-ભાત, ખીચડી, ચણા-ચાટ અને પૌષ્ટિક સુખડી જેવી વાનગીઓ દ્વારા બાળકોને જરૂરી પોષણ પૂરું પાડવામાં આવે છે.

આ ઉપરાંત ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે, જેના અંતર્ગત બાલવાટિકાથી ધોરણ 8 સુધીના અંદાજે 41 લાખથી વધુ વિદ્યાર્થીઓને શાળામાં પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. આ યોજનામાં પણ દેશી ચણા અને મગ જેવા કઠોળનો વ્યાપક ઉપયોગ થાય છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં પીએમ પોષણ યોજનામાં બપોરના ભોજન સાથે સવારના નાસ્તાની વ્યવસ્થા તમામ પ્રાથમિક શાળાઓમાં અમલમાં મૂકવામાં આવી છે. વર્ષ 2025-26માટે આ યોજના માટે રૂ.617 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે રાજ્ય સરકારની પોષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓ માટે અમલમાં રહેલી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ અને ‘પૂર્ણા યોજના’ હેઠળ પણ Take Home Ration તરીકે તુવેર દાળ અને ચણાનું વિતરણ કરવામાં આવે છે. આ કઠોળ લોહતત્ત્વ અને પ્રોટીનની ઉણપ દૂર કરવામાં મદદરૂપ બને છે, જે માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે.

આજના સમયમાં જ્યારે ફાસ્ટફૂડ અને અસંતુલિત આહાર જીવનશૈલીનો ભાગ બની રહ્યો છે, ત્યારે પોષણથી ભરપૂર કઠોળને દૈનિક ભોજનમાં સ્થાન આપવું અત્યંત જરૂરી બની ગયું છે. વિશ્વ કઠોળ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ સ્વસ્થ જીવન, પર્યાવરણની સુરક્ષા અને ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધવાનો સંદેશ આપતો મહત્વપૂર્ણ અવસર છે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન